Loading Please Wait !!!
બાલાજી થાળમાં મોંઘી ડીશ ચેકીંગમાં લોટમાં ધનેડા નીકળ્યા!

  • બાલાજી થાળ બહારથી દેખાવમાં ખૂબ હાઈજેનિક અને સ્વચ્છ લાગતી હતી અંદર ગંદી ગોબરી.
  • પ્રીમિયમ ભોજનમાં ગંદકી : સ્વાદ નહીં, સ્વાસ્થ્ય જોખમમાં

વેસ્ટઝોનમાં આવેલી પ્રખ્યાત બાલાજી થાળ હોટલમાં ફૂડ સેફ્ટીનું ચેકિંગ 150 કિલો જથ્થાનો નાશ; 50 કિલો પૂરણપૂરીનો વાસી મસાલો : સંચાલકોનો લૂલો બચાવ

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ મનપાના ફૂડ વિભાગ દ્વારા ૧૬ જૂનના રોજ સતત બીજા દિવસે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારની આગેવાની હેઠળની ટીમે ૧૫૦ ફૂટ રિંગરોડ પર રૈયા ચોકડી પાસે વેસ્ટ ગેટમાં આવેલી પ્રખ્યાત ‘બાલાજી થાળ’ હોટલમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. આ દરોડામાં ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડાં થતા હોવાનો પર્દાફાશ થયો છે.

‘બાલાજી થાળ’ હોટેલ બહારથી ખૂબ જ હાઈજિનિક અને સ્વચ્છ લાગતી હતી, પરંતુ અંદર કિચન અને સ્ટોરેજ એરિયામાં ગંભીર બેદરકારીઓ જોવા મળી હતી. હોટેલના સ્ટોરેજમાં રહેલા રસોઈ માટે વપરાતા લોટ (આટા) માં ધનેડા જેવી જીવાત જોવા મળી હતી. આ ઉપરાંત, મસાલાના પેકેટ્સ પર કોઈ પણ પ્રકારની મેન્યુફેક્ચરિંગ કે એક્સપાયરી ડેટ લખેલી નહોતી. આવા શંકાસ્પદ અને પડતર મસાલાનો ઉપયોગ ભોજનમાં થતો હોવાનું ખૂલ્યું હતું.

ફૂડ વિભાગની ટીમે હોટેલના ફ્રિજમાં તપાસ કરતા ૫૦ કિલો પુરણપોળીનો વાસી મસાલો, અન્ય પ્રિપેર્ડ ફૂડ અને ચટણીઓનો વાસી જથ્થો પણ જપ્ત કર્યો હતો. ફૂડ સેફ્ટી ઓફિસર રાજુલ પરમારે જણાવ્યું હતું કે, હોટેલમાંથી અંદાજે ૧૦૦ થી ૧૫૦ કિલો જેટલો વાંધાજનક અને અખાદ્ય ચીજવસ્તુઓનો જથ્થો મળી આવ્યો હતો, જેનો સ્થળ પર જ નાશ કરી ડિસ્કાર્ડ કરવામાં આવ્યો છે.

આટલી મોટી બેદરકારી પકડાવા છતાં બાલાજી થાળના માલિક પૃથ્વીરાજસિંહ ઝાલાએ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે, “સામાન્ય રીતે સ્ટોરમાં જે માલ આવે છે તે તુરંત ચેક નથી કરવામાં આવતો, પરંતુ કિચનમાં લાવતી વખતે સ્ટાફ તેને સાફ કરે છે જેથી જીવાત નીકળી જાય.” તેમણે વધુમાં કહ્યું કે તેઓ ૪૦ વર્ષથી હોટેલ ઇન્ડસ્ટ્રી સાથે જોડાયેલા છે અને રોજની ૩૦૦ થી ૩૫૦ થાળી વેચાય છે. દર ૧૫ દિવસે નવો માલ આવતો હોવાથી પડતર વસ્તુનો સવાલ જ નથી અને ભવિષ્યમાં સપ્લાયરને કડક સૂચના આપવામાં આવશે.

ફૂડ વિભાગે વેપારીને નોટિસ આપી ૧૦૦૦૦ રૂપિયાનો દંડ વસૂલ્યો છે. હોટેલમાં ગ્રાહકો પાસેથી ૧ થાળીના ૩૬૦ રૂપિયા જેટલો મોટો ચાર્જ વસૂલવામાં આવે છે, તેમ છતાં આવો જીવાતવાળો અને વાસી ખોરાક પીરસાતો હોવાથી લોકોમાં ભારે રોષ છે. આવા અખાદ્ય ખોરાકથી ફૂડ પોઇઝનિંગનું જોખમ રહેલું છે. ગઈકાલે જ મેયરે કડક કાર્યવાહીના સંકેતો આપ્યા હતા, ત્યારે આરોગ્ય સાથે રમત રમતા આવા રેસ્ટોરન્ટને માત્ર દંડ પૂરતું સીમિત રાખવાને બદલે સીલ કરવામાં આવે તેવી પ્રબળ માંગ ઉઠી છે.