વડાપ્રધાન મોદી સ્લોવાકિયા પહોંચ્યા: 12 વર્ષમાં 100મી ઐતિહાસિક વિદેશયાત્રા
- બંને દેશો વચ્ચે 11 કરારો થયા, ડિફેન્સ અને ગ્રીન એનર્જી સેક્ટરમાં સહયોગ વધારવા પર ભાર
- પીએમ રોબર્ટ ફિકો સાથે દ્વિપક્ષીય વાટાઘાટો, અત્યાર સુધીમાં 78 દેશોનો પ્રવાસ પૂર્ણ કર્યો
- ઓટોમોબાઈલ અને ટેકનોલોજીમાં ભાગીદારી વધશે, શાંતિપૂર્ણ વિશ્વ માટે બંને દેશો એક મંચ પર આવ્યા
સિટી ન્યુઝ @ બ્રાટિસ્લાવા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની ઐતિહાસિક મુલાકાત અંતર્ગત સ્લોવાકિયાની રાજધાની બ્રાટિસ્લાવા પહોંચ્યા છે. નોંધનીય છે કે સ્લોવાકિયાની મુલાકાત લેનારા તેઓ ભારતના પ્રથમ વડાપ્રધાન બની ગયા છે. આ પ્રવાસ દરમિયાન તેમણે સ્લોવાકિયાના વડાપ્રધાન રોબર્ટ ફિકો સાથે ઉચ્ચ સ્તરીય દ્વિપક્ષીય સંવાદ કર્યો હતો અને બંને દેશો વચ્ચે કુલ 11 વિવિધ કરારો પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. નરેન્દ્ર મોદીએ સંબોધનમાં સ્પષ્ટ કર્યું હતું કે બંને દેશો એકબીજાના સહયોગથી એક નવી દિશામાં કામ કરી રહ્યા છે અને ભવિષ્યમાં આ સંબંધો ઉત્તરોત્તર વધુ ગાઢ બનશે.
રોબર્ટ ફિકો સાથેની દ્વિપક્ષીય બેઠકમાં ભારત અને યુરોપિયન સંઘના ફ્રી ટ્રેડના ભાગરૂપે સ્લોવાકિયા સાથે પણ ફ્રી ટ્રેડ લાગુ કરવા અંગે સઘન ચર્ચા કરવામાં આવી હતી. આ વાટાઘાટોમાં મુખ્યત્વે ગ્રીન એનર્જી, ડિફેન્સ ટેકનોલોજી, એડવાન્સ્ડ મેન્યુફેક્ચરિંગ અને ઓટોમોબાઈલ જેવા મહત્વના સેક્ટરમાં વેપાર વધારવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે બંને દેશો વચ્ચે હવે વ્યૂહાત્મક ભાગીદારી વધશે અને પરસ્પર સન્માન તથા ભરોસાથી સંરક્ષણ ક્ષેત્રમાં મોટી પ્રગતિ થશે. દુનિયાભરમાં ચાલી રહેલા યુદ્ધો અને ઘર્ષણોનો શાંતિપૂર્ણ ઉકેલ લાવવા માટે પણ બંને નેતાઓ સહમત થયા હતા.
નરેન્દ્ર મોદીની આ ફ્રાન્સ-સ્લોવાકિયા મુલાકાત તેમની 100મી વિદેશયાત્રા બની છે. છેલ્લા 12 વર્ષના કાર્યકાળમાં તેમણે 78 દેશોનો પ્રવાસ ખેડીને 100 યાત્રાઓ પૂરી કરી છે. વર્ષ 2014 માં શપથ લીધા બાદ તેમણે પ્રથમ પ્રવાસ ભૂતાનનો કર્યો હતો અને પહેલી ટર્મમાં 49 પ્રવાસો કર્યા હતા. બીજી ટર્મમાં માલદિવ્સ અને શ્રીલંકાથી શરૂઆત કરી કુલ 27 યાત્રાઓ કરી હતી. ત્રીજી ટર્મમાં ઈટલીના પ્રવાસ બાદ આ તેમની 100મી યાત્રા છે, જેમાં તેઓ ફ્રાન્સમાં યોજાનારી જી-7 બેઠકમાં પણ વિશેષ હાજરી આપવાના છે.
12 વર્ષમાં 100 વિદેશ યાત્રાઓનો રેકોર્ડ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છેલ્લા 12 વર્ષમાં 78 વિવિધ દેશોની 100 યાત્રાઓ કરીને નવો વિક્રમ નોંધાવ્યો છે. 2014 માં પ્રથમ ટર્મ વખતે ભૂતાન પ્રવાસથી શરૂઆત કરી હતી. ત્યારબાદ બીજી ટર્મમાં 27 પ્રવાસો કર્યા હતા. હાલની ત્રીજી ટર્મમાં ઈટલીની યાત્રા બાદ ફ્રાન્સ અને સ્લોવાકિયાની આ મુલાકાત તેમની 100મી ઐતિહાસિક વિદેશ યાત્રા બની ગઈ છે જે વૈશ્વિક સ્તરે ભારતની અત્યંત મજબૂત કૂટનીતિ દર્શાવે છે.