Loading Please Wait !!!
રાજકોટમાં વધુ એક ‘ભૂતિયા સ્કૂલ’નો પર્દાફાશ? પેડક રોડ પરની ન્યૂ ફ્લોરા સ્કૂલ પર ગંભીર આક્ષેપ

 

  • ફાયર NOC અને BU સર્ટિફિકેટના કારણે સીલ કરાયેલી સ્કૂલ બાદ મંજૂરી વગર રહેણાંક મકાનમાં શાળા ધમધમતી હોવાનો આક્ષેપ
  • સ્કૂલની મંજૂરી જે સ્થળે મળી છે તે બિલ્ડિંગ: સીલ થયા બાદ ત્યાં પ્રિ-સ્કૂલ શરૂ
  • અત્યારે જ્યાં સ્કૂલ શરૂ છે તે મકાન
  • કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને કરી રજૂઆત: DEOએ તપાસ સોંપી

સિટી ન્યૂઝ | શ્રીરાજકોટ

RTE હેઠળ અભ્યાસ કરતી વિદ્યાર્થીઓ પાસેથી ગેરકાયદેસર રીતે ફી માંગવા અને તેમની સાથે ભેદભાવ રાખવાના મુદ્દે રજૂઆત બાદ હવે રાજકોટની પેડક રોડ સ્થિત ન્યૂ ફ્લોરા ઇંગ્લિશ મિડિયમ સ્કૂલને લઈને વધુ એક ગંભીર મુદ્દો સામે આવ્યો છે. કોંગ્રેસના વિદ્યાર્થીનેતા રોહિતસિંહ રાજપૂતે જિલ્લા શિક્ષણ અધિકારીને લેખિત રજૂઆત કરીને આક્ષેપ કર્યો છે કે શિક્ષણ વિભાગે જે સ્થળ માટે શાળાને મંજૂરી આપી હતી તે બિલ્ડિંગને TRP ગેમઝોન અગ્નિકાંડ બાદ રાજકોટ મહાનગરપાલિકાએ ફાયર એનઓસી અને બિલ્ડિંગ યુઝ પરમિશનના અભાવે સીલ કરી દીધું હતું. તેમ છતાં સંચાલકોએ જિલ્લા શિક્ષણ વિભાગ પાસેથી સ્થળફેરની મંજૂરી લીધા વગર જ અન્ય એક રહેણાંક મકાનમાં શાળા શરૂ કરી દીધી છે તેવી માહિતી મળી છે જેથી તેની તપાસ કરવી અતિ આવશ્યક છે.

રજૂઆતમાં જણાવાયું છે કે જો સ્થળફેરની પૂર્વ મંજૂરી વિના અન્ય સ્થળે શાળા ચલાવવામાં આવી હોય તો તે શિક્ષણ વિભાગના નિયમો અને શાળાની માન્યતાની શરતોનો ગંભીર ભંગ છે. આવા કિસ્સામાં શાળાની માન્યતા રદ કરવા સહિત જવાબદાર સામે ફોજદારી કાર્યવાહી કરવાની પણ જોગવાઈ છે. જતાં આજદિન સુધી કોઈ કડક કાર્યવાહી ન થતાં અનેક સવાલો ઉભા થયા છે.

રોહિતસિંહ રાજપૂતે વધુમાં જણાવ્યું છે કે મહાનગરપાલિકા દ્વારા સીલ કરાયેલા બિલ્ડિંગમાં હાલમાં પ્રિ-સ્કૂલ શરૂ કરવામાં આવી હોવાની પણ માહિતી મળી છે. જો સીલ કરાયેલા સ્થળે ફરી શૈક્ષણિક પ્રવૃત્તિ શરૂ કરવામાં આવી હોય તો બિલ્ડિંગ યુઝ પરમિશન, ફાયર એનઓસી અને અન્ય કાયદાકીય મંજૂરીઓની પણ તપાસ થવી જરૂરી છે. આ બાબતે શિક્ષણ વિભાગ દ્વારા મહાનગરપાલિકાને જાણ કરી સંયુક્ત તપાસ કરાવવાની માંગ કરવામાં આવી છે. રજૂઆત સાથે બંને સ્થળોના મોબાઈલ વીડિયો પણ જિલ્લા શિક્ષણ અધિકારીને સોંપવામાં આવ્યા હોવાનું જણાવાયું છે, જેમાં એક વીડિયો સીલ કરાયેલા બિલ્ડિંગમાં ચાલતી પ્રિ-સ્કૂલ તથા બીજો વીડિયો અન્ય રહેણાંક મકાનમાં ચલાવવામાં આવતી શાળાનો હોવાનું જણાવાયું છે. રજૂઆતમાં આ બંને સ્થળોની તાત્કાલિક સ્પોટ વેરિફિકેશન કરી હકીકતો જાહેર કરવા માંગ કરવામાં આવી છે.

રોહિતસિંહ રાજપૂતે આક્ષેપ કર્યો છે કે અગાઉ RTE મુદ્દે રજૂઆત થયા બાદ પણ શિક્ષણ વિભાગે માત્ર તપાસની ખાતરી આપી હતી, પરંતુ જો મંજૂરી વગર અન્ય સ્થળે શાળા ચાલતી હોવા છતાં વિભાગ અજાણ રહ્યો હોય તો તે તપાસની કાર્યક્ષમતા સામે ગંભીર પ્રશ્નો ઉભા કરે છે. તેમણે કહ્યું કે "જો શિક્ષણ વિભાગને વિવાદની નિયમિત હકીકત મળી શકે છે, તો વિભાગની નિયમિત તપાસ દરમિયાન આટલી મોટી ગેરરીતિ કેમ સામે આવી નહીં? તેમણે જિલ્લા શિક્ષણ અધિકારીને સમગ્ર મામલે ઉચ્ચસ્તરીય તપાસ કરી શાળાની સ્થળફેરની મંજૂરી, માન્યતા, વિદ્યાર્થીઓના હિત અને તમામ કાયદાકીય જોગવાઈઓની ચકાસણી કરીને જવાબદાર સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપી છે કે જો માત્ર તપાસના નામે કાર્યવાહી ટાળવામાં આવશે તો કોંગ્રેસ દ્વારા સમગ્ર મામલે ઉગ્ર આંદોલન અને "હલ્લાબોલ" કાર્યક્રમ આપવામાં આવશે.