Loading Please Wait !!!
વિજય રૂપાણી; યાદોમાં નહીં લોકોના દિલમાં આજે પણ જીવંત!

 સેવા, સંકલ્પ અને સ્મૃતિઓમાં જીવંત એક વ્યક્તિત્વ

વ્યક્તિ નહીં, વિચાર જીવંત છે; એક વર્ષ પછી પણ અધૂરી નથી રહી સેવા વિજય રૂપાણીના સપનાઓને મળી રહી છે નવી દિશા

• તંત્રી • અનિરુદ્ધ નકુમ

 

એક વર્ષ સમયની દ્રષ્ટિએ કદાચ લાંબો લાગે, પરંતુ કેટલીક યાદો એવી હોય છે જે સમય સાથે ફીકી પડતી નથી એ વધુ જીવંત બનતી જાય છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીનું અવસાન એવો જ એક ક્ષણ હતો, જે માત્ર રાજકીય ક્ષેત્ર માટે નહીં પરંતુ માનવતા માટે પણ મોટી ખોટ બની રહી.

વિજયભાઈ માત્ર સત્તાના શિખરે પહોંચેલા નેતા નહોતા. તેઓ સેવા, સાદગી અને સંવેદનાના પ્રતિબિંબ હતા. ખાસ કરીને રાજકોટ સાથેનો તેમનો લાગણીસભર સંબંધ તેમને સામાન્ય લોકોના હૃદયમાં એક પરિવારજન તરીકે સ્થાન અપાવતો હતો. આજે એક વર્ષ બાદ પણ રાજકોટની ગલીઓમાં, લોકોની વાતોમાં અને અનેક પરિવારોના આશીર્વાદમાં તેમનું નામ સંભળાય છે.

તેમનો સૌથી મોટો વારસો કોઈ પદ કે સત્તા નહીં, પરંતુ એક વિચાર છે ગરીબ અને જરૂરિયાતમંદ બાળકોને શિક્ષણ દ્વારા આગળ વધારવાનો. પુજિત રૂપાણી ટ્રસ્ટ દ્વારા અનેક બાળકોને ભણવાની તક મળી, અને એ સપનું માત્ર વ્યક્તિગત નહીં પરંતુ સામાજિક પરિવર્તનનું સ્વપ્ન હતું. એક એવો વિચાર, જે અનેક જીવનમાં પ્રકાશ પાથરે છે.

રાજકોટના વિકાસમાં તેમનું યોગદાન પણ અનન્ય રહ્યું છે. ઇન્ફ્રાસ્ટ્રક્ચરથી લઈને આરોગ્ય અને શિક્ષણ સુધીના ક્ષેત્રોમાં તેમણે જે કામ કર્યું, તે શહેરના વિકાસમાં માઇલસ્ટોન સમાન છે. પરંતુ કદાચ સૌથી મોટું કામ હતું. લોકોમાં વિશ્વાસ જગાવવો કે નેતૃત્વ માત્ર શાસન માટે નહીં, સેવા માટે પણ હોય છે.

આજે જ્યારે તેમના પરિવારજનો અંજલીબેન અને પુત્ર ઋષભ તેમના અધૂરા સપનાઓને પૂર્ણ કરવાનો સંકલ્પ વ્યક્ત કરે છે, ત્યારે એ માત્ર એક પરિવારનો નિશ્ચય નથી, પરંતુ સમાજ માટે એક પ્રેરણા છે. આગના દિવસોમાં યોજનારા મેડિકલ કેમ્પ જેવા પ્રયાસો એ દર્શાવે છે કે સેવા ક્યારેય અટકતી નથી; તે એકથી બીજા હાથમાં આગળ વધતી રહે છે.

વિજય રૂપાણી આજે આપણી વચ્ચે ભલે ન હોય, પરંતુ તેમની વિચારધારા, તેમના મૂલ્યો અને તેમની કરુણા હંમેશા જીવંત રહેશે. સચ્ચા અર્થમાં વ્યક્તિનું અસ્તિત્વ તેની હાજરીમાં નહીં, પરંતુ તેના કાર્ય અને પ્રભાવમાં હોય છે અને આ દ્રષ્ટિએ વિજયભાઈ આજે પણ આપણા વચ્ચે જ છે.

આ સંપાદકીય માત્ર એક શ્રદ્ધાંજલિ નહીં, પરંતુ એક યાદ અપાવે છે કે સાચી સેવા ક્યારેય મરતી નથી.