Loading Please Wait !!!
રાજુલાના ખેરામાં યુવકના પિતાનું અપહરણ અને પોલીસ પર હુમલો

» પ્રેમસંબંધની અદાવતમાં યુવતીના પરિવારે યુવકના પિતાને બાંધીને ઢોર માર માર્યો » અપહરણકર્તાઓના ચુંગાલમાંથી મુક્ત કરાવવા ગયેલી પીપાવાવ મરીન પોલીસ પર હુમલો

સિટી ન્યૂઝ@રાજુલા

અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના દરિયાકાંઠાના ખેરા ગામમાં મોડી રાત્રે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ ડહોળતી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. પ્રેમસંબંધની અદાવતમાં એક યુવકના પિતાનું અપહરણ કરીને તેમને નિર્દયતાપૂર્વક માર મારવામાં આવ્યો હતો. આટલું જ નહીં, પરંતુ જાણ થતાં તેમને બચાવવા ગયેલી પોલીસ ટીમ પર પણ હુમલો કરવામાં આવતા PSI સહિત ૪ પોલીસકર્મીઓ ઘાયલ થયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, ખેરા ગામમાં એક પ્રેમસંબંધના મામલે વિવાદ ચાલતો હતો. આ બાબતની અદાવત રાખીને યુવતીના પરિવારજનોએ યુવકના પિતા દેવશી ગુજરીયાનું મોડી રાત્રે અપહરણ કરી લીધું હતું. આરોપીઓ દેવશી ગુજરીયાને કોઈ એક સ્થળે લઈ જઈને દોરડાથી બાંધીને બેરહેમીથી ઢોર માર મારી રહ્યા હતા. આ ગંભીર ઘટનાની બાતમી પીપાવાવ મરીન પોલીસને મળતા જ PSI કે. ડી. કડિયા પોતાની ટીમ સાથે તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયા હતા.

પોલીસ ટીમે જ્યારે ઉશ્કેરાયેલા લોકોના સકંજામાંથી દેવશી ગુજરીયાને બચાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે યુવતીના પક્ષના લોકોએ પોલીસ ટીમ પર જ ઘાતક હુમલો કરી દીધો હતો. આ હુમલામાં બચાવ કામગીરી કરી રહેલા PSI કે. ડી. કડિયા તેમજ તેમની સાથેના પોલીસ કર્મચારીઓ ચંપુ પોપટ, અક્ષય મોરી અને મગન ધાપાને ઈજાઓ પહોંચી હતી.

હુમલામાં ઘાયલ થયેલા ચારેય પોલીસ કર્મચારીઓ અને યુવકના પિતા દેવશી ગુજરીયાને તાત્કાલિક સારવાર અર્થે રાજુલા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. રાજ્યના સરકારી કર્મચારીઓ પર ફરજ દરમિયાન થયેલા આ હિંસક હુમલાના પગલે અમરેલી પોલીસ બેડામાં ભારે દોડધામ મચી ગઈ હતી. ઘટનાની ગંભીરતાને જોઈને DySP નયના ગોરડીયા સહિતનો ઉચ્ચ પોલીસ કાફલો હોસ્પિટલે પહોંચ્યો હતો.

આ હુમલા અને અપહરણના સંદર્ભે કુલ ૬ ઈસમો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી છે. આ સમગ્ર ઘટના ૨ અલગ-અલગ વિસ્તારમાં ઘટી હોવાથી પીપાવાવ મરીન પોલીસ સ્ટેશન અને રાજુલા પોલીસ સ્ટેશન એમ બંને મથકોમાં ફરજમાં રૂકાવટ, રાયોટિંગ તેમજ અપહરણ સહિતની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.