Loading Please Wait !!!
અમેરિકા-ઈરાન શાંતિ ડીલથી ઈઝરાયલ નારાજ, ટ્રમ્પ-નેતન્યાહૂ વચ્ચે મતભેદો ખુલ્લા પડ્યા

  • નેતન્યાહૂની જીદ- "લેબેનોનમાંથી કોઈપણ કાળે પાછળ નહીં હટીએ, ઈરાનને ક્યારેય પરમાણુ હથિયાર નહીં મળે"
  • અમેરિકા-ઈરાન શાંતિ સમજૂતી બાદ નેતન્યાહૂનું કડક વલણ, "બફર ઝોનમાંથી અમે પાછળ હટવાના નથી"
  • નેતન્યાહૂ અને સંરક્ષણ મંત્રીનું આકરું નિવેદન, ટ્રમ્પ સાથેના સંબંધો પર પીએમએ કરી સ્પષ્ટતા

સિટી ન્યુઝ @ જેરૂસુલેમાન 

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબી ચર્ચાઓ બાદ આખરે શાંતિ સમજૂતી (પીસ ડીલ) થઈ ગઈ છે, પરંતુ આ નિર્ણયથી ઈઝરાયલ બિલકુલ ખુશ નથી. ઈઝરાયલે સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું છે કે તે દક્ષિણ લેબેનોનમાંથી કોઈપણ કાળે પીછેહઠ કરવાનું નથી. આ આક્રમક વલણના કારણે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઈઝરાયલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ વચ્ચેના મતભેદો હવે સાર્વજનિક થઈ ગયા છે. નેતન્યાહૂએ પણ આ વાત સ્વીકારતા ખુલ્લેઆમ કહ્યું છે કે એવું નથી કે અમેરિકા કે ઈઝરાયલ એકબીજાની તમામ વાતો માને જ છે, ઘણીવાર બંને દેશોના વિચારો સમાન હોતા નથી.

જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ તેહરાન સાથે શાંતિ સમજૂતીનો પ્રયાસ કરી રહ્યા હતા, ત્યારે લેબેનોન વિરુદ્ધ ઈઝરાયલની સતત ચાલી રહેલી આક્રમકતાએ તેમાં મોટો અવરોધ ઊભો કર્યો હતો. લેબેનોન અને બફર ઝોનને લઈને ઈઝરાયલે કડક વલણ અપનાવ્યું છે. નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે લેબેનોનમાં હિઝબુલ્લાહ સામે લડીને જે સેફ્ટી ઝોન (બફર ઝોન) બનાવ્યો છે ત્યાંથી ઈઝરાયલ ક્યારેય પાછળ હટશે નહીં અને જ્યાં સુધી જરૂર જણાશે ત્યાં સુધી સેના ત્યાં જ રહેશે. ઈઝરાયલના સંરક્ષણ મંત્રી ઇઝરાઇલ કોટ્ઝે પણ સમર્થન આપતા કહ્યું કે સીઝફાયરની જાહેરાત ભલે થઈ હોય, પણ IDF કોઈ પણ સમયમર્યાદા વિના લેબેનોન, સીરિયા અને ગાઝામાં તહેનાત રહેશે.

અમેરિકા અને ઈરાન વચ્ચેના શાંતિ કરાર પર પ્રતિક્રિયા આપતા ઈઝરાયલી પ્રધાનમંત્રીએ 15 જૂને ઈરાનને ખુલ્લી ચેતવણી આપી હતી. તેમણે કહ્યું કે, "દુનિયામાં કોઈ પણ સમજૂતી થાય, પરંતુ ઈરાન પાસે ક્યારેય પરમાણુ હથિયાર નહીં આવે. જ્યાં સુધી હું પ્રધાનમંત્રી છું ત્યાં સુધી આવું ક્યારેય બનવા નહીં દઉં." તેમણે અમેરિકાના યુદ્ધવિરામને ટ્રમ્પનો પોતાનો નિર્ણય ગણાવ્યો હતો. નોંધનીય છે કે 28 ફેબ્રુઆરીએ ઈઝરાયલે અમેરિકા સાથે મળીને આ યુદ્ધ શરૂ કર્યું હતું, પરંતુ ઈઝરાયલ વર્તમાન શાંતિ સમજૂતીનો હિસ્સો નથી.

પરમાણુ ખતરા સામે કડક વલણ નેતન્યાહૂએ સ્પષ્ટ કર્યું છે કે ઈરાનની પરમાણુ નીતિ ઈઝરાયલ માટે સૌથી મોટો ખતરો છે. શાંતિ ડીલ ભલે થઈ હોય, પરંતુ ઈરાનને પરમાણુ હથિયાર બનાવતા રોકવા માટે ઈઝરાયલ કોઈ પણ હદે જવા તૈયાર છે. ટ્રમ્પને પણ ઈઝરાયલે ભવિષ્યમાં કોઈ પરમાણુ ખતરાનો સામનો ન કરવો પડે તે સુનિશ્ચિત કરવા વિનંતી કરવામાં આવી છે, જે દર્શાવે છે કે આ ક્ષેત્રમાં તણાવ હજુ પણ યથાવત છે.