Loading Please Wait !!!
ભારતીય લોકતંત્રનો કાળો અધ્યાય-1975ની કટોકટી અને મીડિયા પર પ્રી-સેન્સરશીપ

 

25 જૂન 1975ની રાત્રીએ ઈન્દિરા ગાંધીએ કટોકટી જાહેર કરી આખા દેશને કારાગૃહમાં પરિવર્તિત કરી દીધો હતો. કટોકટીકાળમાં થયેલી ધરપકડો, અમાનુષી અત્યાચારો, આપખુદશાહી વગેરે બાબતો વિશે ઘણું લખાયું છે, આજે આપણે વાત કરવી છે કટોકટી સમય દરમિયાન મીડિયાજગત પર થયેલા અત્યાચારોની, દમનની.

26 જૂન 1975ના દિવસે ઈન્દિરા ગાંધીએ મીડિયા પર નિયંત્રણ મૂકવા કેબિનેટની બેઠક બોલાવી હતી, જેમાં પ્રી-સેન્સરશીપ લાગુ કરવાના પ્રસ્તાવને મંજૂરી આપવામાં આવી હતી અને ભારત સુરક્ષા અધિનિયમ 1971ની કલમ 48 હેઠળની જોગવાઈઓનો દુરુપયોગ કરી દેશભરમાં પ્રી-સેન્સરશીપ લાગુ કરી દેવામાં આવી. જે મુજબ કોઈપણ સમાચાર, નોંધ કે રિપોર્ટ અધિકૃત અધિકારીની તપાસની તેમજ પરવાનગી વગર પ્રસિદ્ધ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો. કાયદાનો ભાગ ન હોય તે પ્રકારની કડક ગાઈડલાઈન્સ નક્કી કરવામાં આવી. જેથી મીડિયાજગતને સંપૂર્ણ બાબતમાં લઈ શકાય. ઈન્દિરા ગાંધી સ્પષ્ટપણે માનતાં હતાં કે જો અખબારો પર નિયંત્રણ મૂકવામાં નહીં આવે તો કટોકટીના નિર્ધારિત પરિણામો મેળવી શકાશે નહીં. જો જનતાને અખબારો દ્વારા વાસ્તવિક સ્થિતિની માહિતી મળતી રહેશે તો દેશમાં પ્રચંડ જનાંદોલન શરૂ થશે અને પોતાનું આજીવન સત્તા પર રહેવાનું સપનું અધૂરું રહી જશે. સરકાર સામે પ્રજા વિરોધનો સૂર અખબારોમાં પ્રકાશિત ન થાય તથા સરકાર સામે પ્રજાઆક્રોશ વધે નહીં તેથી સેન્સરશીપને તાત્કાલિક લાગુ કરી દેવામાં આવી.

કટોકટીની ઘોષણા પછી તરત જ રાત્રે દિલ્હીના અખબારોનો વિદ્યુતપ્રવાહ બંધ કરી દેવામાં આવ્યો હતો અને ઈન્દિરા ગાંધીના પ્રખર આલોચક એવાં અંગ્રેજી દૈનિક મધરલેન્ડના મુખ્ય તંત્રી કે.આર.મલકાનીની રાત્રે જ ધરપકડ કરી લેવામાં આવી હતી. સમગ્ર દેશમાં જે અખબારો સરકાર વિરોધી હતા તે બંધ કરાવી દેવામાં આવ્યા હતા, પોલીસ અને સરકારી અધિકારીઓએ અખબારો અને સમાચાર એજન્સીઓની ઓફિસ પર કબજો જમાવી દીધો હતો. મોટા ભાગના અખબારોની કચેરીઓમાં વગર વોરંટે ઘૂસી પોલીસ અધિકારીઓએ સીલ મારી દીધા હતા. વિરોધ કરનારા પ્રકાશકો-તંત્રીઓની મીસા હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

 

કટોકટી પૂર્વે દેશમાં ચાર સમાચાર એજન્સીઓ હતી, જેમાં પીટીઆઈ(પ્રેસ ટ્રસ્ટ ઓફ ઈન્ડિયા), યુએનઆઈ(યુનાઈટેડ ન્યૂઝ ઓફ ઈન્ડિયા), હિન્દુસ્તાન સમાચાર અને સમાચાર ભારતી નો સમાવેશ થાય છે. પ્રેસ પર સંપૂર્ણ નિયંત્રણ મેળવવા માટે આ ચાર એજન્સીઓ પર અધિકાર જમાવવાનું સરકારે નક્કી કર્યું. પરિણામે 13 ડિસેમ્બર 1975ના રોજ મળેલી કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં આ ચાર સમાચાર એજન્સીઓનાં જોડાણ માટેનું વિધેયક પસાર કરવામાં આવ્યું. આ જોડાણ થતાં તેને નવું નામ આપવામાં આવ્યું સમાચાર. આમ, સમાચારનું નિર્માણ થતાં પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે તમામ અખબારોનો કંટ્રોલ સરકાર હસ્તક આવી ગયો.

 

અખબારી સ્વાતંત્ર્ય ઉપર તરાપ મારવા અને તેના પર પોતાનો સંપૂર્ણ કબજો જમાવવાના હેતુથી 11 ફેબ્રુઆરી 1976ના રોજ આપત્તિજનક સામગ્રી પ્રકાશન નિષેધ અધિનિયમ 1975 પારિત કરવામાં આવ્યો હતો. આ અધિનિયમ દ્વારા સરકારે અખબારોની આઝાદી પતાવી દીધી હતી. આ અધિનિયમની સૌથી ભયંકર વાસ્તવિકતા એ હતી કે તેને સંવિધાનની નવમી અનુસૂચિમાં સામેલ કરવામાં આવ્યો હતો. જેને પરિણામે આ અધિનિયમને કોઈપણ અદાલતમાં પડકારી શકાય નહીં.

 

ગુજરાતમાં તે સમયે બાબુભાઈ જશભાઈ પટેલની મોરચા સરકાર હતી તેથી ગુજરાત સરકારે સેન્સરશીપને બહાલ આપી નહીં અને માહિતી નિયામકની સેન્સર અધિકારી તરીકે નિમણૂક પણ કરી નહીં. પરિણામે, કેન્દ્ર સરકારે પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો ઓફ ઈન્ડિયાના સ્થાનિક અધિકારીને સેન્સર અધિકારી તરીકે નિમણૂક કરી હતી. ગુજરાત વિધાનસભામાં પણ સેન્સરશીપનો વિરોધ થયો હતો. ગુજરાત વિધાનસભાના ચોમાસુસત્રમાં ધારાસભ્ય અશોકભાઈ ભટ્ટ અને અરવિંદભાઈ મણીયાર દ્વારા વિશેષાધિકાર ભંગની દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. ગુજરાતમાં હિતેન્દ્રભાઈ દેસાઈના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરો કોઈપણ ભોગે જનતા સરકાર તોડવા મથી રહ્યા હતા. તોડજોડની રાજનીતિ દ્વારા તેઓ સત્તા સફળ રહ્યા અને અંતે 12મી માર્ચે ગુજરાત વિધાનસભામાં મોરચા સરકાર બહુમતી પુરવાર કરવામાં નિષ્ફળ રહી અને 13મી માર્ચે રાજ્યમાં મોરચા સરકારે રાજીનામું આપ્યું. તે જ રાત્રિના ગુજરાતમાં ધરપકડોનો દોર શરૂ થયો અને સેન્સરશીપનો કડક અમલ પણ શરૂ થયો.

 

ગુજરાતમાં અનેક અખબારો સામયિકોએ કટોકટીકાળમાં ઈન્દિરા સરકારના તાબે થવાને બદલે હિંમતભેર લડવાનું નક્કી કર્યું અને સેન્સરશીપ, જડતી, જપ્તી કે ધરપકડની પરવા કર્યા વિના સરકારના કાળા કાયદા સામે મક્કમતાથી લડી લેવાનું નક્કી કર્યું. સાધના, ભૂમિપુત્ર, સંદેશ, જનસત્તા, ફૂલછાબ, જન્મભૂમિ વગેરે અખબારોએ અનેક ફોટેક્સ, ધરપકડો, જપ્તી, દંડ, સજા વગેરે જેવી અનેક તકલીફો વેઠીને પણ મક્કમતાથી પોતાનો અવાજ ઉઠાવવાનું ચાલુ રાખ્યું હતું. સંદેશના એક તંત્રીલેખ પર સેન્સરની કાતર લાગી ત્યારથી તંત્રીલેખની જગ્યા ખાલી રાખી માત્ર ગાંધીજીનો ફોટો મૂક્યો અને સબકો સન્મતિ દે ભગવાન તેવું લખી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો.

અખબારો પરની સેન્સરશીપને લીધે લોકો સુધી સાચી વાત પહોંચવાનું બંધ થયું હતું તે સમયે દેશભરમાં ભૂગર્ભપત્રિકાઓ શરૂ થઈ હતી જેમાં સરકારની જોહુકમી, અત્યાચારો, કટોકટી વિરુદ્ધના કાયદો, લેખ વગેરે પ્રસિદ્ધ થતાં અને તેના દ્વારા જનાંદોલન પ્રબળ બનાવવાના પ્રયત્નો થતાં રહ્યાં. રાષ્ટ્રસેવા કાજે સમર્પિત એવાં કેટલાંક લોક પ્રજાજાગૃતિ માટે આ પ્રકારની ભૂગર્ભપત્રિકાઓ ચાલુ કરી હતી, જેમાં તે વખતના ગુજરાતના પત્રકારોનું યોગદાન મુખ્ય રહેતું. જનસત્તા સમાચાર, સંઘર્ષ સમાચાર, દીડિયો, જનજાગૃતિ, નિર્ભય, જનતા સમાચાર વગેરે જેવી ગુજરાતી પત્રિકાઓ મુખ્ય હતી.

આ ઉપરાંત દેશભરમાં સાચા સમાચારો લોકો સુધી પહોંચે અને સરકારની જોહુકમી સામે વિરોધ પ્રગટ કરી શકાય તે માટે ભૂગર્ભ વાર્તાપત્રો પણ બહાર પાડવામાં આવતા હતા. આજે જે પ્રકારનાં કોમ્યુનિકેશન અને માહિતી એકત્ર કરવા માટે આધુનિક સંસાધનો ઉપલબ્ધ છે તેવી સગવડો ત્યારે નહોતી તેમ છતાં ટપાલ કે તાર દ્વારા છૂપી રીતે કોર્ડવર્ડથી જુદાજુદા પ્રદેશો વચ્ચે સમાચારોની આપ લે થતી અને તે સમાચારો પાત્રાપત્રોમાં સ્વહસ્તે લખાતાં, સાઈકલઓસ્ટાઈલ મશીનમાં તેની નકલો કાઢવામાં આવતી અને તેને છૂપી રીતે જુદાજુદા વિસ્તારોમાં પહોંચાડવામાં આવતી.

આપણાં પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી પણ કટોકટીકાળમાં છૂપાવે ભૂગર્ભમાં રહી આ બધી પ્રવૃત્તિઓ કરતા હતા. કટોકટીકાળના તેમના અનુભવો સાથેનું એક પુસ્તક પણ તેમણે લખ્યું છે સંઘર્ષમાં ગુજરાત. આ ઉપરાંત શ્રી વિષ્ણુભાઈ પંડ્યા સહિત અનેક પત્રકારો-આગેવાનોએ પણ તે વખતમાં તેમના સ્વાનુભાવોને પુસ્તક રૂપે પ્રગટ કર્યા છે, જેમાં આ વિષય પર વિસ્તૃત માહિતી આપવામાં આવી છે.

આમ, જેને લોકતંત્રની ચોથી જાગીર કહેવાય છે તેવા મીડિયાજગત પર સેન્સરશીપ લાદી તેનાં અવાજને કચડી ઈન્દિરા ગાંધી દ્વારા લોકતંત્રની સરેઆમ હત્યા કરવામાં આવી હતી. કટોકટીકાળના આ કપરા 27 મહિના આ દેશની લોકશાહીના ઈતિહાસમાં કાળા અધ્યાય તરીકે હંમેશા યાદ રહેશે.