રિલાયન્સ મોલનો શંકાસ્પદ લોટ 425 દિવસ થયા રિપોર્ટ હજુ નથી આવ્યો !
સેમ્પલ લીધા, રિપોર્ટ ક્યાં ગયો ? રાજકોટમાં ફૂડ વિભાગ પર ઉઠ્યા ગંભીર સવાલ
-
રિલાયન્સ મોલનો લોટ અને ગાયબ રિપોર્ટ ?
-
શું ચાલી રહ્યું છે પડદા પાછળ ?
-
તંત્ર કોને બચાવી રહ્યું છે
તુષાર પાનેરીની આરોગ્ય મંત્રી સુધી ફરિયાદ
25 એપ્રિલના રોજ નોંધાયેલી ફરિયાદના Complaint No. 25142274
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગર પાલિકાના ફૂડ વિભાગની કામગીરી ફરી એકવાર સવાલોના ઘેરામાં આવી છે. શહેરમાં અખાદ્ય અને ભેળસેળયુક્ત ખાદ્ય પદાર્થો સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત વચ્ચે એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એપ્રિલ ૨૦૨૫માં લેવામાં આવેલ લોટના સેમ્પલનો રિપોર્ટ આજે સવા વર્ષ બાદ પણ જાહેર થયો નથી.
ફરિયાદી દ્વારા મળતી માહિતી મુજબ, તેઓ રાજકોટના રિલાયન્સ મોલમાં ખરીદી કરવા ગયા ત્યારે ગ્રોસરી વિભાગમાં છૂટક ચણા અને ઘઉંના લોટ સસ્તા દરે વેચાતા જોવા મળ્યા હતા. પરંતુ લોટમાંથી અસામાન્ય દુર્ગંધ આવતાં શંકા ઉભી થઈ હતી. સામાન્ય લોકો સસ્તા દરના લાલચમાં આવી આવા લોટનો ઉપયોગ કરે તો તેમના આરોગ્ય પર ગંભીર અસર થઈ શકે તેવી ભીતિ સાથે ફરિયાદીએ
બીજા જ દિવસે રાજકોટ મહાનગર પાલિકામાં લેખિત રજૂઆત કરી હતી.
આ રજૂઆતના આધારે ફૂડ વિભાગ દ્વારા લોટના સેમ્પલ લેવામાં આવ્યા અને લેબોરેટરી તપાસ માટે મોકલવામાં આવ્યા હોવાનું જણાવાયું હતું. પરંતુ આશ્ચર્યની વાત એ છે કે આજદિન સુધી આ સેમ્પલનો રિપોર્ટ જાહેર થયો નથી. ફરિયાદીએ અનેકવાર મુખ્ય આરોગ્ય અધિકારી ડો. જયેશ વાકાણીનો સંપર્ક કર્યો હોવા છતાં દર વખતે “રિપોર્ટ હજુ આવ્યો નથી” એવો જ જવાબ મળતો રહ્યો છે.
આ મામલે હવે ગંભીર પ્રશ્નો ઉભા થયા છે કે શું ખરેખર સવા વર્ષ સુધી લેબોરેટરી રિપોર્ટ અટકી શકે? કે પછી પરદા પાછળ કોઈ ગોટાળો ચાલી રહ્યો છે? જો રિપોર્ટ આવ્યો નથી તો તંત્રની કાર્યક્ષમતાની સામે સવાલ ઊભો થાય છે, અને જો રિપોર્ટ આવી ગયો હોવા છતાં જાહેર કરવામાં વિલંબ થાય છે તો પારદર્શિતાને લઈને શંકા ગાઢ બને છે.
વિશેષમાં, રાજકોટ મહાનગર પાલિકા દ્વારા તાજેતરમાં જ એક વર્ષ સુધી અખાદ્ય ખોરાક સામે કડક ડ્રાઈવ ચલાવવાની જાહેરાત કરવામાં આવી છે. ત્યારે આ પ્રકારના કેસો તંત્રની વાસ્તવિક કામગીરી પર પ્રશ્નચિહ્ન મૂકે છે.
ફરિયાદી દ્વારા ૨૫ એપ્રિલ ૨૦૨૫ના રોજ નોંધાવેલી ફરિયાદ (Complaint No. ૨૫૧૪૨૨૭૪)નો ઉલ્લેખ કરતા તેમણે રાજ્યના આરોગ્ય મંત્રીને આ મામલે તાત્કાલિક તપાસના આદેશ આપવા અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
હાલમાં આ સમગ્ર ઘટનાએ શહેરમાં ચર્ચાનો વિષય બનતા લોકોમાં એક જ પ્રશ્ન ઉઠી રહ્યો છેશું ખાદ્ય સુરક્ષા માત્ર જાહેરાતો સુધી મર્યાદિત છે કે વાસ્તવમાં પણ અમલ થાય છે?