પત્નીના ત્રાસથી કંટાળી પતિએ ઈચ્છા મૃત્યુની મંજૂરી માંગી
=> પત્ની દીકરાને માતાની મમતા આપવાને બદલે જીવ લેવાનો પ્રયાસ
=> પત્ની નાની-નાની વાતોમાં શંકા કરી રાત્રે 2 વાગ્યે થપ્પડ મારતી ને ઊંઘવા પણ ન દેતી
=> પીડિત પતિએ સુરત કલેક્ટર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ ન્યાયની ભીખ માંગી
=> ફરિયાદ નહીં નોંધાય તો આત્મઘાતી પગલાની ચીમકી આપી
સિટી ન્યૂઝ@નવી દિલ્હી
સુરતમાં કાપડ માર્કેટમાં જોબવર્ક કરતા એક પત્ની પીડિત પતિએ અસહ્ય માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને સુરત કલેક્ટર સમક્ષ ઇચ્છામૃત્યુની લેખિત રજૂઆત કરી છે. પીડિત પતિએ આક્ષેપ કર્યો છે કે, કાયદાનો દુરુપયોગ કરીને તેની પત્ની અને સાસરીયાઓ તેને આર્થિક અને સામાજિક રીતે બરબાદ કરી રહ્યા છે. કલેક્ટર કચેરીમાં ન્યાય ન મળતા આખરે આ મામલો રાજ્યના ગૃહ મંત્રાલય સુધી પહોંચ્યો છે. પીડિત પતિએ ગૃહ મંત્રી હર્ષ સંઘવીના પીએને પણ ફોન કરીને આપવીતી જણાવી હતી. જ્યાંથી તેમના પીએ દ્વારા આ કેસમાં તટસ્થ અને યોગ્ય તપાસની ખાતરી આપવામાં આવી છે. પીડિત પતિના જણાવ્યા અનુસાર, તેમના અગાઉ 3 લગ્ન નિષ્ફળ રહ્યા હતા અને તેમની પત્નીના પણ અગાઉ બે લગ્ન થઈ ચૂક્યા હતા. પીડિતના આ ચોથા મેરેજ હતા.
=> રાત્રે 2 વાગ્યે શંકા કરી થપ્પડ મારતી’ને ઊંઘવા પણ ન દેતી
પીડિત પતિએ પોતાની આપવીતી જણાવતા કહ્યું હતું કે, તેમની પત્ની નાની-નાની બાબતોમાં શંકા કરતી હતી. કાપડની જોબ દરમિયાન બહેન, ભાઈ કે મિત્રોના ફોન આવતા અને ફોન વ્યસ્ત આવે તો તે વહેમ રાખીને ઝઘડો કરતી હતી. ત્રાસની પરાકાષ્ઠા તો ત્યારે આવતી જ્યારે રાત્રિના ૨ વાગ્યે કે ૪ વાગ્યે તે પતિ સાથે ઝઘડીને મારપીટ કરતી હતી. દીકરાને પકડીને કેમ સૂવે છે, મને પકડીને ઊંઘ તેમ કહીને સીધી થપ્પડ મારી દેતી હતી. જેના કારણે તેઓ આખી રાત ઊંઘી પણ શકતા નહોતા. આ અસહ્ય પ્રતાડના છતાં પીડિત સંસાર બચાવવા મથતા રહ્યા, પણ આખરે પાણી માથા પરથી જતું રહ્યું હતું.
=> ફરિયાદ નહીં નોંધાય તો આત્મઘાતી પગલાની ચીમકી
પીડિત પતિએ સુરત કલેક્ટર, મુખ્યમંત્રી અને ગૃહમંત્રી સમક્ષ ન્યાયની આખરી ભીખ માંગી છે. તેમણે સ્પષ્ટ ચીમકી આપી છે કે, જો આગામી ૩ તારીખ સુધીમાં તેમની પત્ની વિરૂદ્ધ કમલ ૩૦૭ (હત્યાનો પ્રયાસ) અને લૂંટેરી દુલ્હન અંગેની બે ફરિયાદ દાખલ કરવામાં નહીં આવે તો તેઓ ઇચ્છામૃત્યુ અથવા કોઈ મોટું આત્મઘાતી પગલું ભરવા મજબૂર થશે. આ કાયદાકીય કાવતરામાં તેમની પત્ની, સાળો, સાસુ અને સાળાના શેઠ સામેલ હોવાના આક્ષેપ સાથે પીડિતે આ તમામ ૪ લોકોને પોતાના સંભવિત પગલાં માટે જવાબદાર ગણાવ્યા છે.