Loading Please Wait !!!
ગુંદાલામાં ભેળસેળયુક્ત મસાલા બનાવતા કારખાનાનો પર્દાફાશ

 

ગોંડલનાં ગુંદાલામાં ગ્રામ એસઓજીએ દરોડો પાડી 42 લાખનો મુદ્દામાલ સીઝ કર્યો

સીટી ન્યૂઝ@ગોંડલ

ગોંડલના ગુંદાલા ગામની સીમમાં આવેલ મહાદેવ ઈન્ડસ્ટ્રીઝમાં સ્થિત જેપી મસાલા નામના કારખાનામાં દરોડો પાડી ભેળસેળયુક્ત મરચું, જીરું, ધાણાજીરું અને હળદરનો જથ્થો ઝડપી લીધો હતો જેપી મસાલા નામના કારખાનામાંથી ૪૨ લાખના ભેળસેળયુક્ત મસાલા કબજે, લોકોનાં આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં થતા હતા એસઓજીએ તપાસ કરતાં જાણવા મળ્યું હતું કે, આ કારખાનામાં જીરા ધાણાજીરુંનું ભુસુ, હળદરમાં મકાઈનો લોટ અને કૃત્રિમ કલર અને મરચામાં પામોલિન તેલ ઉપરાંત કૃત્રિમ કલરનું મિશ્રણ કરવામાં આવતું હતું, જે આરોગ્ય માટે ખુબ જ ગંભીર છે. એસઓજીના પીએસઆઈ જી.જે. ઝાલાએ મળેલી બાતમીના આધારે ગઈકાલે જેપી મસાલા નામના કારખાનામાં ફુડ ડ્રગ્સ સેફ્ટી ઓફિસરને સાથે રાખી દરોડો પાડ્યો હતો. તે વખતે કારખાનામાંથી મસાલાનો જે જથ્થો મળ્યો હતો તેમાં ભેળસેળ જણાઈ હતી, જેથી ફૂડ વિભાગે નમૂના લઈ તેને લેબોરેટરીમાં મોકલી આપ્યા છે.

લેબોરેટરીનો રિપોર્ટ આવ્યા બાદ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. હાલ પોલીસે જાણવાજોગની નોંધ કરી છે. કારખાનાનો માલિક ગોંડલમાં રહેતો મિતુલ ઉર્ફે મનિષ ગીરધરભાઈ બાલધા છે. અગાઉ તેને ભાઈ આ કારખાનું ચલાવતો હતો. છેલ્લા કેટલાક સમયથી તેણે કારખાનું સંભાળી લીધું હતું. એસઓજીના સૂત્રોએ જણાવ્યું હતું કે, કારખાનામાં મસાલામાં ભેળસેળ તો કરવામાં આવતી જ હતી સાથોસાથ ચોખ્ખાઈનું પણ કોઈ ધ્યાન રાખવામાં આવતું ન હતું.

જે ભેળસેળ થતી હતી તેને કારણે મસાલા આકર્ષક તો બની જ જતાં હતા સાથોસાથ તેનો જથ્થો પણ વધી જતો હતો હજુ એકાદ માસ પહેલાં જ ગોંડલના જામવાડી જીઆઈડીસીમાં ફૂડ વિભાગે બે સ્થળે દરોડો પાડી ભેળસેળયુક્ત મસાલાને મોટો જથ્થો કબજે કર્યો હતો. હવે ગુંદાલામાંથી ભેળસેળયુક્ત મસાલાને જથ્થો મળી આવતા લોકો પણ સાચું શું અને ખોટું શું તે વિચારમાં પડી ગયા છે.