Loading Please Wait !!!
ગુજરાતમાં ‘ચાંદીપુરા વાયરસ’ બે બાળકોના મોત

નવી બીમારીની એન્ટ્રી; ગોધરામાં બે બાળકોના મોતથી આરોગ્ય તંત્રમાં દોડધામ

ચોમાસામાં સેન્ડફ્લાય માખી કરડવાના કારણે ચાંદીપુરા વાયરસ સક્રિય થાય છે

સિટી ન્યૂઝ@ગોધરા

પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં ચોમાસાની શરૂઆત સાથે જ ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણોને કારણે બે બાળકોના મોત થતાં આરોગ્ય તંત્રમાં દોડધામ મચી ગઈ છે. ગોધરાના વીંઝોલ અને જીતપુરા ગામના બે બાળકોને તીવ્ર તાવ અને આંચકી આવતા પ્રથમ ગોધરા સિવિલ હોસ્પિટલ અને બાદમાં વડોદરાની એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં સારવાર દરમિયાન બંનેના મોત થયા હતા.

ઘટના બાદ જિલ્લા આરોગ્ય વિભાગે બંને ગામોમાં યુદ્ધના ધોરણે સર્વેલન્સ શરૂ કર્યું છે. દરેક ઘરની તપાસ, ફોગિંગ અને જંતુનાશક દવાનો છંટકાવ હાથ ધરાયો છે. તપાસ દરમિયાન આશરે ૨૭૦ જેટલી સેન્ડફ્લાય માખીઓ મળી આવતા કાચા મકાનોની તિરાડો પૂરવાની અને સ્વચ્છતા અભિયાનની કામગીરી પણ શરૂ કરવામાં આવી છે.

ચાંદીપુરા વાયરસ દર ચોમાસામાં ગ્રામ્ય વિસ્તારોમાં સક્રિય બનતો હોવાનું આરોગ્ય વિભાગનું માનવું છે. ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (ICMR) દ્વારા છેલ્લા બે વર્ષથી આ વાયરસ પર સંશોધન ચાલી રહ્યું છે, પરંતુ હજુ સુધી તેની ચોક્કસ રસી કે અસરકારક સારવાર ઉપલબ્ધ થઈ નથી.

આરોગ્ય વિભાગે વાલીઓને બાળકોને આખી બાંયનાં કપડાં પહેરાવવા, આસપાસ સ્વચ્છતા જાળવવા અને બાળકને અચાનક તીવ્ર તાવ, ઉલટી અથવા આંચકી જેવા લક્ષણો દેખાય તો વિલંબ કર્યા વગર નજીકની હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા અપીલ કરી છે. ચાંદીપુરા વાયરસ મુખ્યત્વે બાળકોને અસર કરતો ગંભીર વાયરલ ચેપ છે. તેમાં તાવ, માથાનો દુખાવો, ઉલટી, ઝાડા અને કેટલાક કિસ્સાઓમાં મગજમાં સોજા જેવા લક્ષણો જોવા મળે છે. આરોગ્ય વિભાગે લોકોને સતર્ક રહેવા અને ચોમાસા દરમિયાન જરૂરી સાવચેતી રાખવા અનુરોધ કર્યો છે.