Loading Please Wait !!!
રાજકોટમાં છૂટ્ટા પૈસાની તંગી !

રિટેલ માર્કેટમાં પરચૂરણની ગંભીર અછત : સરકાર તાત્કાલિક નિર્ણય લે : મયૂર શાહ

નાના વેપારીઓ, રિક્ષાચાલકો, લારી-ગલ્લા વાળા અને સામાન્ય જનતાને રોજબરોજના વ્યવહારમાં ભારે હાલાકી

સિટી ન્યૂઝ@રાજકોટ

ગુજરાત સહિત દેશભરના રિટેલ માર્કેટમાં છૂટ્ટા પૈસા, સિક્કા અને નાની નોટોની અછત એક ગંભીર સમસ્યા બની રહી હોવાનું રાજકોટ કોંગ્રેસ શહેર સમિતિના મંત્રી મયુર શાહે જણાવ્યું છે. તેમણે સરકારને આ મુદ્દે તાત્કાલિક પ્રજાલક્ષી નિર્ણય લેવા અપીલ કરી છે.

મયુર શાહે જણાવ્યું હતું કે આ સમસ્યાનો સીધો પ્રભાવ સામાન્ય નાગરિકો અને નાના વેપારીઓ પર પડી રહ્યો છે. શાકભાજી વેચનારાઓ, પાન-ચાની લારીઓ, દૂધ વિક્રેતાઓ, ઓટો-રિક્ષા ચાલકો સહિત રિટેલ વ્યવસાય સાથે સંકળાયેલા લોકો રોજિંદા વ્યવહારોમાં મુશ્કેલી અનુભવી રહ્યા છે.

તેમણે જણાવ્યું કે ઘણી વખત ગ્રાહક પાસે મોટી નોટ હોય છે અને વેપારી પાસે પરચૂરણ ન હોવાને કારણે વ્યવહારમાં વિલંબ થાય છે. પરિણામે ગ્રાહકો અને વેપારીઓ વચ્ચે બોલાચાલી અને તણાવ જેવી પરિસ્થિતિ પણ સર્જાય છે, જે ચિંતાજનક છે.

ડિજિટલ ઈન્ડિયાના યુગમાં પણ દેશના મોટા ભાગના વિસ્તારોમાં રોકડ વ્યવહારનું પ્રમાણ હજુ પણ નોંધપાત્ર છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારો અને નાના શહેરોમાં નાની નોટો અને સિક્કાઓની અછત વેપાર અને રોજિંદા જીવનને અસર કરે છે.

મયુર શાહે સરકારને અપીલ કરી છે કે રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા અને જાહેર ક્ષેત્રની બેન્કો સાથે સંકલન કરીને તમામ બેન્ક શાખાઓમાં ૧૦, ૨૦, ૫૦ અને ૧૦૦ની નોટો તેમજ સિક્કાઓ પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ કરાવવાની વ્યવસ્થા કરવામાં આવે. સાથે જ વેપારીઓ માટે વિશેષ પરચૂરણ કાઉન્ટર શરૂ કરવા અને નાની નોટોનું નિયમિત વિતરણ વધારવા જેવા પગલાં લેવા જોઈએ.

તેમણે વધુમાં જણાવ્યું કે અનેક બેન્કોમાં ગ્રાહકોને નાની નોટો આપવા અનિચ્છા દર્શાવવામાં આવે છે, જે બાબત ગંભીર છે. આ અંગે સરકાર અને આરબીઆઈએ કડક માર્ગદર્શન આપીને બેન્કિંગ તંત્રને વધુ જવાબદાર બનાવવું જોઈએ.

તેમના જણાવ્યા મુજબ, છૂટ્ટા પૈસાની સમસ્યા માત્ર નાણાકીય નહીં પરંતુ સામાજિક અને વ્યવહારિક પ્રશ્ન પણ છે. જો આ સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવવામાં આવે, તો બજારમાં વ્યવહારો સરળ બનશે અને ગ્રાહકો તથા વેપારીઓ વચ્ચેનો તણાવ ઘટશે.

અંતમાં તેમણે રાજ્ય અને કેન્દ્ર સરકારને આ મુદ્દે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અપીલ કરી છે, જેથી સામાન્ય નાગરિકોને રોજિંદી મુશ્કેલીઓમાંથી રાહત મળી શકે.