ગૌમાતા બચાવ અભિયાન તેજ: Go-Lx પ્લેટફોર્મથી ગાય ખરીદી-વેંચી શકાશે
=> ધર્મ + ટેક્નોલોજીનું તોફાન: શંકરાચાર્યનુ મોટું એલાન
=> શંકરાચાર્યએ કહ્યું: ગૌમાતાની હત્યા થવા નહીં દઈએ
=> મુસ્લિમ સમાજ પણ ગૌ હત્યાબંધીના સમર્થનમાં
સિટી ન્યૂઝ@અમદાવાદ
ગૌહત્યા વિરુદ્ધ આંદોલન ચલાવી રહેલા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદ સરસ્વતીએ હવે ગાયોની ઓનલાઈન ખરીદ-વેચાણની જાહેરાત કરી છે. શંકરાચાર્યે ગો-એલએક્સ (Go-LX) નામની એક વેબસાઇટ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે, જેના માધ્યમથી ગાયોની ખરીદી કરવામાં આવશે.
સ્વામી અવિમુક્તેશ્વરાનંદે કહ્યું- અમે એક વેબસાઇટ બનાવી રહ્યા છીએ. આ વેબસાઇટ દ્વારા અમે ગાયોને ખરીદીશું. જે પશુપાલક કે વેપારી પોતાની ગાય વેચવા માંગે છે, તે વેબસાઇટ પર જાહેરાત આપી શકે છે. જો કોઈ હિન્દુ પોતાની ગાય વેચવા માંગે છે, તો મને વેચે. અમે ખરીદવા માટે તૈયાર છીએ. અમે ગાયોની હત્યા થવા નહીં દઈએ અને કોઈ ગૌહત્યારોને ગાય ખરીદવા નહીં દઈએ. શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે ગુરુવારે એક વીડિયો જાહેર કર્યો. વીડિયોમાં તેમણે કહ્યું કે અમે ગાયોને ખરીદીને તેમની સેવા કરીશું. હિન્દુઓના કહેવા પર જ પોતાની વેબસાઇટ બનાવી છે. અમે તેનું નામ ગો-એલએક્સ (Go-LX) રાખ્યું છે. લોકો પોતાની ગાય અહીં વેચી શકે છે. ગૌ સંરક્ષણને સમર્પિત લોકો પણ તે ગાયોને ખરીદીને સેવા કરી શકશે.
ગાયોને ઓનલાઈન ખરીદવાનો નિર્ણય લેવાનું કારણ જણાવતા શંકરાચાર્યે કહ્યું કે, સોશિયલ મીડિયા અને કેટલાક સમાચાર માધ્યમો દ્વારા એવી વાત ફેલાવવામાં આવી રહી છે કે જો મુસલમાનો ગાય ખરીદવાનું બંધ કરી દેશે અથવા ગૌમાંસ ખાવાનું છોડી દેશે તો હિન્દુ પશુપાલકો આર્થિક સંકટમાં આવી જશે.
તેમણે કહ્યું કે તેઓ એવી ગાયો ખરીદશે જેણે દૂધ આપવાનું બંધ કરી દીધું છે અથવા જેને કસાઈને વેચવામાં આવી રહી છે. પશુપાલકો તે ગાયોને અમારી વેબસાઇટ પર સીધા વેચી શકશે અને અમે તેની ખરીદી કરીશું. કોઈ પણ સાચો હિન્દુ પોતાની ગાયને કપાવા માટે વેચી શકે નહીં. જો કોઈ વ્યક્તિમાં વાસ્તવિક હિંદુત્વ છે, તો તે ક્યારેય ગાયને કસાઈના હાથમાં સોંપશે નહીં.
શંકરાચાર્યે કહ્યું કે ભારતમાં ગૌહત્યાબંધીના સમર્થનમાં મુસ્લિમ સમાજ પણ છે. મુસ્લિમ સમાજના ઘણા લોકો સાથે છે. તેમણે સ્વીકાર્યું છે કે ઇસ્લામમાં ગૌમાંસ ખાવું એ કોઈ ફરજિયાત ધાર્મિક કર્તવ્ય નથી. અમે આવા લોકોનું સ્વાગત કરીએ છીએ. જો દેશમાં ગૌહત્યા અને ગૌમાંસ ભક્ષણ બંધ થાય છે, તો તેનાથી સામાજિક સૌહાર્દ અને પરસ્પર સદભાવ મજબુત થશે.