Loading Please Wait !!!
કર્મચારી મંડળના પ્રમુખની બદલી થતા ગાંધીનગરમાં ઉગ્ર વિરોધ

=> કર્મચારીઓનો અવાજ દબાવવા નિયમો નેવે મૂકી ધોલેરા અચાનક બદલી કરાતા સચિવ અને મંત્રી કુંવરજી બાવળીયાને આવેદનપત્ર આપી બદલી રદ કરવા માંગ

સિટી ન્યૂઝ@અમદાવાદ

ગાંધીનગર ખાતે રોજગાર અને તાલીમ ખાતાના વહીવટી કર્મચારી મંડળના પ્રમુખ ગુંજન બી. પટેલની અચાનક બદલી કરવામાં આવતા કર્મચારીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. વડી કચેરી ખાતે સિનિયર કારકુન તરીકે ફરજ બજાવતા અને ગુજરાત રાજ્ય કર્મચારી મહામંડળના ઉપપ્રમુખ એવા ગુંજન પટેલની ઔદ્યોગિક તાલીમ સંસ્થા, ધોલેરા ખાતે બદલી કરવામાં આવી છે. આ નિર્ણયને અન્યાયી અને તાનાશાહી ગણાવીને કચેરીના તમામ કર્મચારીઓએ શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગના સચિવ તથા મંત્રી કુંવરજી બાવળીયાને લેખિતમાં આવેદનપત્ર પાઠવ્યું છે.

કર્મચારીઓ દ્વારા સામાન્ય વહીવટ વિભાગના 25/11/2005 ના ઠરાવની જોગવાઈઓને ટાંકીને જણાવાયું છે કે, નિયમ મુજબ સરકાર માન્ય મંડળોના મુખ્ય હોદ્દેદારોની મુદત પૂરી ન થાય ત્યાં સુધી સામાન્ય સંજોગોમાં તેમની બદલી કરી શકાય નહીં. તેમ છતાં, આ કિસ્સામાં નિયમોનું સરેઆમ ઉલ્લંઘન કરીને આદેશ જાહેર કરવામાં આવ્યો છે, જે વહીવટી તંત્રની કાર્યપ્રણાલી સામે ગંભીર સવાલો ઊભા કરે છે.આ બદલીને કર્મચારીઓનો અવાજ દબાવી દેવાના એક સુનિયોજિત પ્રયાસ તરીકે જોવામાં આવી રહી છે.