નાસા ચંદ્ર પર 20 અબજ ડોલરના ખર્ચે પરમેનન્ટ બેઝ બનાવશે
- અન્ય કોઈ ખગોળીય દુનિયા પર માનવતાનો આ પ્રથમ સ્થાયી બેઝ હશે
- વર્ષ 2028 સુધીમાં અંતરિક્ષ યાત્રીઓને ચંદ્ર પર ઉતારવાનો એજન્સીનો લક્ષ્યાંક
- જોખમી વાતાવરણમાં રહેવા અને કામ કરવાની નવી ટેકનોલોજી વિકસાવાશે
સિટી ન્યુઝ @ વાશિંગ્ટન: ચંદ્રની સફળ પરિક્રમા પૂર્ણ કર્યા બાદ હવે અમેરિકી અંતરિક્ષ એજન્સી નાસાએ ચંદ્ર પર સ્થાયી માનવ વસવાટ માટે કમર કસી છે. નાસા પ્રશાસક જેરેડ આઇઝેકમેને ગઈકાલે એક પત્રકાર પરિષદ યોજીને ચંદ્ર પર પરમેનન્ટ બેઝ બનાવવા માટે 20 અબજ અમેરિકી ડોલરના ભવ્ય પ્રોજેક્ટની જાહેરાત કરી છે. આ લૂનર બેઝમાં અદ્યતન રોવર અને ડ્રોન તૈનાત કરવામાં આવશે, જે જોખમી અંતરિક્ષીય વાતાવરણમાં કામ કરવાની ટેકનોલોજી વિકસાવવામાં મદદ કરશે. એજન્સીનો મુખ્ય લક્ષ્યાંક વર્ષ 2028 સુધીમાં અંતરિક્ષ યાત્રીઓને ફરીથી ચંદ્ર પર સુરક્ષિત રીતે ઉતારવાનો છે.
ચંદ્ર પર સ્થાયી માળખું ઊભું કરવા માટે નાસાએ ત્રણ અલગ-અલગ તબક્કાની મજબૂત બ્લુપ્રિન્ટ તૈયાર કરી છે. પ્રથમ તબક્કા હેઠળ આગામી ત્રણ વર્ષમાં નવી ટેકનોલોજીનું પરીક્ષણ કરાશે અને વર્ષ 2028માં પ્રસ્તાવિત આર્ટેમિસ-3 મિશન માટે સપાટી પર ચાલવા વાળું વાહન ઉપલબ્ધ કરાવાશે. બીજો તબક્કો વર્ષ 2029 થી 2032 સુધી ચાલશે, જેમાં વીજળી ગ્રીડ સહિતની સ્થાયી સુવિધાઓનું નિર્માણ કરાશે. જ્યારે વર્ષ 2032 પછીના ત્રીજા તબક્કામાં નિયમિત અંતરિક્ષ યાત્રીઓની ટુકડીઓની અદલા-બદલી કરીને ત્યાં સતત માનવ ઉપસ્થિતિ જાળવી રાખવાનો ઐતિહાસિક લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.
આ મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ અંતર્ગત સપ્ટેમ્બર મહિના પછી 'મૂન બેઝ-1' મિશન મોકલવામાં આવશે, જેના માટે બ્લુ ઓરિજિનના લેન્ડરની પસંદગી કરવામાં આવી છે. આ વર્ષના અંતમાં પ્રસ્તાવિત 'મૂન બેઝ-2' મિશન 1,100 પાઉન્ડથી વધુ સામાન ચંદ્ર પર પહોંચાડશે. ત્યારબાદ 'મૂન બેઝ-3' મિશન ચંદ્રની સપાટી નીચે રહેલાં ચુંબકીય ક્ષેત્રો અને ત્યાંના રહસ્યમય ચમકતા વળાંકવાળા નિશાનો એટલે કે 'લૂનર સ્વર્લ્સ'નો વિસ્તૃત અભ્યાસ કરશે. આ વૈશ્વિક મિશનમાં યુરોપિયન અને કોરિયન અંતરિક્ષ એજન્સીના પેલોડ પણ મહત્વની ભૂમિકા ભજવશે.
હવે ચંદ્ર પર કાયમી મુકામ નાસાના મૂન બેઝ કાર્યક્રમના એક્ઝિક્યુટિવ કાર્લોસ ગાર્સિયા-ગલાના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ બાદ મનુષ્ય ચંદ્ર પર સ્થાયી રૂપે હાજર રહેશે અને હવે આ સ્પેસ સ્ટેશનને ક્યારેય છોડવામાં નહીં આવે. આ મિશન ભવિષ્યના માનવયુક્ત આર્ટેમિસ મિશનોના જોખમને પણ નોંધપાત્ર રીતે ઓછું કરશે.