અમેરિકી સંસદમાં ઈરાન યુધ્ધ રોકવાનો પ્રસ્તાવ પાસ
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
અમેરિકી સંસદમાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની સૈન્ય શક્તિઓને મર્યાદિત કરતો પ્રસ્તાવ પાસ થઈ ગયો છે. વોટિંગમાં 4 રિપબ્લિકન સાંસદોએ પણ વિપક્ષી પાર્ટી ડેમોક્રેટ્સનો સાથ આપ્યો. જોકે 3 રિપબ્લિકન સાંસદો વોટિંગમાં સામેલ થયા નહોતા.આ પ્રસ્તાવ 50-47થી પસાર થયો, જોકે તેને કાયદો બનવા માટે હજુ કેટલાક વધુ તબક્કાઓમાંથી પસાર થવું પડશે. જો આ પ્રસ્તાવ કાયદો બને છે, તો ટ્રમ્પ સરકારે ઈરાન વિરુદ્ધ યુદ્ધ ચાલુ રાખવા માટે કોંગ્રેસની મંજૂરી લેવી પડશે.હજુ સેનેટમાં તેના પર અંતિમ વોટિંગ થવાનું બાકી છે. આ પછી તેને રિપબ્લિકન બહુમતીવાળી હાઉસ ઓફ રિપ્રેઝન્ટેટિવ્સ પાસેથી મંજૂરી લેવી પડશે.
જોકે તે પછી પણ ટ્રમ્પ તેની વિરુદ્ધ વીટો કરી શકે છે. પછી તે વીટોને રદ કરવા માટે સેનેટ અને હાઉસ બંનેમાં બે-તૃતીયાંશ બહુમતી જોઈશે, જે હાલમાં મુશ્કેલ માનવામાં આવી રહ્યું છે. આ વોટ વિપક્ષ માટે મોટી જીત માનવામાં આવી રહી છે જે કહી રહ્યા હતા કે અમેરિકામાં યુદ્ધ શરૂ કરવાનો કે સેના મોકલવાનો અધિકાર રાષ્ટ્રપતિ નહીં પણ સંસદ પાસે હોવો જોઈએ.