Loading Please Wait !!!
અમેરિકા-ઇરાન યુદ્ધ સમાપ્ત: હોર્મુઝ સ્ટ્રેટમાંથી પ્રથમ ભારતીય જહાજ મુક્ત

  • 3 મહિનાથી ફસાયેલું 'દિશા' જહાજ બહાર આવ્યું, અન્ય 34 જહાજો પણ ટૂંક સમયમાં છૂટવાની આશા
  • અમેરિકા-ઇરાન વચ્ચે સમજૂતીથી દેશમાં તેલ, ગેસ અને ખાતરનું સંકટ ટળવાની પૂરી શક્યતા
  • યુદ્ધ ખતમ થતાં ફસાયેલા જહાજોને મુક્તિ, 18000 ક્રૂ મેમ્બર્સ અને તેમના પરિવારો માટે આશાનું કિરણ

સિટી ન્યુઝ @ ન્યુ દિલ્હી

અમેરિકા અને ઇરાન વચ્ચે ઐતિહાસિક સમજૂતી થઈ જવા સાથે જ બંને દેશો વચ્ચે ચાલી રહેલું યુદ્ધ સમાપ્ત થઈ ગયું છે. આ યુદ્ધ વિરામની જાહેરાત સાથે ભારત માટે મોટા રાહતના સમાચાર એ છે કે સમુદ્રી પરિવહન માટેના અત્યંત મહત્વના હોર્મુઝ સ્ટ્રેટમાં ફસાયેલા જહાજો હવે બહાર નીકળવા લાગ્યા છે. 3 મહિનાના લાંબા ઇંતઝાર બાદ ભારતીય ધ્વજ ધરાવતું જહાજ 'દિશા' હોર્મુઝમાંથી સુરક્ષિત રીતે બહાર આવી ગયું છે. હજુ પણ 34 જેટલા ભારતીય જહાજો ત્યાં ફસાયેલા છે, પરંતુ યુદ્ધ ખતમ થતાં આ જહાજો પણ ટૂંક સમયમાં મુક્ત થવાની પ્રબળ આશા બંધાઈ છે.

અમેરિકા-ઇરાન યુદ્ધને કારણે હોર્મુઝ સ્ટ્રેટ બંધ થતાં 'દિશા' જહાજ છેલ્લા 3 માસથી ફસાયેલું હતું. 62370 ટન LNG ના મસમોટા જથ્થા સાથેનું આ જહાજ 18 જૂને સુરક્ષિત રીતે ભારતના દાહેજ પોર્ટ પર પહોંચી જશે. આ સાથે જ અન્ય 34 ભારતીય જહાજો માટે પણ બહાર નીકળવાનો માર્ગ મોકળો થયો છે. પ્રાપ્ત રિપોર્ટ્સ અનુસાર, આ 34 જહાજો પૈકી 16 જહાજોમાં ખાતરનો મોટો જથ્થો છે, જ્યારે અન્ય જહાજોમાં તેલ અને ગેસ છે. કતાર અને યુએઈ જેવા દેશોમાં યુદ્ધ દરમિયાન તેલ-ગેસ ક્ષેત્રોને મોટું નુકશાન થયું હોવાથી ઉત્પાદન અને સપ્લાય સંપૂર્ણ નોર્મલ થવામાં હજુ થોડો સમય લાગશે, છતાં ભારત માટે સપ્લાય સંકટ મોટા અંશે દૂર થવાની સંભાવના છે.

'દિશા' જહાજે 62370 ટન LNG સાથે હોર્મુઝ સ્ટ્રેટ સુરક્ષિત રીતે પાર કરી લીધો છે. શિપિંગ મંત્રાલયના અધિકારી ઓપેશકુમાર શર્માએ સત્તાવાર માહિતી આપતા જણાવ્યું હતું કે 18 જૂને આ જહાજ દાહેજ પોર્ટ પર લાંગરવામાં આવશે. હજુ અટવાયેલા અન્ય જહાજો તથા તેમાં સવાર ક્રૂ મેમ્બર્સની સુરક્ષા માટે મંત્રાલય દ્વારા સઘન સંકલન કરવામાં આવી રહ્યું છે. ખાડી ક્ષેત્રમાં કુલ 18000 જેટલા ભારતીય ક્રૂ મેમ્બરો ફસાયેલા હતા, જેમાંથી 3500 ભારતીયો અત્યાર સુધીમાં હેમખેમ સ્વદેશ પરત આવી ગયા છે.

સપ્લાય ચેઇનમાં મોટો સુધારો અમેરિકા અને ઇરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત થવાથી ભારતની ઈંધણ સપ્લાય ચેઇનને મોટો ફાયદો થશે. લાંબા સમયથી ફસાયેલા જહાજો મુક્ત થતાં સ્થાનિક બજારમાં તેલ અને ગેસની અછત દૂર થવાની પૂરી સંભાવના છે. જોકે, ખાડી દેશોના ઇન્ફ્રાસ્ટ્રક્ચરને થયેલા નુકસાનને કારણે સપ્લાય સંપૂર્ણ સામાન્ય થવામાં સમય લાગી શકે છે, પરંતુ 18000 ક્રૂ મેમ્બર્સની સુરક્ષા સુનિશ્ચિત થતાં ભારતને મોટી રાહત મળી છે.