અમદાવાદમાં ફટાકડા ફેક્ટરીમાં કાળમુખી આગ: 8 લોકોના કમકમાટીભર્યા મોત
- વસ્ત્રાલમાં ભીષણ ધડાકા સાથે આગ, RAF ના જવાનોએ બચાવ કામગીરી હાથ ધરી
- ફાયરબ્રિગેડની 5 થી વધુ ગાડીઓ ઘટનાસ્થળે, બચાવ કામગીરી યુદ્ધના ધોરણે ચાલુ
- RAF કેમ્પ પાસે આવેલી ફેક્ટરીમાં બ્લાસ્ટથી ધ્રૂજી ઉઠ્યું વિસ્તાર, તંત્ર એલર્ટ
સિટી ન્યુઝ @ અમદાવાદ
અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં આવેલા રામોલ-ગતરાડ રોડ પર આવેલી એક ફટાકડાની ફેક્ટરીમાં શનિવારે ભીષણ આગ લાગતા અરેરાટી વ્યાપી ગઈ છે. આ દર્દનાક દુર્ઘટનામાં 8 લોકોના મોત નીપજ્યા હોવાના અહેવાલ છે, જ્યારે અન્ય લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. આગ એટલી પ્રચંડ હતી કે દૂર સુધી તેના ધડાકા સંભળાયા હતા. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની 5 થી વધુ ગાડીઓ અને એમ્બ્યુલન્સ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવા માટે પાણીનો મારો ચલાવ્યો હતો.
આ ફેક્ટરી વસ્ત્રાલ RAF કેમ્પની પાછળના ભાગે આવેલી હોવાથી, ત્યાં ફરજ બજાવતા જવાનોએ તાત્કાલિક ધોરણે માનવતાવાદી અભિગમ અપનાવી ઘટનાસ્થળે દોડી ગયા હતા. ફાયરબ્રિગેડની ટીમ પહોંચે તે પહેલા જ RAF ના જવાનોએ ફેક્ટરીમાં ફસાયેલા અને ઘાયલ થયેલા લોકોને સુરક્ષિત બહાર કાઢીને સારવાર માટે હોસ્પિટલ રવાના કર્યા હતા. ફટાકડાની ફેક્ટરીમાં અચાનક થયેલા ધડાકાને કારણે વિસ્તારમાં ભારે ગભરાટ અને અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
અમદાવાદ ફાયરબ્રિગેડના ઉચ્ચ અધિકારીઓ અને ચીફ ફાયર ઓફિસર સતત સ્થિતિનું નિરીક્ષણ કરી રહ્યા છે. મૃત્યુઆંક વધવાની આશંકા પણ સેવવામાં આવી રહી છે, કારણ કે ફેક્ટરીમાં લગભગ 8 થી 10 લોકો કામ કરતા હતા. હાલમાં ફાયરબ્રિગેડની ટીમ દ્વારા કુલિંગ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે અને આ ભયાનક આગ કયા કારણોસર લાગી તેની તપાસ પોલીસ દ્વારા શરૂ કરવામાં આવી છે. આ દુર્ઘટનાને પગલે સમગ્ર વસ્ત્રાલ પંથકમાં શોકનું મોજું ફરી વળ્યું છે.