સરકારી કોન્ટ્રાક્ટમાં MSME ની બેંક ગેરંટી ખુદ સરકાર લેશે
-
પર્ફોર્મન્સ બેંક ગેરંટીને બદલે હાલની ક્રેડિટ ગેરંટી યોજનાઓનો ઉપયોગ થશે
-
બેંક ગેરંટી પેટે 3 થી 10 ટકા સુધી રોકાઈ જતી વર્કિંગ કેપિટલ મુક્ત થશે
-
MSME મંત્રાલય અને DPIIT વચ્ચે પ્રસ્તાવ પર વાટાઘાટો શરૂ
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
દેશના અર્થતંત્રની કરોડરજ્જુ સમાન લઘુ અને મધ્યમ ઉદ્યોગો (MSME) તેમજ નાના કારોબારીઓને સરકારી કોન્ટ્રાક્ટ મેળવવામાં મોટી રાહત આપવા માટે કેન્દ્ર સરકાર એક મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેવાની તૈયારી કરી રહી છે. સરકારી ટેન્ડરો અને કોન્ટ્રાક્ટ્સમાં ફરજિયાત ગણાતી 'પર્ફોર્મન્સ બેંક ગેરંટી'ની જોગવાઈ નાબૂદ કરવા પર સરકાર ગંભીરતાપૂર્વક વિચારણા કરી રહી છે. તેના બદલામાં સરકાર પોતાની મોજૂદ ક્રેડિટ ગેરંટી સ્કીમ્સનો ઉપયોગ કરવાનો પ્રસ્તાવ ધરાવે છે.
આ નવા પ્રસ્તાવનો સીધો ફાયદો એ થશે કે નાના ઉદ્યોગકારોએ ટેન્ડર મળ્યા બાદ પોતાની કાર્યશીલ મૂડી (વર્કિંગ કેપિટલ) નો મોટો હિસ્સો ફિક્સ ડિપોઝિટ કે જામીન પેટે બેંકોમાં બ્લોક કરવો નહીં પડે. MSME મંત્રાલય અને ઉદ્યોગ તથા આંતરિક વેપાર સંવર્ધન વિભાગ (DPIIT) વચ્ચે આ પ્રસ્તાવ પર સઘન પરામર્શ ચાલી રહ્યો છે. આ સુધારાથી દેશના અંદાજે 7.4 કરોડથી વધુ MSME એકમોને મોટો આર્થિક ટેકો મળવાની અપેક્ષા છે.
હાલના નિયમો મુજબ ₹10 લાખથી વધુ મૂલ્યના સરકારી પ્રોજેક્ટ્સ માટે કોન્ટ્રાક્ટરે કુલ રકમના 3% થી 10% જેટલી રકમ પર્ફોર્મન્સ ગેરંટી તરીકે બેંકમાં જમા કરાવવી પડે છે. ઉદાહરણ તરીકે ₹10 કરોડના પ્રોજેક્ટ પર 5% લેખે ₹50 લાખની રકમ અટવાઈ જાય છે. આ કારણે નાના એકમો પાસે રોજિંદા વ્યવહારો, કાચો માલ ખરીદવા અને વ્યવસાયના વિસ્તરણ માટે રોકડની તંગી સર્જાય છે.
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવેલી ₹2.30 લાખ કરોડની સામાન ખરીદીમાં MSME ક્ષેત્રનો હિસ્સો લગભગ 50 ટકા રહ્યો હતો. પૂર્વ ડેપ્યુટી ગવર્નર આર. ગાંધી સહિતના આર્થિક નિષ્ણાતોના મતે, બેંક ગેરંટીની શરત હળવી થવાથી નાના ઉદ્યોગોની નાણાકીય સ્થિરતા સુધરશે, બિઝનેસ ખર્ચમાં ઘટાડો થશે અને સરકારી કામોમાં નાના વેપારીઓની સ્પર્ધાત્મક ભાગીદારી વધુ મજબૂત બનશે.
સરકારી કોન્ટ્રાક્ટમાં બેંક ગેરંટીમાંથી મુક્તિની વિચારણા
કેન્દ્ર સરકાર સરકારી કોન્ટ્રાક્ટ મેળવતી વખતે MSME એકમો માટે પર્ફોર્મન્સ બેંક ગેરંટીની અનિવાર્યતા દૂર કરવા વિચારણા કરી રહી છે. તેના સ્થાને સરકારી ક્રેડિટ ગેરંટી યોજનાઓનો ઉપયોગ કરાશે. આ નિર્ણયથી 3 થી 10 ટકા સુધી બ્લોક થઈ જતી મૂડી મુક્ત થશે અને દેશના 7.4 કરોડ નાના કારોબારીઓને બિઝનેસ વધારવા પૂરતી રોકડ ઉપલબ્ધ બનશે.