Loading Please Wait !!!
હર્બલ સિગારેટનો ધુમાડો સૌથી વધુ ઝેરી

=> આંતરરાષ્ટ્રીય રિસર્ચનો અહેવાલ

સિટી ન્યૂઝ@નવી દિલ્હી

આગામી ૩૧ મેના રોજ વિશ્વ તમાકુ નિષેધ દિવસ આવી રહ્યો છે, ત્યારે ધૂમ્રપાન કરનારાઓ અને ખાસ કરીને યુવા પેઢી માટે આંખ ઉઘાડનારો એક આંતરરાષ્ટ્રીય રિસર્ચ અહેવાલ સામે આવ્યો છે. સામાન્ય રીતે લોકો તમાકુની લત છોડવા અથવા હેલ્ધી લાઇફસ્ટાઇલના બહાના હેઠળ હર્બલ સિગારેટ તરફ વળી રહ્યા છે. પરંતુ ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ગાંધીનગર (IITGN) અને અમેરિકાની યુનિવર્સિટી ઓફ ઇલિનોઇસ (UIUC) ના સંયુક્ત વૈજ્ઞાનિક અભ્યાસમાં સાબિત થયું છે કે હર્બલ સિગારેટનો ધુમાડો સામાન્ય તમાકુ જેટલો જ અથવા તેનાથી પણ વધુ ખતરનાક છે. વૈજ્ઞાનિકોની ટીમે ભારતીય બજારમાં સૌથી વધુ વેચાતી અને જેમાં તુલસી, લવિંગ, તજ, ફૂદીનો, ગ્રીન-ટી અને કેમોમાઇલ જેવા કુદરતી તત્વો હોવાનો દાવો કરાય છે

તેવી ચાર અગ્રણી હર્બલ બ્રાન્ડ્સના ધૂમ્રશેષ (ઉત્સર્જન) પર અત્યાધુનિક સાધનો દ્વારા રાસાયણિક કસોટીઓ કરી હતી. આ ચોંકાવનારા તારણો વૈશ્વિક સ્તરે હાઇ ઇમ્પેક્ટ ધરાવતા જર્નલ ઓફ હેઝાર્ડસ મટિરિયલ્સમાં પ્રકાશિત કરવામાં આવ્યા છે. રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે તમાકુ-મુક્ત હોવાનો અર્થ બિલકુલ જોખમ-મુક્ત એવો થતો નથી. હર્બલ સિગારેટમાં રહેલાં પાંદડાં અને વનસ્પતિ જ્યારે દહન પામે છે, ત્યારે તેમાંથી એવા સૂક્ષ્મ કણો અને કેમિકલ્સ પેદા થાય છે જે તમાકુના ધુમાડાથી વધુ આક્રમક હોય છે.