વિશ્વની ટોપ 100 કંપનીમાં ભારતની એક પણ કંપની નહીં !
=> આર્થિક આફતનો એલાર્મ : ગ્લોબલ રેસમાંથી ભારત બહાર
=> માર્કેટમાં મચ્ચો હાહાકાર; રિલાયન્સ, એરટેલ અને TCS ની માર્કેટ વેલ્યુ ઘટી
=> ભારતની ટોચની કંપનીઓની ગ્લોબલ રેસમાંથી પાછળ ધકેલી દેતી ચોંકાવનારી સ્થિતિ !
સિટી ન્યૂઝ@રાજકોટ
માર્કેટ વેલ્યુના આધારે દુનિયાની ટોપ-૧૦૦ કંપનીઓની યાદીમાં હવે ભારતની એક પણ કંપની બચી નથી. બ્લૂમબર્ગના રિપોર્ટ અનુસાર, વર્ષ ૨૦૨૫ની શરૂઆત સુધી આ ગ્લોબલ યાદીમાં ભારતની ત્રણ કંપનીઓ- રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક અને TCS સામેલ હતી, પરંતુ હવે આ યાદીમાં એક પણ કંપની સામેલ નથી.
ડોમેસ્ટિક શેરબજારમાં સતત ઘટાડાને કારણે આ ભારતીય કંપનીઓની વેલ્યુ ઘટી છે. દેશની સૌથી વેલ્યુએબલ કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ ગ્લોબલ રેન્કિંગમાં ૧૦૬મા સ્થાને આવી ગઈ છે. આ કંપની ૨૦૨૫ની શરૂઆતમાં પ૭મા અને ૨૦૨૬ની શરૂઆતમાં ૭૩મા સ્થાને આવી ગઈ હતી.
જ્યાં એક તરફ ભારતીય કંપનીઓ રેન્કિંગમાં પાછળ રહી ગઈ છે, ત્યાં ગ્લોબલ માર્કેટ્સમાં દુનિયાની મોટી ટેક્નોલોજી કંપનીઓનું વર્ચસ્વ જળવાઈ રહ્યું છે. એનવીડિયા હાલમાં ૫.૩૩ ટ્રિલિયન ડોલર (૫૧૩ લાખ કરોડ) ના માર્કેટ કેપ સાથે દુનિયાની સૌથી મૂલ્યવાન કંપની બની રહી છે. ત્યારબાદ આલ્ફાબેટ ૪.૭ ટ્રિલિયન ડોલર (૪૫૫ લાખ કરોડ) અને એપલ ૪.૩ ટ્રિલિયન ડોલર (૪૧૬ લાખ કરોડ) ના માર્કેટ કેપ સાથે બીજા અને ત્રીજા નંબર પર છે. માઇક્રોસોફ્ટ અને એમેઝોન ચોથા અને પાંચમા નંબર પર છે.
દેશના પ્રાઇવેટ સેક્ટરની સૌથી મોટી બેંક HDFC બેંકનું રેન્કિંગ હવે ૧૯૦ થઈ ગયું છે, જે ૨૦૨૫ની શરૂઆતમાં ૯૭મા નંબર પર હતું. દેશની સૌથી મોટી ટેલિકોમ ઓપરેટર ભારતીય એરટેલ પણ ૨૦૨૫ની શરૂઆતમાં ૧૬૪મા સ્થાને હતી, જે હવે ઘટીને ૨૦૨મા સ્થાને આવી ગઈ છે.
૨૦૨૫ની શરૂઆતમાં ICICI બેંક અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા (SBI) ૨૧૫મા અને ૨૩૧મા સ્થાને હતા, પરંતુ હવે તેઓ ઘટીને ૨૭૪મા અને ૨૭૬મા સ્થાને પહોંચી ગયા છે. TCSનું ગ્લોબલ રેન્ક વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં ૮૪મું અને ૨૦૨૬ની શરૂઆતમાં ૧૭૧મું હતું, જે હવે ઘટીને ૩૧૪મા સ્થાને પહોંચી ગયું છે. ભારતની બીજી સૌથી મોટી IT ફર્મ ઇન્ફોસિસ હવે પ૯૦મા સ્થાને છે, જ્યારે ૨૦૨૫ની શરૂઆતમાં ૨૬૮મા અને ૨૦૨૬ની શરૂઆતમાં ૩૩૦મા સ્થાને હતી.
ટોપ 500માં ભારતની 15 કંપનીઓમાંથી માત્ર 9 જ બચી
ગ્લોબલ માર્કેટ કેપની ટોપ પ૦૦ની યાદીમાં ભારતની કંપનીઓની સંખ્યા વર્ષ ૨૦૨૫ની શરૂઆતમાં ૧૫ અને વર્ષ ૨૦૨૬ની શરૂઆતમાં ૧૩ હતી, જે હવે ઘટીને માત્ર ૯ રહી ગઈ છે. ઘરેલું સ્તરે પણ ૧૦૦ બિલિયન ડોલરથી વધુ માર્કેટ કેપ ધરાવતી લિસ્ટેડ ભારતીય કંપનીઓનો ક્લબ પણ હવે નાનો થઈ ગયો છે. વર્ષની શરૂઆતમાં આવી લગભગ ૬ કંપનીઓ હતી, જે હવે ઘટીને માત્ર ૩ રહી ગઈ છે.
100 બિલિયન ડોલર ક્લબમાં માત્ર ત્રણ કંપનીઓ બચી
ભારતીય બજારમાં સતત ઘટાડાને કારણે દેશના બીજા સૌથી મોટા લેન્ડર ICICI બેંક, સૌથી મોટી પબ્લિક સેક્ટર બેંક SBI અને TCSએ આ સ્ટેટસ ગુમાવી દીધું છે. હવે માત્ર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, HDFC બેંક અને ભારતીય એરટેલ છે, જેમનું માર્કેટ કેપ ૧૦૦ બિલિયન ડોલરથી વધુ છે.
વિદેશી રોકાણકારોની વેચવાલી અને ક્રૂડ ઓઇલની કિંમતોની અસર
ભારતીય બજારોમાં આ ઘટાડાની શરૂઆત ૨૦૨૪ ના મધ્યથી થઈ ગઈ હતી. વધુ વેલ્યુએશન, ધીમી કમાણી, રૂપિયામાં નબળાઈ અને ટ્રેડ વોરની ચિંતાઓ વચ્ચે વિદેશી રોકાણકારોના સતત વેચવાલીને કારણે ભારતીય શેરોમાં ઘટાડાનો લાંબો સમયગાળો શરૂ થયો.ત્યારબાદ અમેરિકા-ઇરાન-ઇઝરાયેલ સંઘર્ષ ક્રૂડ ઓઇલની કિંમતોને પ્રતિ બેરલ ૧૦૦ ડોલરથી ઉપર પહોંચાડી દીધી, જેનાથી મોંઘવારી વધવાનો ખતરો વધી ગયો.
ગ્લોબલ બ્રોકરેજ હાઉસિસે પણ ભારતીય બજારનું રેટિંગ ઘટાડ્યું
બજાર પર દબાણ વધવાનું એક મુખ્ય કારણ ગ્લોબલ બ્રોકરેજ હાઉસિસે રેટિંગ ઘટાડવું પણ રહ્યું. માર્ચમાં UBS, મોર્ગન સ્ટેનલી અને નોમુરાએ ભારતીય બજારો પર પોતાનું રેટિંગ ઘટાડ્યું છે. જેના પછી એપ્રિલમાં જેપી મોર્ગન, HSBC અને ગોલ્ડમેન સેક્સે પણ ભારતીય બજારનું રેટિંગ ઘટાડ્યું છે. મે મહિનાના પહેલા અઠવાડિયામાં સિટી બેંક પણ આમાં જોડાઈ ગઈ. આ તમામ રિપોર્ટ્સમાં હાઈ વેલ્યુએશન પ્રીમિયમ, તેલના કારણે અર્નિંગ્સ રિસ્ક, નબળો પડતો રૂપિયો અને હાઈ-ગ્રોથ ટેક્નોલોજી અને AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ) સેક્ટર્સમાં ભારતના સીમિત એક્સપોઝરને લઈને સમાન ચિંતાઓ વ્યક્ત કરવામાં આવી છે.