વેનેઝુએલા ભૂકંપમાં 235નાં મોત 40,000 લોકો ગુમ
અનેક દેશોમાંથી રેસ્ક્યુ ટીમો વેનેઝૂએલા મોકલવામાં આવી રહી છે
સિટી ન્યૂઝ@જયપુર
દક્ષિણ અમેરિકી દેશ વેનેઝુએલામાં આવેલા બે ભૂકંપમાં અત્યાર સુધીમાં ૨૩૫ લોકોના મોતની પુષ્ટિ થઈ છે. જ્યારે ૪૩૦૦થી વધુ લોકો ઘાયલ છે. વેનેઝુએલામાં બુધવારે ૧૮૨૧ના કારાબોબો યુદ્ધની યાદમાં રાષ્ટ્રીય રજા હતી. તેથી મોટાભાગના લોકો ઘરોમાં હતા અને ફીફા વર્લ્ડ કપ મેચ જોઈ રહ્યા હતા. આનાથી કાટમાળ નીચે દટાયેલા લોકોની સંખ્યા વધુ હોવાની આશંકા છે.
સ્થાનિક મીડિયા રિપોર્ટ અનુસાર, કાટમાળની અંદરથી અવાજો આવી રહ્યા છે. સરકારે મોડી રાત્રે જણાવ્યું કે ૩૯ હજારથી વધુ લોકો ગુમ છે. ભૂકંપની ભયાનકતાની અસલી તસવીર હજુ આવવાની બાકી છે. અમેરિકી જીઓલોજિકલ સર્વે અનુસાર, ભૂકંપથી ૧૦ હજારથી વધુ લોકોના મોત થવાની ૪૪% આશંકા છે. જ્યારે, એક લાખ લોકોના જીવ ગુમાવવાની પણ ૩૦% આશંકા છે. આ આફતથી વેનેઝુએલાની અર્થવ્યવસ્થાને ૯.૫ લાખ કરોડ રૂપિયાના નુકસાનની આશંકા છે. કાર્યકારી રાષ્ટ્રપતિ ડેલ્સી રોડ્રિગેઝે કટોકટી જાહેર કરી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રોડ્રિગેઝ સાથે વાત કરીને મદદની ઓફર કરી છે.
ભારતે ભૂકંપગ્રસ્ત વેનેઝુએલાને મદદ કરવા માટે ‘ઓપરેશન અમિસ્તદ’ શરૂ કર્યું છે. વિદેશ મંત્રી એસ. જયશંકરે જણાવ્યું હતું કે ભારતીય વાયુસેનાના બે C-17 વિમાન ભારતીય સેનાનું ફિલ્ડ હોસ્પિટલ યુનિટ અને ૩૫ ટનથી વધુ રાહત સામગ્રી લઈને વેનેઝુએલા જવા માટે રવાના થયા છે.
તેમણે કહ્યું કે ભારત આ મુશ્કેલ સમયમાં વેનેઝુએલાની સાથે ઊભું છે અને રાહત અને બચાવ કામગીરીમાં શક્ય તમામ સહાય પૂરી પાડવા માટે પ્રતિબદ્ધ છે. વેનેઝુએલામાં ભૂકંપથી નાશ પામેલી ઈમારતોના કાટમાળમાં સેંકડો લોકો ફસાયેલા હોવાની આશંકા છે. આંતરરાષ્ટ્રીય બચાવ ટીમો અને માનવતાવાદી સહાય આપત્તિગ્રસ્ત વિસ્તારમાં પહોંચતા ઈમરજન્સી જાહેર કરવામાં આવી છે.
કાટમાળ નીચે બાળકનો જન્મ
વેનેઝુએલામાં આવેલા ભૂકંપને ૩૦ કલાકથી વધુ સમય વીતી ગયો છે. રાહત અને બચાવ કામગીરી સતત ચાલુ છે. ભૂકંપમાં મૃત્યુઆંક વધીને ૨૩૫ પર પહોંચી ગયો છે. સ્થાનિક રાહત અને બચાવ એજન્સીઓ ભૂકંપગ્રસ્ત વિસ્તારોમાં કાટમાળ હટાવવાની કામગીરી કરી રહી છે. આ દરમિયાન બચાવ ટીમે ધરાશાયી થયેલી ઈમારતની છત તોડીને એક નવજાત બાળકીનો સુરક્ષિત રીતે બચાવ કર્યો હતો. કાટમાળ નીચે ફસાઈગયેલી એક ગર્ભવતી મહિલાએ બાળકીને જન્મ આપ્યો હતો. ઘણા પરિવારોએ પોતાના સ્વજનોને ગુમાવ્યા. હજારો લોકો ઘાયલ છે. રસ્તાઓ પર રેસ્ક્યુ કેમ્પમાં લોકોની સારવાર ચાલી રહી છે. લોકો પોતાના સ્વજનોને શોધી રહ્યા છે. કાટમાળ હટાવવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે અને રેસ્ક્યુ ઓપરેશન ચાલુ છે.