Loading Please Wait !!!
સામાજિક ક્રાંતિની શરૂઆત: હવે પ્રજાપતિ સમાજની મહિલાઓ સંચાલન નેતૃત્વની જવાબદારી સંભાળશે

=> પરંપરાને પડકારતી મહિલાઓ: હવે નિર્ણય લેશે સમાજની દીકરીઓ


સિટી ન્યૂઝ@અમદાવાદ

વર્ષોથી પુરુષ પ્રભુત્વ ધરાવતા પ્રજાપતિ સમાજમાં હવે પરિવર્તનની નવી હવા ફૂંકાઈ રહી છે. સમાજમાં મહિલાઓને માત્ર હાજરી પૂરતી નહીં, પરંતુ હવે સંચાલન અને નેતૃત્વની મુખ્ય જવાબદારી સોંપવાની શરૂઆત થઈ છે. છેલ્લા ૨૦ વર્ષથી સક્રિય પ્રજાપતિ સમાજે મહિલાઓને કેન્દ્રમાં રાખીને નવી પહેલ શરૂ કરી છે, જેને સમાજમાં સમાન હક તરફનું સૌથી મોટું પગલું ગણાશે. સમાજ દ્વારા મહિલા સંગઠનને વધુ સક્રિય બનાવવાની દિશામાં વિશેષ આયોજન કરાયું છે. વર્ષ દરમિયાન મહિલાઓ માટે ઓછામાં ઓછી ૧૦ મોટી શિબિરો યોજાશે, જેમાં મહિલા સશક્તિકરણ, સેલ્ફ ડિફેન્સ ટ્રેનિંગ, રોજગારીના અવસરો અને આર્થિક સહાય જેવા મુદ્દાઓ પર ખાસ ભાર મૂકાશે.

મહલા પ્રમુખ અલકાબેન પ્રજાપતિના જણાવ્યા અનુસાર સમાજમાં પહેલીવાર મહિલાઓને આ સ્તરે જવાબદારી સોંપાઈ રહી છે. માહિતી આપનાર સોનલ પંચાલના જણાવ્યા મુજબ સમગ્ર રાજ્યમાં કારોબારી બેઠકો યોજીને મહિલા અગ્રણીઓની પસંદગી કરવામાં આવશે, જેથી દરેક સ્તરે મહિલાઓનું પ્રતિનિધિત્વ મળી શકે. સમાજના આગેવાનોના મતે, આ પહેલનો મુખ્ય ઉદ્દેશ પુરુષ અને મહિલાઓ વચ્ચે સમાન દરજ્જો સ્થાપિત કરવાનો છે. ઘણા સમાજોમાં આજે પણ નિર્ણયો પુરુષો સુધી સીમિત રહે છે, પરંતુ પ્રજાપતિ સમાજની આ પહેલ તે માન્યતાઓને તોડવાનો પ્રયાસ છે.