Loading Please Wait !!!
શ્રધ્ધાના નામે ઉઘાડી લૂંટ દ્વારકામાં 500 રૂપિયામાં ગુપ્ત દરવાજેથી સીધો પ્રવેશ

દ્વારકાધીશ મંદિરમાં દર્શન માટે ‘ભેદભાવ’

ભક્તોએ વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો

સામાન્ય ભક્તો માટે કલાકોની લાઈન, પૈસાદાર માટે સીધો રસ્તો

સિટી ન્યૂઝ | દ્વારકા

બેટ દ્વારકામાં દર્શન માટે આવતા લાખો શ્રદ્ધાળુઓની આસ્થા સાથે ચેડાં કરતો એક ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયોમાં સ્પષ્ટપણે એક કથિત ‘ગુપ્ત દરવાજે’ દર્શાવવામાં આવ્યો છે, જ્યાંથી વ્યક્તિ દીઠ 500 રૂપિયા ચૂકવીને ભક્તો સીધા જ મંદિરમાં પ્રવેશી શકે છે. વાયરલ થયેલા આ દ્રશ્યોમાં એક વ્યક્તિ સ્પષ્ટ શબ્દોમાં જણાવી રહ્યો છે, ”જે 500 રૂપિયા આપી શકે તે લોકો આ બાજુથી જાવ, બાકીના બધા અહીંયા લાઈનમાં જાવ.” આ ઘટના એ વાતની સાક્ષી પૂરે છે કે પવિત્ર યાત્રાધામમાં પણ હવે પૈસાના જોરે દર્શન વેચાઈ રહ્યા છે અને જે પૈસા આપી શકે તે જ ભગવાનના જલ્દી દર્શન થાય છે.

આ સમય વિવાદમાં એક વધુ ચોંકાવનારો અને સળગતો મુદ્દો એ પણ સામે આવ્યો છે કે, મંદિરમાં જ્યારે જ્યારે દર્શન વારંવાર બંધ થાય છે, ત્યારે આ કથિત ‘ગુપ્ત દરવાજા’ પાસે ભક્તોની ભારે ભીડ ઉભી પડે છે. આ પરિસ્થિતિ જોઈને હવે ભક્તોના મનમાં એવી ગંભીર આશંકા જન્મી રહી છે કે, શું આ 500 રૂપિયાની ઉઘાડી લૂંટ ચલાવવા અને કમાણી કરવા માટે જ મેઈન દરવાજે વારંવાર બંધ કરી દેવામાં આવતો હશે? શ્રદ્ધાળુઓને કલાકો સુધી લાઈનમાં ઉભા રાખીને મજબૂર કરવા અને ત્યારબાદ તેમને VIP ગેટ તરફ ધકેલવાનું આ કોઈ મોટું સુનિયોજિત કૌભાંડ હોય તેવું સ્પષ્ટ લાગી રહ્યું છે. આ પ્રકારના કથિત કલ્ચરે શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જન્માવ્યો છે. ધાર્મિક સ્થળો પર દરેક ભક્ત સમાન હોવું જોઈએ, પરંતુ બેટ દ્વારકામાં ગરીબ અને અમીર વચ્ચે આર્થિક ભેદભાવની મોટી દિવાલ ઉભી કરી દેવાઈ છે. આ વીડિયો અને લોકોની ફરિયાદો સામે આવ્યા બાદ હવે મંદિર પ્રશાસન અને સ્થાનિક તંત્રની ભૂમિકા શંકાના ઘેરામાં છે.

  • દ્વારકા મંદિરમાં બનાવટી સરકારી ઓળખપત્રના આધારે VIP દર્શનનો પર્દાફાશ
  • જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળીના અધિકારીની લેખિત ફરિયાદ બાદ સરકારી કાર્ડનો ઉપયોગ કરનાર સામે પોલીસ ફરિયાદ
  • સિટી ન્યૂઝ | દ્વારકા

જિલ્લામાં દ્વારકાધીશ જગત મંદિર ખાતે બનાવટી સરકારી ઓળખપત્રનો ઉપયોગ કરીને વી.આઈ.પી. દર્શનની સુવિધા અપાવવાના નામે ગેરરીતિ આચરવાનો ચોંકાવનારો મામલો પ્રકાશમાં આવ્યો છે. જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ (ડી.એલ.એસ.એ.)ના અધિકારી ઉદયપાલસિંહ એચ. જાડેજાની લેખિત ફરિયાદને આધારે દ્વારકા પોલીસ મથકે એક વ્યક્તિ સામે ભારતીય ન્યાય સંહિતા તેમજ સ્ટેટ એમ્બલેમ ઓફ ઇન્ડિયા એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

પોલીસ ફરિયાદ મુજબ, આરોપી તરીકે સામે આવેલા પીએલવી તુલસીભાઈ નકુમે પોતે સરકારી કર્મચારી ન હોવા છતાં ભારત સરકારના રાજ્ય પ્રતીક અશોક ચક્ર સાથેનું બનાવટી ઓળખ પત્ર તૈયાર કરી તેનો અસલી સરકારી આઈકાર્ડ તરીકે ઉપયોગ કર્યો હતો. આ ઓળખ પત્રના આધારે દ્વારકાધીશ મંદિરમાં આવતા શ્રદ્ધાળુઓને વી.આઈ.પી. દર્શન કરાવવાની વ્યવસ્થા કરાવવાની પેરવી કરવામાં આવતી હતી. પ્રાથમિક તપાસ દરમિયાન આ પ્રવૃત્તિ દ્વારા આર્થિક લાભ મેળવવાનો પ્રયાસ કરવામાં આવતો હોવાની વિગતો પણ સામે આવી હોવાનું જાણવા મળે છે. સમગ્ર મામલો જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળના ધ્યાન પર આવતા સત્તાવાર રીતે પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદને આધારે દ્વારકા પોલીસે ભારતીય ન્યાય સંહિતા ની કલમ ૨૦૪, ૩૩૫, ૩૩૭ અને ૩૩૮ ઉપરાંત ધ સ્ટેટ એમ્બલેમ ઓફ ઇન્ડિયા એક્ટની સંબંધિત જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ આ કેસની તપાસ દ્વારકા પોલીસ મથકના પી.એસ.આઈ. એન.એસ. ગોહિલ દ્વારા કરવામાં આવી રહી છે. તપાસ દરમિયાન બનાવટી ઓળખપત્ર કઈ રીતે તૈયાર કરવામાં આવ્યું, તેનો કેટલા સમયથી ઉપયોગ થતો હતો, તેના આધારે કેટલા લોકોને વી.આઈ.પી. દર્શનની સુવિધા આપવામાં આવી હતી તેમજ સમગ્ર કાવતરામાં અન્ય કોઈ વ્યક્તિની સંડોવણી છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની સઘન તપાસ હાથ ધરવામાં આવી છે. પોલીસે જણાવ્યું છે કે તપાસમાં સામે આવતી હકીકતોના આધારે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.