જુનાગઢમાં ‘ભૂતિયા સ્કૂલ’ અને ડમી એડમિશનના નેટવર્કનો ભાંડાફોડ?
નવોદય, બાલાચડી અને સૈનિક સ્કૂલની તૈયારીના નામે કેટલાક કોચિંગ ક્લાસોમાં વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના દાખલા અન્ય શાળાઓમાં રાખવામાં આવતા હોવાની સૂત્રોની માહિતી; શિક્ષણ વિભાગ માટે ગંભીર તપાસનો વિષય
સિટી ન્યૂઝ | જુનાગઢ
જસદણની આલ્ફા એકેડેમી પ્રકરણમાં સામે આવેલા ડમી સ્કૂલો અને વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન સંબંધિત મુદ્દા બાદ હવે જુનાગઢ જિલ્લામાં પણ કેટલાક કોચિંગ ક્લાસોને લઈને અનેક સવાલો ઉભા થયા છે. સૂત્રોના જણાવ્યા મુજબ નવોદય વિદ્યાલય, બાલાચડી સૈનિક સ્કૂલ તથા અન્ય સ્પર્ધાત્મક પ્રવેશ પરીક્ષાઓની તૈયારી કરાવતા કેટલાક કોચિંગ ક્લાસોમાં વિદ્યાર્થીઓને નિયમિત શાળામાં અભ્યાસ કરાવવાના બદલે તેમના શાળા છોડ્યાના દાખલા (લિવિંગ સર્ટિફિકેટ) અન્ય શાળાઓમાં રાખીને શિક્ષણ આપવામાં આવતું હોવાની ચર્ચા ચાલી રહી છે.
સૂત્રોના જણાવ્યા મુજબ છેલ્લા ઘણા વર્ષોથી આ પ્રકારની વ્યવસ્થા હેઠળ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. દર વર્ષે સેંકડો વિદ્યાર્થીઓ પોતાના બાળકોને પ્રવેશ પરીક્ષાની તૈયારી માટે આવા કોચિંગ ક્લાસોમાં દાખલ કરે છે. જો કે, વિદ્યાર્થીઓનું શૈક્ષણિક રજિસ્ટ્રેશન અને હાજરી કઈ શાળામાં નોંધાય છે તથા રાજ્ય સરકારના નિયમોનું પાલન થાય છે કે નહીં, તે અંગે અનેક પ્રશ્નો ઉભા થયા છે.
જસદણની આલ્ફા એકેડેમીનો મામલો સામે આવ્યા બાદ જુનાગઢના કેટલાક કોચિંગ સંચાલકોમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે. કેટલાક કોચિંગ ક્લાસોએ અભ્યાસ ઓનલાઈન શરૂ કર્યો હોવાની, જ્યારે કેટલાક એક અઠવાડિયા જેટલી રજા જાહેર કરી હોવાની ચર્ચા છે. જોકે, આ અંગે કોઈ સત્તાવાર પુષ્ટિ ઉપલબ્ધ નથી.
સૂત્રોના જણાવ્યા મુજબ ૮ થી ૧૦ વર્ષના નાના બાળકોને રહેણાંક પ્રકારની વ્યવસ્થામાં રાખીને લાંબા કલાકો સુધી પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવવામાં આવે છે. વાલીઓ બાળકના ભવિષ્યની આશાએ લાખો રૂપિયાની ફી ચૂકવે છે, પરંતુ સમગ્ર વ્યવસ્થા શિક્ષણ વિભાગના નિયમ મુજબ ચાલી રહી છે કે કેમ, તે હવે તપાસનો વિષય બન્યો છે.
સ્થાનિક સ્તરે એવી પણ ચર્ચા છે કે કેટલાક કોચિંગ ક્લાસોમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના શાળા છોડ્યાના દાખલા અન્ય ખાનગી શાળાઓમાં રાખવામાં આવે છે, જેથી નિયમિત શાળામાં હાજરી વિના માત્ર કાગળ પર શાળામાં અભ્યાસ દર્શાવી શકાય. જો આ પ્રકારની વ્યવસ્થા સાચી સાબિત થાય, તો તે રાજ્યની શિક્ષણ વ્યવસ્થા માટે ગંભીર ચિંતાનો વિષય બની શકે છે.
સૂત્રોના જણાવ્યા મુજબ નીચે દર્શાવેલી સંસ્થાઓમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા તપાસ કરવામાં આવે તો સમગ્ર હકીકત સામે આવી શકે છે.
-
એચ.કે. વિરડા ક્લાસીસ, મધુરમ વિસ્તાર અંદાજે ૩૦૦ વિદ્યાર્થીઓ.
-
વિશ્વન ક્લાસીસ, મધુરમ વિસ્તાર (ભરાડ સ્કૂલ સામે) અંદાજે ૨૫૦ વિદ્યાર્થીઓ.
-
સંસ્કાર ક્લાસીસ, ધોરાજી બાયપાસ રોડ ૮૦૦થી વધુ વિદ્યાર્થીઓ.
-
કિંગ નવોદય, વડાલ ફાટક પાસે અંદાજે ૧૨૫ વિદ્યાર્થીઓ.
-
કિંગ નવોદય (મોતીબાગ પાસે) અંદાજે ૨૫૦ વિદ્યાર્થીઓ.
-
નચિકેતા ક્લાસીસ, ટીંબાવાડી અંદાજે ૧૦૦ વિદ્યાર્થીઓ.
શિક્ષણ ક્ષેત્રના જાણકારોનું માનવું છે કે જો વિદ્યાર્થીઓના રજિસ્ટ્રેશન, હાજરી, શાળા છોડ્યાના દાખલા અને કોચિંગ ક્લાસોની કામગીરી અંગે રાજ્યવ્યાપી તપાસ હાથ ધરવામાં આવે, તો અનેક ચોંકાવનારી હકીકત સામે આવી શકે છે. જસદણમાં સામે આવેલા પ્રકરણ બાદ હવે સમગ્ર રાજ્યમાં આવા મોડલ પર ચાલતી સંસ્થાઓ અંગે પણ પ્રશ્નો ઉભા થઈ રહ્યા છે.