બોલીવુડમાં હીરોઈન સાથે અન્યાય : કિર્તી સેનન કહે હિરો- હરોઈન વચ્ચે બહુ ભેદભાવ કરવામાં આવે છે
સિટી ન્યૂઝ@મુંબઈ
કિર્તી સેનન પોતાની લાગણીને સ્પષ્ટ શબ્દોમાં વ્યક્ત કરવા માટે જાણીતી છે અને હાલમાં તેણે બોલીવુડમાં ચાલી રહેલા જેન્ડર બાયસ વિશે ખુલ્લેઆમ વાત કરતાં કહ્યું હતું કે ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં મહિલા કલાકારોને ઘણી વાર તેમના પુરુષ સહકલાકારો કરતાં અલગ દ્રષ્ટિકોણથી જોવામાં આવે છે. ક્રિતીએ કહ્યું હતું કે આસિસ્ટન્ટ ડિરેક્ટર્સ ઘણી વાર પુરુષ સ્ટાર્સ સામે વધુ ગભરાતા અથવા સંકોચ અનુભવતા હોય છે, જ્યારે મહિલા કલાકારોને ઘણી વખત હળવાશથી લેવામાં આવે છે.
ફિલ્મ-ઈન્ડસ્ટ્રીમાં થયેલા અનુભવ વિશે વાત કરતાં કિતીએ કહ્યું હતું કે 'મેં અત્યાર સુધી મોડલિંગ, એન્જિનિયરિંગ કોલેજ અને ફિલ્મ-ઈન્ડસ્ટ્રી સહિત અનેક ક્ષેત્રો જોયાં છે. પરંતુ સૌથી વધુ પડકારો ફિલ્મ-ઇન્ડસ્ટ્રીમાં અનુભવ્યા છે. બોલીવુડમાં હીરો અને હિરોઈન વચ્ચે બહુ ભેદભાવ કરવામાં આવે છે. મેં જ્યારે કારકિર્દીની શરૂઆત કરી હતી ત્યારે મહિલાઓ માટે ઉપલબ્ધ તકો આજની સરખામણીએ ઘણી મર્યાદિત હતી. એ સમયે મોટા ભાગની ફિલ્મોની વાર્તા પુરુષ પાત્રોની આસપાસ જ રચાતી હતી અને મહિલા પાત્રોને માત્ર રોમેન્ટિક સપોર્ટ આપવાનો રહેતો હતો. હવે ફિલ્મોમાં મહિલા પાત્રો વધુ સારી રીતે લખાઈ રહ્યાં છે, પણ જેન્ડરના આધારે થતો ભેદભાવ હજુ પણ સંપૂર્ણપણે સમાપ્ત થયો નથી.