Loading Please Wait !!!
ઈઝરાયલનો US-ઈરાન શાંતિ કરાર માનવાનો ઈનકાર

  • અમે અમેરિકાના ગુલામ નથી; પાછળ નહીં હટીએ
  • પાકિસ્તાન PMએ કહ્યું અમેરિકા-ઈરાન 19 જૂને સ્વિટ્ઝર્લેન્ડમાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે
  • ઈરાનની ત્રણ શરતો હજુ અમેરિકાએ માની નથી, અમેરિકા સાથેની ડીલનો ઈરાનમાં ઉગ્ર વિરોધ

સિટી ન્યૂઝ@તેલ અવિવ

ઈઝરાયલે અમેરિકા અને ઈરાન વચ્ચે થનારા શાંતિ કરારને માનવાનો ઈનકાર કર્યો છે. સંરક્ષણ પ્રધાને પણ કહ્યું છે કે, તેમની સેના દક્ષિણ લેબનોનમાંથી પાછી નહીં હટે. લેબનોન, સીરિયા અને ગાઝામાં બનાવેલા સુરક્ષા ઝોનમાં ઇઝરાયલી સેના અનિશ્ચિતકાળ સુધી તૈનાત રહેશે.

બીજી તરફ, ઈઝરાયલના રાષ્ટ્રીય સુરક્ષા પ્રધાન ઈતમાર બેન ગ્વીરે શાંતિ કરાર પર નારાજગી વ્યક્ત કરતા કહ્યું, “અમે અમેરિકાના ગુલામ નથી. ઇઝરાયલ એક સ્વતંત્ર દેશ છે અને રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પનો આ કરાર ઇઝરાયલ પર લાગુ પડતો નથી. આ તરફ, પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે જણાવ્યું કે અમેરિકા-ઈરાન ૧૯ જૂને સ્વિટ્ઝર્લેન્ડના જિનીવામાં શાંતિ કરાર પર હસ્તાક્ષર કરશે. જો આવું થાય છે, તો ૪૭ વર્ષમાં તેહરાન અને વોશિંગ્ટન વચ્ચે આ પ્રથમ ઉચ્ચ સ્તરીય બેઠક હશે. ઈરાન-અમેરિકા વચ્ચે થયેલા કરારનો સંપૂર્ણ દસ્તાવેજ હજુ જાહેર કરવામાં આવ્યો નથી. જોકે, ઈરાની મીડિયા અનુસાર બંને દેશો વચ્ચે થયેલા સમજૂતી કરાર (MoU)માં કેટલીક મહત્વપૂર્ણ બાબતોનો સમાવેશ થાય છે. તેમાં યુદ્ધ અને સૈન્ય કાર્યવાહી રોકવી, હોર્મુઝ સ્ટ્રેટને ફરીથી ખોલવું, અમેરિકી નૌકાદળની નાકાબંધી હટાવવી, ઈરાનના કેટલાક ફ્રીઝ કરાયેલા ભંડોળ મુક્ત કરવા.

સમજૂતી સમારોહ માટે કોઈ વિનંતી મળી નથી : સ્વિટ્ઝર્લેન્ડ સ્વિટ્ઝર્લેન્ડના એક રાજદ્વારી અધિકારીએ કહ્યું છે કે અમેરિકા અને ઈરાન વચ્ચે પ્રસ્તાવિત સમજૂતી પર હસ્તાક્ષર સમારોહ યોજવા માટે અત્યાર સુધી કોઈ સત્તાવાર વિનંતી મળી નથી. એક અધિકારીએ કહ્યું કે આટલા ઓછા સમયમાં જીનીવામાં આવો મોટો કાર્યક્રમ યોજવો પડકારજનક હોઈ શકે છે, કારણ કે પડોશી ફ્રાન્સના એવિયાંમાં ચાલી રહેલા G7 શિખર સંમેલન માટે ઘણા દેશોએ જીનીવા સ્થિત તેમના મિશનોને લોજિસ્ટિક કેન્દ્ર બનાવી રાખ્યા છે. જોકે, તેમણે એમ પણ કહ્યું કે જો ઔપચારિક વિનંતી મળે છે, તો સ્વિટ્ઝર્લેન્ડ જરૂરી વ્યવસ્થા કરવામાં સક્ષમ છે.