સરકારની સ્કૂલો માટે માર્ગદર્શિકા
ચોમાસા પહેલા રાજ્યની પ્રાથમિક શાળાઓ-હોસ્ટેલ માટે સરકારે માર્ગદર્શિકા જાહેર કરી
સિટી ન્યૂઝ@અમદાવાદ
આગામી ચોમાસાની ઋતુને ધ્યાનમાં રાખીને ગુજરાત સરકારે રાજ્યની પ્રાથમિક શાળાઓ અને હોસ્ટેલોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની સુરક્ષા માટે અત્યંત મહત્વનો નિર્ણય લીધો છે. શિક્ષણ વિભાગ દ્વારા ‘સ્કૂલ સેફ્ટી’ અંતર્ગત વ્યાપક અને કડક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવી છે, જેના અમલીકરણ માટે તમામ જિલ્લા શિક્ષણાધિકારીઓ (DEO), જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ અને શાસનાધિકારીઓને કડક સૂચના આપવામાં આવી છે.
સરકારની નવી માર્ગદર્શિકા મુજબ રાજ્યની કોઈપણ શાળાના જર્જરિત ઓરડાઓમાં વિદ્યાર્થીઓને બેસાડવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ ઉપરાંત શાળા અને હોસ્ટેલ પરિસરની છત તેમજ મેદાનની સફાઈ ચોમાસા પૂર્વે જ પૂર્ણ કરી લેવા તાકીદ કરવામાં આવી છે.વીજળીના જોખમોને ટાળવા માટે પરિસરમાં ખુલ્લા વાયરો ન રહે અને અર્થિંગની યોગ્ય વ્યવસ્થા હોય તે સુનિશ્ચિત કરવું પડશે.માત્ર ISI માર્કાવાળા જ વીજ ઉપકરણોનો ઉપયોગ કરવા આદેશ અપાયો છે.
ચોમાસા દરમિયાન પૂર કે ભારે વરસાદની સ્થિતિને પહોંચી વળવા માટે સરકારે ઈમરજન્સી પ્રોટોકોલ જાહેર કર્યો છે. અતિવૃષ્ટિના સમયે સ્થિતિની ગંભીરતાને આધારે સ્થાનિક અધિકારીઓએ પોતાની વિવેકબુદ્ધિનો ઉપયોગ કરીને તાત્કાલિક નિર્ણય લેવાના રહેશે.આ સમયગાળા દરમિયાન TPEOની પૂર્વ મંજૂરી વિના શાળા બંધ કરવી કે શાળા છોડવી નહીં તેવી સ્પષ્ટ સૂચના આપવામાં આવી છે. આ સાથે દરેક શાળામાં ઈમરજન્સી કીટ હંમેશા હાથવગી રાખવા પણ જણાવાયું છે.
રાજ્યની તમામ શાળાઓમાં નવી ‘શાળા વ્યવસ્થાપન સમિતિ’ની રચના કરાશે
સિટી ન્યૂઝ@અમદાવાદ
કેન્દ્ર સરકારની સૂચના અને નવી શિક્ષાનીતિના ભાગરૂપે શાળા વહીવટમાં વાલીઓને મજબૂત બનાવવા શિક્ષણ વિભાગ દ્વારા શાળા વ્યવસ્થાપન સમિતિ (SMC)ની નવી ગાઈડલાઈન પ્રસિદ્ધ કરી છે. નવી માર્ગદર્શિકા અન્વયે તમામ સરકારી અને ગ્રાન્ટેડ શાળાઓમાં વિદ્યાર્થી સંખ્યાના આધારે SMCના સભ્યો નિમવામાં આવશે. સમિતિમાં ૫૦ ટકા મહિલાઓનો સમાવેશ કરવો ફરજિયાત છે.ભારત સરકારના શિક્ષણ મંત્રાલય દ્વારા મે-૨૦૨૬માં જાહેર કરાયેલી નવી માર્ગદર્શિકાના આધારે રાજ્ય સરકારે જૂના ઠરાવો રદ કરી, તમામ સરકારી, સ્થાનિક સત્તામંડળ સંચાલિત અને ગ્રાન્ટેડ શાળાઓમાં ‘શાળા વ્યવસ્થાપન સમિતિ’ (SMC)ની રચના અથવા પુનરચના કરવાનો આદેશ આપ્યો છે.
આ અંતર્ગત શૈક્ષણિક વર્ષ શરૂ થયાના એક માસની અંદર આ પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે.શાળા વ્યવસ્થાપન સમિતિની નવી માર્ગદર્શિકા અનુસાર કમિટીમાં ૭૫ ટકા વાલી સભ્યો હશે અને અધ્યક્ષ તેમજ ઉપાધ્યક્ષ પદ માત્ર વાલીઓને જ મળશે. સમિતિમાં ૫૦ ટકા મહિલાઓ અને વંચિત જૂથોને સપ્રમાણ સ્થાન આપવું અનિવાર્ય છે. વિદ્યાર્થીઓની સંખ્યાના આધારે સમિતિનું કદ ૧૨થી ૨૫ સભ્યો સુધીનું રહેશે અને તેમનો કાર્યકાળ બે વર્ષનો નક્કી કરાયો છે. ચૂંટણી પ્રક્રિયા લોકશાહી ઢબે, હાથ ઊંચા કરીને કે ગુપ્ત મતદાનથી કરવાની રહેશે. આ સમિતિ પાસે માત્ર વહીવટી જ નહીં પણ વ્યાપક સત્તાઓ રહેશે, જેમાં શાળા વિકાસ માટે ત્રણ વર્ષનો માસ્ટર પ્લાન તૈયાર કરવો મુખ્ય છે.
સ્કૂલમાં ધોરણ 9થી ‘હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’નો અમલ કરવાનો નિર્ણય
સિટી ન્યૂઝ@અમદાવાદ
રાજ્ય સરકાર દ્વારા શિક્ષણ પ્રણાલીમાં મહત્ત્વપૂર્ણ ફેરફાર કરવાનો નિર્ણય લેવાયો છે. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ-૨૦૨૦ના આધારે શૈક્ષણિક વર્ષ ૨૦૨૬-૨૭થી જ ધોરણ-૯માં વિશેષ રૂપે તૈયાર કરવામાં આવેલા ‘હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડ’ (HPC)નો અમલ કરવામાં આવશે. આ નવીન પ્રણાલીનો ઉદ્દેશ્ય માત્ર ગુણ કે રેન્ક આપવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ વિદ્યાર્થીઓનું સર્વગ્રાહી અને ૩૬૦ ડિગ્રી મૂલ્યાંકન કરવાનો છે.શિક્ષણ બોર્ડ દ્વારા આ અંગે પ્રથમ તબક્કામાં ૧૦ ટકા શાળા પસંદ કરી તેમાં પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવશે. ત્યારબાદ અન્ય શાળામાં તેનું વિસ્તરણ કરવાનું આયોજન કરાયું છે.
પરખ-NCERT દ્વારા તૈયાર કરેલા હોલિસ્ટિક પ્રોગ્રેસ કાર્ડનો અમલ કરવાનો નિર્ણય કરાયો છે. આ માટે રાજ્યના શિક્ષણ બોર્ડે આ નવી શૈક્ષણિક મૂલ્યાંકન પદ્ધતિને રાજ્યભરમાં સુદ્રઢ રીતે લાગુ કરતાં પહેલાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે શરૂ કરવાનું આયોજન કર્યું છે. આ આયોજન હેઠળ રાજ્યના દરેક જિલ્લાની ૧૦ ટકા સરકારી, ગ્રાન્ટેડ અને નોન-ગ્રાન્ટેડ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાની પસંદગી કરાશે. આ પસંદ કરેલી શાળામાં ધોરણ-૯ના વિદ્યાર્થીઓ પર આ પ્રયોગ કરવામાં આવશે અને તેના પરિણામો તેમજ અનુભવોના આધારે ભવિષ્યમાં સમગ્ર રાજ્યની તમામ શાળામાં તેનું વિસ્તરણ કરવામાં આવશે.
ટ્યૂશન સંચાલકોએ મુખ્યમંત્રીને નિયમ વિરુદ્ધ ખાનગી ટ્યૂશન કરતા શિક્ષકો અને ડે સ્કૂલોની યાદી સોંપી
સિટી ન્યૂઝ@અમદાવાદ
અમદાવાદ સહિત સમગ્ર રાજ્યના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોમાં ધીમે ધીમે શાળાના શિક્ષણનું મહત્ત્વ ઘટતું જાય છે અને તેના સ્થાને કોચિંગ-ટ્યૂશન ક્લાસિસની બોલબાલા વધી રહી છે. મહાનગરોમાં તો અનેક સ્કૂલના શિક્ષકો, પ્રિન્સિપાલ નિયમો નેવે મૂકીને ખાનગી ટ્યૂશન ક્લાસિસ ચલાવે છે, ઘરે ઘરેજઈને ટ્યૂશન આપે છે. એટલું જ નહીં, અનેક સ્કૂલોમાં તો મેનેજમેન્ટ અથવા જે તે વિષયના શિક્ષણ દ્વારા વિદ્યાર્થીઓ અને વાલીઓ પર ચોક્કસ શિક્ષકનું ટ્યૂશન લેવા માટે દબાણ કરતું હોવાની પણ ફરિયાદ પણ ઉઠતી રહી છે ત્યારે ખાનગી ટ્યૂશન ક્લાસિસના સંચાલકોના સંગઠને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન આપી કેન્દ્ર સરકારની ગાઈડલાઈન અને સુપ્રીમ કોર્ટના ચુકાદા અનુસાર ખાનગી ટ્યૂશન ક્લાસિસ માટે ઝડપથી નિયમો બનાવી લાગુ કરવા રજૂઆત કરી છે.સાથોસાથ સરકારી કે ખાનગી શાળામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા અને નિયમ વિરુદ્ધ ટ્યૂશન ક્લાસિસ ચલાવતા કે ટ્યૂશન કરતા ૭૫થી વધુ શિક્ષકોની યાદી સુપરત કરી છે.ગુજરાત સહિત દેશભરમાં વધી રહેલા ટ્યૂશનના દૂષણને નાથવા માટે સુપ્રીમ કોર્ટે વખતોવખત ચુકાદા આપ્યા છે તો કેન્દ્ર સરકારે દોઢથી બે વર્ષ અગાઉ તમામ રાજ્યોને ખાનગી ટ્યૂશન ક્લાસિસ ચલાવવા માટે ચોક્કસ નિયમો ઘડવા આદેશ કર્યો હતો.