Loading Please Wait !!!
વરસાદમાં ભજીયા ખાવા મોંઘા : તેલના ભાવમાં વધારો

  • સિંગ તેલમાં ડબ્બે રૂપિયા 50નો વધારો

સિટી ન્યૂઝ@રાજકોટ

ચોમાસાની ઋતુમાં ગરમાગરમ ભજીયા સહિતની વાનગીઓ બનાવવી હવે વધુ મોંઘી સાબિત થઈ રહી છે. રાજ્યમાં ખાદ્યતેલના ભાવમાં સતત વધારો થતાં ગૃહિણીઓના રસોડાનું બજેટ ખોરવાયું છે. રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના ખાદ્યતેલ બજારમાં તેજીનો માહોલ યથાવત જોવા મળી રહ્યો છે. છેલ્લા ત્રણ દિવસમાં સિંગતેલના એક ડબ્બાના ભાવમાં કુલ ૫૦નો વધારો નોંધાયો છે. આજે ફરી ડબ્બે ૧૦નો વધારો થતાં બજારમાં સિંગતેલનો ભાવ ૨,૯૭૦ સુધી પહોંચી ગયો છે.

મધ્યમ વર્ગના રસોડામાં વધુ વપરાતા કપાસિયા તેલમાં પણ છેલ્લા બે દિવસમાં ડબ્બે ૨૦નો વધારો થયો છે. હાલ કપાસિયા તેલનો ડબ્બો ૨,૧૪૦ની આસપાસ વેચાઈ રહ્યો છે. પામોલીન તેલના ભાવમાં પણ આજે ૧૦નો વધારો થતાં તેનો ભાવ આશરે ૨,૪૪૦ સુધી પહોંચી ગયો છે. વેપારીઓના જણાવ્યા મુજબ સાર્વત્રિક વરસાદને કારણે માર્કેટ યાર્ડમાં મગફળી સહિતના કાચા માલની આવક ઘટી છે. પુરવઠો ઓછો થતાં ખાદ્યતેલના ભાવમાં સતત તેજી જોવા મળી રહી છે. તહેવારો પૂર્વે જ ખાદ્યતેલ વધતા ભાવથી સામાન્ય અને મધ્યમવર્ગીય પરિવારો પર વધારાનો આર્થિક બોજ પડ્યો છે. બજારના જાણકારોના મતે આગામી દિવસોમાં વરસાદ અને કાચા માલની આવક પર આધાર રાખીને ખાદ્યતેલના ભાવનો ટ્રેન્ડ નક્કી થશે.