નીટ કેસ : કોચિંગ ડાયરેક્ટર પાસે 1500 કરોડની સંપત્તિ
સિટી ન્યૂઝ@લાતુર
NEET પેપર લીક કેસમાં નવા ખુલાસા થયા છે. CBIને પુરાવા મળ્યા છે કે ગયા વર્ષે પણ NEETનું પેપર પરીક્ષા પહેલાં મહારાષ્ટ્રના લાતુર સ્થિત રેણુકાઈ કરિયર સેન્ટર (RCC) સુધી પહોંચ્યું હતું. કોચિંગ સંચાલક શિવરાજ રઘુનાથ મોટેગાંવકરની પેપર લીક નેટવર્ક સાથે જૂની સાંઠગાંઠ પણ સામે આવી છે. તેની નેટવર્થ ૧૫૦૦ કરોડ હોવાનું કહેવાય છે. ૨ વિદ્યાર્થીઓનું AIIMS દિલ્હી, પણ હૈદરાબાદ અને ૩-૩નું ભોપાલ અને વારાણસી AIIMSમાં સિલેક્શન થયું. નાગપુર, દેવધર, ગોરખપુર, રાજકોટ, રાયપુર અને મંગલગીરી AIIMSમાં પણ એક-એક વિદ્યાર્થી પહોંચ્યા. મોટેગાંવકર એવા વિદ્યાર્થીઓને નિશાન બનાવતો હતો જેઓ આર્થિક રીતે સક્ષમ હોય અને ભણતરમાં સરેરાશ કરતાં સારા હોય. પરિવારજનો સાથે ડીલ કર્યા પછી તેમને રેગ્યુલર બેંચમાં સામેલ કરવામાં આવતા હતા. પરીક્ષા પહેલા છેલ્લા ૧૫ દિવસમાં ‘વન-ઓન-વન મેન્ટરિંગ કોર્સ’ ચાલતો હતો. પેપર મળતા જ આ વિદ્યાર્થીઓને પ્રશ્ન-જવાબ ગોખાવવામાં આવતા હતા. CBIને આ સંબંધિત ઘણા વીડિયો પણ મળ્યા છે. CBI અનુસાર, મોટેગાંવકર ઘણા વર્ષોથી પુણેની બ્યુટિશિયન મનીષા વાધમારે દ્વારા પ્રો. પીવી કુલકર્ણી અને મનીષા માંઢેરેના સંપર્કમાં હતો. નેટવર્કમાં સામેલ ગુરુગ્રામના યશ યાદવે જયપુરના વિકાસ બિવાલને NEET પેપર વેચ્યું હતું. તેને પેપર નાસિકના શુભમ ખૈરનાર પાસેથી મળ્યું હતું.
CBIએ ૧૯ મેના રોજ નાગપુરના સેન્ટ્રલ એવન્યુ અને ઇતવારી વિસ્તારમાં બે વિદ્યાર્થીઓના ઘરે દરોડા પાડ્યા હતા. અહીંથી મોબાઇલ ફોન, લેપટોપ, હસ્તલિખિત નોટ્સ અને અન્ય ડિજિટલ ઉપકરણો જપ્ત કરવામાં આવ્યા છે.
રી-એક્ઝામને ફૂલપ્રૂફ બનાવવાના નિર્દેશ
કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને મંગળવારે NEET રી-એક્ઝામની તૈયારીઓની સમીક્ષા કરી. તેમણે અધિકારીઓને નિર્દેશ આપ્યો કે ૨૩ જૂનની પરીક્ષા સુરક્ષિત, અવિરત અને સંપૂર્ણપણે ફૂલપ્રૂફ રીતે યોજવામાં આવે. તેમણે કહ્યું કે અગાઉની પરીક્ષા પ્રક્રિયામાં જે પણ ખામીઓ સામે આવી હતી, તેમને સંપૂર્ણપણે દૂર કરવામાં આવે.