Loading Please Wait !!!
જેતપુરમાં 15 થી 21 જુલાઈ સુધી શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન

  • વિવેકસાગરદાસ સ્વામીના શ્રીમુખેથી કથામૃત; પોથીયાત્રા, જન્મોત્સવ, રુકમણી વિવાહ સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાશે

સિટી ન્યૂઝ@રાજકોટ

જેતપુરના ખોડપરા વિસ્તારમાં આવેલ ઓશો જીવન-જ્યોત ધ્યાન કેન્દ્ર ખાતે ૧૫ થી ૨૧ જુલાઈ દરમિયાન સપ્તાહિક ભવ્ય અને આધ્યાત્મિક શ્રીમદ્ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું છે. દરરોજ બપોરે ૩:૩૦ થી સાંજે ૬:૩૦ વાગ્યા સુધી યોજનારી આ કથામાં વિવેકસાગરદાસ સ્વામી વ્યાસપીઠ પરથી ભાગવત કથાનું રસપાન કરાવી ભક્તોને આધ્યાત્મિક માર્ગદર્શન આપશે. કથાનો પ્રારંભ ૧૫ જુલાઈએ રામનાથ મંદિરથી વાજતે-ગાજતે નીકળનારી મંગળ પોથીયાત્રાથી થશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિકો જોડાશે. ૧૮ જુલાઈએ શ્રીરામ અને શ્રીકૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવશે, જ્યારે ૨૦ જુલાઈએ રુકમણી વિવાહનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. ૨૧ જુલાઈએ કથા વિરામ સાથે સમગ્ર કાર્યક્રમ પૂર્ણ થશે. આ આયોજનમાં નિમંત્રક તરીકે ધનરાજગીરી ઈચ્છાગીરી ગોસાઈ, દીપભાઈ રાજેશભાઈ ચુડાસમા અને ધરાબેન ગૌરવભાઈ ગુલેરીયા સેવા આપી રહ્યા છે, જ્યારે મુખ્ય યજમાન તરીકે પ્રતાપભાઈ જીલુભાઈ ધધલ અને ભરતભાઈ જીલુભાઈ ધધલ રહેશે. આયોજક મંડળ દ્વારા સમગ્ર આયોજનને સફળ બનાવવા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. કથા દરમિયાન નીલકંઠચરણદાસજી સ્વામી સહિત વિવિધ સંતો-મહંતો પધારી આશીર્વાદ આપશે. ઉપરાંત જયેશ રાદડિયા, પ્રશાંત કોરાટ સહિત રાજકીય, સામાજિક અને ધાર્મિક ક્ષેત્રના અનેક આગેવાનો ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. સંગીતમય કથામાં નિર્જનભાઈ પંડ્યા સહિતના જાણીતા કલાકારો ભક્તિ સંગીતની રમઝટ બોલાવી ભક્તોને ભાવવિભોર કરશે. કથા શ્રવણ માટે આવનાર તમામ ભાવિકો માટે ભોજન પ્રસાદની સુવિધા રાખવામાં આવી છે. સમગ્ર કથાનું જીવંત પ્રસારણ Balaji Temple Official યુટ્યુબ ચેનલ પર કરવામાં આવશે, જેથી દૂર રહેતા ભક્તો પણ કથાનો લાભ લઈ શકે. આયોજકોએ જેતપુર તથા આસપાસના વિસ્તારના ધર્મપ્રેમી જનતાને સપરિવાર ઉપસ્થિત રહી આ દિવ્ય કથાનો લાભ લેવા હાર્દિક આમંત્રણ પાઠવ્યું છે.