રાજકોટમાં રક્તદાન કેમ્પ યોજાયો, 87 યુનિટ એકત્ર
રોટરી ક્લબ ઓફ રાજકોટ, ખોડલધામ ટ્રસ્ટ અને શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન
સિવિલ હોસ્પિટલના દર્દીઓ માટે બ્લડ બેંકોને રક્ત અર્પણ
સિટી ન્યૂઝ@રાજકોટ
ચોમાસાની ઋતુ દરમિયાન બ્લડની વધતી જરૂરિયાતને ધ્યાનમાં રાખી રોટરી ક્લબ ઓફ રાજકોટ અને ખોડલધામ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે, શ્રીમદ રાજચંદ્ર ફાઉન્ડેશન તથા કર્મયોગ ચેરીટેબલ ટ્રસ્ટના સહયોગથી મેટોડા જીઆઈડીસી સ્થિત ડેકોરા ભવન ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. કેમ્પનો મુખ્ય હેતુ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા જરૂરિયાતમંદ દર્દીઓને સમયસર નિશુલ્ક રક્ત ઉપલબ્ધ કરાવવાનો હતો, જેથી ગંભીર દર્દીઓને તાત્કાલિક સારવાર મળી શકે. કેમ્પમાં કુલ ૮૭ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવસેવામાં મહત્વનું યોગદાન આપ્યું હતું. એકત્ર થયેલા રક્તદાનની ૧૫ યુનિટ રાજકોટ સિવિલ બ્લડ બેંકે અને ૩૨ યુનિટ ઈન્ડિયન રેડક્રોસ બ્લડ બેંક, રાજકોટને અર્પણ કરવામાં આવ્યા હતા, જેનાથી અનેક દર્દીઓને જીવનદાન મળવાની શક્યતા ઉભી થઈ છે.
કેમ્પને સફળ બનાવવામાં જયંત અગ્રવાલ, મીતેષ મહેતા, જતીન ધોળકિયા, આનંદસિંહ ઠાકુર અને વિજય જસાણીએ વિશેષ જહેમત ઉઠાવી હતી. રક્તદાન કરનાર દાતાઓનો આભાર વ્યક્ત કરી તેમને આકર્ષક ગિફ્ટ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, તેમજ ભવિષ્યમાં પણ આવા સેવાકીય કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી. આયોજકોએ નાગરિકોને જન્માષ્ટમી, સ્મૃતિદિન અને અન્ય શુભ પ્રસંગોએ રક્તદાન કેમ્પ જેવા સેવાકીય કાર્યક્રમો યોજવા અપીલ કરી હતી. સાથે જ રક્તદાન ઉપરાંત ચક્ષુદાન, અંગદાન, રક્તદાન અને જીવનદાનના અન્ય સેવાકીય કાર્યો માટે વધુમાં વધુ લોકો જોડાય તેવી અપીલ કરવામાં આવી હતી, જેથી સમાજમાં સેવા અને સહકારની ભાવના વધુ મજબૂત બને.