રાજકોટમાં ઈસ્માઈલી સિવિક દ્વારા રક્તદાન શિબિર યોજાઈ, 125થી વધુ યુનિટ રક્ત એકત્ર
સિટી ન્યૂઝ@રાજકોટ
શહેરમાં બ્લડ બેંકોમાં રક્તની અછતને પહોંચી વળવાના હેતુથી ઈસ્માઈલી સિવિક દ્વારા ૧૨ જુલાઈ, ૨૦૨૬ના રોજ જીવનદીપ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. શિબિરમાં ૧૨૫થી વધુ રક્તદાતાઓએ સ્વૈચ્છિક રીતે રક્તદાન કરી માનવસેવાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. આ કાર્યક્રમમાં અન્ય સમાજના રક્તદાતાઓએ પણ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. ઈસ્માઈલી ભારત સ્કાઉટ્સ એન્ડ ગાઈડ્સના ગણવેશધારી સ્વયંસેવકોએ સમગ્ર આયોજનમાં મહત્વપૂર્ણ સેવા આપી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય દર્શિતાબેન શાહ અને ડેપ્યુટી મેયર દક્ષિાબેન વસાણી વિશેષ ઉપસ્થિત રહ્યા હતા.
દર્શિતાબેન શાહે જણાવ્યું હતું કે રક્તદાન માત્ર રાજકોટ માટે જ નહીં પરંતુ સમગ્ર દેશ માટે અત્યંત મહત્વપૂર્ણ છે. ઈસ્માઈલી સિવિક દ્વારા કરવામાં આવતું આ રક્તદાન કાર્ય પ્રશંસનીય છે અને વધુમાં વધુ લોકો રક્તદાન માટે આગળ આવે તે સમયની જરૂરિયાત છે. ઈસ્માઈલી કાઉન્સિલ ફોર રાજકોટના પ્રમુખ ફરીદ કોરાડિયાએ જણાવ્યું હતું કે માત્ર ઈસ્માઈલી સમુદાય જ નહીં, પરંતુ અન્ય સમાજના લોકો અને શુભેચ્છકો પણ મોટી સંખ્યામાં જોડાયા તે આનંદની બાબત છે. સૌના સહયોગથી વધુ લોકોને જીવનદાન મળી શકે છે અને જીવનદીપ બ્લડ બેંકે પણ નોંધપાત્ર સહાય મળી છે. આયોજકોએ જણાવ્યું હતું કે એક યુનિટ રક્ત ત્રણ લોકોનો જીવ બચાવી શકે છે અને સમાજમાં નિયમિત રક્તદાન અંગે જાગૃતિ ફેલાય તે માટે આવા સેવાકીય કાર્યક્રમો ભવિષ્યમાં પણ યોજવામાં આવશે.