Loading Please Wait !!!
હનુમંત કથાની યાત્રા હવે સંપૂર્ણ ઇલેક્ટ્રિક !

=> પેટ્રોલ-ડીઝલ બચાવવા મોટી કળશ યાત્રા નહીં: વોર્ડ-વાઇઝ બહેનો પગપાળા કળશ યાત્રામાં જોડાશે

=> ભક્તોને લેવા-મૂકવા ઇલેક્ટ્રિક બસનો ઉપયોગ

=> ધીરેન્દ્ર શાસ્ત્રીના કાફલામાં પણ ઇલેક્ટ્રિક કાર રહેશે

=> પર્યાવરણ સાથે આસ્થા: આસ્થા પણ અગાધ, પ્રકૃતિ પણ સુરક્ષિત

સિટી ન્યૂઝ@રાજકોટ 

શહેરમાં આગામી દિવસોમાં યોજાનારી પ્રખ્યાત કથાવાચક ધીરેન્દ્ર કૃષ્ણ શાસ્ત્રીની હનુમંત કથાને લઈને આયોજકો દ્વારા એક મહત્વપૂર્ણ અને પર્યાવરણમિત્ર નિર્ણય લેવામાં આવ્યો છે. કથાના પૂર્વે યોજાનારી સ્વાગત યાત્રામાં હવે માત્ર ઇલેક્ટ્રિક વાહનોનો જ ઉપયોગ કરવામાં આવશે. આ નિર્ણય પેટ્રોલ અને ડીઝલની અછત તેમજ વધતી માંગને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો હોવાનું આયોજકોએ જણાવ્યું હતું. સાથે સાથે, પર્યાવરણ પ્રત્યે જાગૃતિ લાવવાનો પણ મુખ્ય ઉદ્દેશ્ય હોવાનું જાણવા મળ્યું છે.

આગામી ૪ જૂનના રોજ રાજકોટ શહેરના ૧૦ અલગ-અલગ ઝોનમાંથી ભવ્ય કળશ યાત્રા નીકળવાની છે. જેમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાશે તેવી સંભાવના છે. યાત્રા દરમિયાન ઇલેક્ટ્રિક વાહનોના ઉપયોગથી પ્રદૂષણમાં ઘટાડો થશે અને શહેરમાં ગ્રીન એનર્જી અંગે સકારાત્મક સંદેશ પણ પહોંચશે.

ઉલ્લેખનીય છે કે ૫ થી ૭ જૂન દરમિયાન યોજાનારી હનુમંત કથા માટે સભા સ્થળે પણ વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે. જેમાં ઉચ્ચ ક્ષમતાની સાઉન્ડ સિસ્ટમ અને સીસીટીવી કેમેરા દ્વારા સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવશે. આ રીતે ધાર્મિક કાર્યક્રમ સાથે પર્યાવરણ સંરક્ષણનો સંદેશ આપતો આ અનોખો પ્રયાસ રાજકોટમાં ચર્ચાનો વિષય બન્યો છે.