Loading Please Wait !!!
નીતા અંબાણી દેશની સૌથી પાવરફૂલ વુમન

 

"કરોડો લોકોના જીવન બદલવાનું સન્માન મળ્યું"

ફોર્ચ્યુન ઈન્ડિયાની યાદીમાં નંબર-1 ઈશા અંબાણી 10માં સ્થાને સામેલ

સીટી ન્યૂઝ@મુંબઈ

રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ ફોર્ચ્યુન ઈન્ડિયાની સૌથી શક્તિશાળી ટોપ-100 મહિલાઓની યાદીમાં પ્રથમ સ્થાન મેળવ્યું છે. આ સન્માન તેમને નેતૃત્વ અને સમાજ સેવા માટે મળ્યું છે. તેમના નેતૃત્વ હેઠળ ફાઉન્ડેશને શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવા ક્ષેત્રોમાં કામ કરીને ૨.૬ કરોડ બાળકો સહિત દેશના ૧૦ કરોડથી વધુ લોકોનું જીવન બદલ્યું છે. ઈવેન્ટમાં નીતા અંબાણીએ કહ્યું, 'નેતૃત્વને કરુણા, સમાવેશ અને સશક્તિકરણ દ્વારા વ્યાખ્યાયિત કરવું જોઈએ. મારા માટે સાચી શક્તિ અન્યોને સશક્ત બનાવવામાં છે. ભારતને દયા, સહાનુભૂતિ અને તમામ જીવો પ્રત્યે સન્માન પર આધારિત 'સોફ્ટ પાવર'ની વધુ જરૂર છે.' નીતા અંબાણીએ આ વાત પર પણ ભાર મૂક્યો કે છોકરીઓને સશક્ત કરવાથી આખરે દેશ મજબૂત બનશે. ફોર્ચ્યુન ઈન્ડિયાની આ રેન્કિંગ પહેલાં, આ જ મહિને ૩ જુલાઈના રોજ નીતા અંબાણીને અમેરિકાના ફ્લોરિડાના ટામ્પા શહેરમાં 'AAPI હ્યુમેનિટેરિયન એવોર્ડ' થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

અમેરિકન એસોસિએશન ઓફ ફિઝિશિયન્સ ઓફ ઈન્ડિયન ઓરિજિને તેમને આરોગ્ય સેવા, શિક્ષણ, રમતગમત, સંસ્કૃતિ અને સામુદાયિક વિકાસના ક્ષેત્રમાં તેમના અસાધારણ યોગદાન બદલ આ પુરસ્કાર આપ્યો હતો. ફોર્ચ્યુન ઈન્ડિયાની યાદીમાં નીતા અંબાણી પછી રોશની નાદર મલ્હોત્રા બીજા નંબરે રહ્યા, જ્યારે રેડ્ડી સિસ્ટર્સ- શોભના કામિનેની, સંગીતા રેડ્ડી, પ્રીથા રેડ્ડી અને સુનીતા રેડ્ડી સંયુક્ત રીતે ત્રીજા સ્થાને રહ્યા. ટોપ ૧૦ની યાદીમાં સાવિત્રી જિંદલ, પ્રીતિ અદાણી, કિરણ મજુમદાર-શો, ઈશા અંબાણી, પ્રિયા નાયર, બેલા બજરિયા અને લીના નાયરનો સમાવેશ થાય છે.