રાજકોટમાં વરસાદનું યલો એલર્ટ
અમરેલી, જામનગર અને વલસાડમાં ધોધમાર વરસાદ
ગુજરાત ઉપર બે સિસ્ટમ સક્રિય, રાજ્યમાં ૩૨% વરસાદની ઘટ
સિટી ન્યૂઝ | અમદાવાદ
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. આજે ૩૬ તાલુકામાં સૌથી વધુ વલસાડના ધરમપુરમાં ૧ ઈંચ વરસાદ નોંધાયો છે. આજે ગુજરાતના છુટાછવાયા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી છે. હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાક (૪ વાગ્યા સુધી) નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલીમાં વીજળીના કડાકા સાથે ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ જારી કર્યું છે. આ વિસ્તારોમાં ૪૦ કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. જ્યારે છોટાઉદેપુર, નર્મદા, સુરત, ભરૂચ, વડોદરા, આણંદ, અમદાવાદ, ગાંધીનગર, સાબરકાંઠા, મહેસાણા, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, જૂનાગઢ અને ગીર સોમનાથમાં યલો એલર્ટ સાથે છૂટાછવાયા સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે.
આ સાથે જ માછીમારોને આજે દરિયો ન ખેડવા માટે સૂચના આપી છે. અમરેલી જિલ્લામાં આજે ફરી વરસાદી માહોલ જામ્યો છે. રાજુલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. રાજુલા તાલુકાના હિંડોરણા, બેસઈ, કડિયાળી, પીપાવાવ ધામ સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો, જેના કારણે ખેડૂતો અને સ્થાનિકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો. બીજી તરફ લાઠી શહેરમાં પણ વરસાદી ઝાપટાં પડતાં ગરમીમાંથી લોકોને રાહત મળી છે. બીજી તરફ, વલસાડ શહેર અને જિલ્લાના કેટલાક છુટાછવાયા વિસ્તારોમાં મેઘરાજાના બીજા રાઉન્ડની શરૂઆત થતા સ્થાનિક લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો.
ગીર સોમનાથના ઉનામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. જામનગરના જામજોધપુર તાલુકાના બુટાવદર ગામે મેઘરાજા ફરી એકવાર મન મૂકીને વરસતા ખેડૂતોમાં ખુશી વ્યાપી ગઈ છે. હાલ રાજ્યમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને મોન્સૂન ટ્રફ સક્રિય છે, જેના કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં વરસાદી માહોલ જોવા મળી શકે છે. અમદાવાદમાં પણ આજે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.