GEN-Zનું એલાન : હક્ક માટે લડશું હિંસા નહીં; પણ ઝૂકીશું નહીં
=> કોકરોચ જનતા પાર્ટીના અભિજીતે પોસ્ટ મૂકી
=> યુવાનોને અન્ડરએસ્ટિમેટ કરશો નહીં GNE-Z તૈયાર છે જવાબ આપવા
=> આંદોલનનો હેતુ હિંસા નહીં પરંતુ ન્યાય અને અધિકારીઓની માંગ છે
=> અભિજીતે કહ્યુ ભારતના યુવાનોને નેપાળ અથવા બાંગ્લાદેશની ઘટનાઓ સાથે સરખાવવું યોગ્ય નથી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સોશિયલ મીડિયા પર Gen Z મૂવમેન્ટને લઈને ચાલી રહેલી ચર્ચાઓ વચ્ચે એક્ટિવિસ્ટ અભિજીત દીપકે યુવાનોના સમર્થનમાં તીખું નિવેદન આપ્યું છે. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે ભારતના યુવાનોને નેપાળ અથવા બાંગ્લાદેશની ઘટનાઓ સાથે સરખાવવું યોગ્ય નથી અને તે તેમની અવગણના સમાન છે.
અભિજીત દીપકે પોતાના નિવેદનમાં જણાવ્યું કે આજની પેઢી વધુ જાગૃત, પરિપક્વ અને રાજકીય રીતે સચેત છે. તેઓ પોતાના સંવિધાનિક અધિકારોને સારી રીતે સમજે છે અને પોતાની અસંમતિને હિંસક નહીં પરંતુ શાંતિપૂર્ણ અને લોકશાહી માર્ગોથી વ્યક્ત કરશે. તેમણે વધુમાં જણાવ્યું કે ઘણા યુવાનો હાલ સત્તામાં રહેલા લોકો કરતાં વધુ શિક્ષિત અને માહિતગાર છે, તેથી તેમને હળવાશથી લેવાની ભૂલ ન કરવી જોઈએ. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે કોકરોચ જનતા પાર્ટી જેવા વ્યંગાત્મક અભિયાન દ્વારા યુવાનો શિક્ષણ, બેરોજગારી અને નીતિઓ સામે પોતાનો અવાજ ઉઠાવી રહ્યા છે. આ અભિયાન સોશિયલ મીડિયા પર ઝડપથી લોકપ્રિય બની રહ્યું છે. અભિજીત દીપકે અંતમાં સ્પષ્ટ કર્યું કે આ આંદોલનનો હેતુ હિંસા નહીં પરંતુ ન્યાય અને અધિકારોની માંગ છે.
=> અભિજિતને ધમકી મળવાનું ચાલુ
=> પૈસા લઈ એકાઉન્ટ બંધ કરો નહીં તો મારી નાંખશું!
સોશિયલ મીડિયા પર સક્રિય કૉકરોચ જનતા પાર્ટીના અભિજીત દીપકને જીવલેણ ધમકીઓ મળવાનો ચોંકાવનાર મામલો સામે આવ્યો છે. અભિજીત દીપકે પોતાના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક ચેટનો સ્ક્રીનશોટ શેર કર્યો છે, જેમાં અજાણ્યા નંબર પરથી પૈસાની માંગ સાથે ગંભીર ધમકી આપવામાં આવી હોવાનું દેખાય છે. શેર કરાયેલા મેસેજ મુજબ, પૈસા એકાઉન્ટમાં મોકલ, નહીં તો BIPમાં એકાઉન્ટ બંધ કરી દેશું તેમજ અમેરિકા માં પણ મારી નાખીશું જેવી ધમકી આપવામાં આવી છે. આ પોસ્ટ સાથે અભિજીત દીપકે The cost of speaking up લખીને સૂચવ્યું છે કે પોતાના અવાજ ઉઠાવવાના કારણે તેમને આવી ધમકીઓનો સામનો કરવો પડી રહ્યો છે. આ ઘટના બાદ સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જાગી છે. કેટલાક લોકો આ મામલે ગંભીર તપાસની માંગ કરી રહ્યા છે, જ્યારે કેટલાક યુઝર્સ આને રાજકીય દબાણ કે સ્ટન્ટ તરીકે પણ જોઈ રહ્યા છે. હાલમાં આ મામલે પોલીસમાં સત્તાવાર ફરિયાદ નોંધાઈ છે કે નહીં તેની સ્પષ્ટ માહિતી સામે આવી નથી, પરંતુ આ પ્રકારની ધમકીઓએ સુરક્ષા મુદ્દે ગંભીર સવાલો ઊભા કર્યા છે.