Loading Please Wait !!!
આઝમ ખાનના 10 સ્થળો પર ED ના દરોડા

 

  • ઉત્તર પ્રદેશ અને દિલ્હીના 10 સ્થળોએ એકસાથે સર્ચ ઓપરેશન શરૂ કરાયું

  • મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને યુનિવર્સિટીના દસ્તાવેજોની ચકાસણી

  • ગેરકાયદે નાણાકીય હેરફેરના મામલે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની મોટી કાર્યવાહી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

સમાજવાદી પાર્ટીના વરિષ્ઠ નેતા આઝમ ખાન સાથે જોડાયેલા મની લોન્ડરિંગ અને નાણાકીય ગેરરીતિઓના કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) દ્વારા બુધવારે સવારથી ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં એકસાથે વ્યાપક સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. તપાસ એજન્સીના અધિકારીઓએ ઉત્તર પ્રદેશના રામપુર અને સહારનપુર તેમજ રાજધાની દિલ્હી સહિત કુલ 10 જેટલા સ્થળોએ સઘન દરોડા પાડ્યા છે.

આ તપાસ મુખ્યત્વે આઝમ ખાન સાથે જોડાયેલા મૌલાના મોહમ્મદ અલી જૌહર ટ્રસ્ટ અને મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે સંકળાયેલી અસ્કયામતો તથા નાણાકીય વ્યવહારોને લઈને કરવામાં આવી રહી છે. તપાસ એજન્સીના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ સમગ્ર કાર્યવાહી ગેરકાયદે નાણાંની હેરફેર અને ફંડિંગના સ્ત્રોતોની તપાસ સાથે સંબંધિત છે.

કાર્યવાહી દરમિયાન સંબંધિત સ્થળો પરથી બેંક વ્યવહારો, જમીન સંપાદનના દસ્તાવેજો અને અન્ય સંવેદનશીલ રેકોર્ડ્સની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી રહી છે. જોકે, સર્ચ ઓપરેશન દરમિયાન અત્યાર સુધીમાં શું વાંધાજનક પુરાવા મળ્યા કે કેટલી રકમ-દસ્તાવેજો જપ્ત કરવામાં આવ્યા તે અંગે સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી.

ઉલ્લેખનીય છે કે સમાજવાદી પાર્ટીના નેતા આઝમ ખાન લાંબા સમયથી જમીન પચાવી પાડવા, છેતરપિંડી અને ભ્રષ્ટાચાર સહિતના અનેક કાનૂની કેસોમાં તપાસનો સામનો કરી રહ્યા છે. જૌહર યુનિવર્સિટી માટે મેળવવામાં આવેલી જમીનો અને ફંડિંગ અગાઉથી જ કેન્દ્રીય એજન્સીઓના રડાર પર હતા, જેના ભાગરૂપે આ નવી કડીઓ જોડવા માટે દરોડા પાડવામાં આવ્યા છે.

આઝમ ખાનના 10 સ્થળોએ ED ની તવાઈ

મની લોન્ડરિંગ કેસ અંતર્ગત ED દ્વારા સપા નેતા આઝમ ખાન સાથે સંકળાયેલા રામપુર, સહારનપુર અને દિલ્હીના 10 સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા છે. આ કાર્યવાહી જૌહર ટ્રસ્ટ અને મોહમ્મદ અલી જૌહર યુનિવર્સિટી સાથે જોડાયેલી મિલકતો તેમજ શંકાસ્પદ નાણાકીય વ્યવહારોના દસ્તાવેજોની ચકાસણી માટે હાથ ધરાઈ છે.