Loading Please Wait !!!
પાકિસ્તાની મૌલાનાનો ખુલાસો: હાફિઝ સઇદે કાશ્મીરમાં 10,000 આતંકીઓ મોકલ્યા

 

  • બહાવલનગરમાં પ્રતિબંધિત સંગઠનના મંચ પરથી પાકિસ્તાની ધર્મગુરુએ કર્યો સરેઆમ સ્વીકાર

  • 26/11 મુંબઈ હુમલા અને પહેલગામ હુમલાનો મુખ્ય માસ્ટરમાઇન્ડ રહ્યો છે હાફિઝ સઇદ

  • કાશ્મીરમાં નિર્દોષોની હત્યા અને સરહદપારથી ચાલતા આતંકવાદનું સત્ય દુનિયા સામે આવ્યું

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

સીમા પારથી ભારત વિરુદ્ધ રચવામાં આવતા આતંકી ષડયંત્રો અને પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદની કાળી કરતૂતોની પોલ વધુ એક વખત પાકિસ્તાનની જ ધરતી પર ખુલ્લેઆમ છતી થઈ ગઈ છે. તાજેતરમાં હાર્ટ એટેકમાંથી સાજા થઈને ફરી જાહેર મંચ પર આવેલા પાકિસ્તાની ધર્મગુરુ મૌલાના નસીર મદનીએ સરેઆમ સ્વીકાર કર્યો છે કે લશ્કર-એ-તૈયબાના આકા અને કુખ્યાત આતંકી હાફિઝ સઇદે કાશ્મીરમાં 10,000 જેટલા આતંકવાદીઓની ઘૂસણખોરી કરાવી હતી.

પાકિસ્તાનના બહાવલનગરમાં એક પ્રતિબંધિત આતંકી સંગઠનના કાર્યક્રમ દરમિયાન 14 ઓગસ્ટે આપવામાં આવેલા આ નિવેદનથી સ્પષ્ટ થઈ ગયું છે કે જમ્મુ-કાશ્મીરમાં દાયકાઓથી નિર્દોષ નાગરિકોની હત્યાઓ અને સરહદ પારથી ચાલતી હિંસક પ્રવૃત્તિઓ પાછળ કયા આકાઓ સક્રિય હતા. પાકિસ્તાની મંચ પરથી થયેલા આ ખુલાસાએ સીમાપાર આતંકવાદને પ્રોત્સાહન આપવા અંગેના ભારતના વલણને વૈશ્વિક સ્તરે વધુ મજબૂત સમર્થન આપ્યું છે.

લશ્કર-એ-તૈયબાનો આકા હાફિઝ સઇદ ભારતમાં થયેલા અનેક ઘાતક હુમલાઓનો મુખ્ય સૂત્રધાર રહ્યો છે. અલ-કાયદા સાથેના સંબંધોને કારણે સંયુક્ત રાષ્ટ્ર (UN) દ્વારા વર્ષ 2005 માં તેને પ્રતિબંધિત કરવામાં આવ્યો હતો, જ્યારે 2008 માં અમેરિકાએ તેને વૈશ્વિક આતંકવાદી જાહેર કર્યો હતો. સઇદ વર્ષ 2008 ના 26/11 મુંબઈ હુમલાનો મુખ્ય વોન્ટેડ આરોપી છે.

આ ઉપરાંત એપ્રિલ 2025 માં થયેલા દર્દનાક પહેલગામ આતંકી હુમલાની તપાસમાં પણ હાફિઝ સઇદનું નામ ષડયંત્રકારી તરીકે સામે આવ્યું હતું, જેમાં 26 નિર્દોષ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. પાકિસ્તાની ધર્મગુરુના આ તાજા નિવેદને આંતરરાષ્ટ્રીય મંચો પર પાકિસ્તાનના ખોટા દાવાઓની પોલ ખોલી નાખી છે.

હાફિઝ સઇદે કાશ્મીરમાં 10,000 આતંકી મોકલ્યા હતા

પાકિસ્તાની ધર્મગુરુ મૌલાના નસીર મદનીએ બહાવલનગરમાં સરેઆમ કબૂલાત કરી છે કે લશ્કર-એ-તૈયબાના આકા હાફિઝ સઇદે કાશ્મીરમાં 10,000 આતંકવાદીઓ મોકલ્યા હતા. 26/11 મુંબઈ હુમલા અને પહેલગામ હુમલાના મુખ્ય આરોપી હાફિઝ સઇદના ષડયંત્રો અંગે પાકિસ્તાની મંચ પરથી જ થયેલા આ ખુલાસાએ પાકિસ્તાનના સીમાપાર આતંકવાદનું વરવું સત્ય દુનિયા સામે લાવી દીધું છે.