Loading Please Wait !!!
પેટ્રોલ પંપો સાવધાન; ગ્રાહકોને ઈંધણ આપવાનો ઈન્કાર ભારે પડશે

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

સરકારના વરિષ્ઠ અધિકારીઓએ સ્પષ્ટ કર્યું છે કે દેશમાં પેટ્રોલ, ડીઝલ કે LPGનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેની કોઈ તંગી નથી. ગ્રાહકોને ઈંધણ આપવાનો ઈન્કાર કરનારા અથવા ઓછી માત્રામાં આપનારા પેટ્રોલ પંપો સામે તંત્ર દ્વારા કડક પગલાં લેવાઈ રહ્યા છે. સમગ્ર દેશના તમામ રિટેલ આઉટલેટ્સ પર ઈંધણનો પુરવઠો સતત જળવાઈ રહે તે માટે સરકાર દ્વારા સખત દેખરેખ રાખવામાં આવી રહી છે.

વધુમાં, ઓઈલ માર્કેટિંગ કંપનીઓની રિફાઇનરીઓમાં ક્રૂડ ઓઈલની સપ્લાય અવિરત ચાલુ રહે તે હેતુથી રશિયાથી કરવામાં આવતી ઓઈલની આયાત પણ યથાવત રાખવામાં આવી છે.

અધિકારીઓા જણાવ્યા અનુસાર, અત્યારે લણણીની સીઝન (પાકની કાપણી) ચાલી રહી હોવાથી ડીઝલની માંગમાં અચાનક વધારો થયો છે. આ સિવાય ખાનગી ઓઈલ કંપનીઓએ ભાવ વધારી દીધા હોવાથી ગ્રાહકો હવે સરકારી ઓઈલ કંપનીઓના પેટ્રોલ પંપ તરફ વળ્યા છે, જેના કારણે ત્યાં વેચાણ વધ્યું છે. વળી, કોમર્શિયલ ખરીદી કરનારાઓ પણ સામાન્ય પેટ્રોલ પંપ પરથી ઈંધણ ખરીદી રહ્યા છે, કારણ કે આંતરરાષ્ટ્રીય ભાવ પ્રમાણે તેમને કોમર્શિયલ રેટ પર પ્રતિ લીટર અંદાજે ૨૦ રૂપિયા વધુ ચૂકવવા પડતા હતા.

તાજેતરમાં ભારતમાં પેટ્રોલ અને ડીઝલના ભાવમાં પ્રતિ લીટર ૩.૬૧ રૂપિયાનો જે વધારો કરવામાં આવ્યો છે, તે માત્ર ૪.૪ ટકા જેટલો જ છે. એક રિપોર્ટ અનુસાર સાઉદી અરેબિયા જેવા સીધી સબસિડી આપતા દેશોને બાદ કરતાં, વિશ્વના અન્ય કોઈપણ મોટા અર્થતંત્રની તુલનામાં આ સૌથી નાનો ભાવવધારો છે. ઈન્ડિયન ઓઈલના એક અધિકારીએ જણાવ્યું કે, સરકારી ઓઈલ કંપનીઓએ ૭૬ દિવસ સુધી આંતરરાષ્ટ્રીય સ્તરે વધેલા ખર્ચનો સંપૂર્ણ બોજ પોતે સહન કર્યો હતો અને અત્યારે જે ૩.૬૧ રૂપિયા વધારાયા છે તે ક્રૂડ ઓઈલના વધેલા ખર્ચનો માત્ર એક નાનો ભાગ છે.