અમેરિકા-ઈરાન શાંતિ કરારમાં 5મા મુદ્દાની મોટી એન્ટ્રી: હોર્મુઝ ખાડીમાં ટોલ ટેક્સના ભણકારા
- આગામી 60 દિવસ સુધી જહાજોને મળશે મફત એન્ટ્રી, ત્યારબાદ નવા મેનેજમેન્ટ સિસ્ટમ હેઠળ લાગી શકે છે ટેક્સ
- યુદ્ધવિરામ બાદ હવે દરિયાઈ વેપારના બદલાશે સમીકરણો, ઈરાન-ઓમાન સાથે મળીને કરશે પ્લાનિંગ
- 30 દિવસમાં હટાવાશે સૈન્ય અડચણો, 60 દિવસ પછી લેવાઈ શકે છે ટેક્સ વસૂલાતનો મોટો નિર્ણય
સિટી ન્યુઝ @ દુબઈ
અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધ સમાપ્ત કરવા માટે હસ્તાક્ષર કરાયેલા 14 મુદ્દાના શાંતિ કરાર (MoU) ની ચર્ચાઓ હવે વૈશ્વિક સ્તરે તેજ બની છે. આ કરારમાં હોર્મુઝની ખાડીને ફરીથી ખોલવા અને પ્રતિબંધો હળવા કરવા જેવી મહત્વની જોગવાઈઓ સામેલ છે. જોકે, આ કરારનો 5મો મુદ્દો સૌથી વધુ ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં જહાજો માટે 60 દિવસ સુધી ટોલ-ફ્રી અવરજવરની જોગવાઈ છે, પરંતુ ત્યારબાદ નવા મેનેજમેન્ટ હેઠળ ટોલ ટેક્સ વસૂલવાની શક્યતાઓને નકારી શકાતી નથી.
કરાર મુજબ, ઈરાન આગામી 30 દિવસમાં દરિયાઈ માર્ગે બિછાવેલી બારૂદી સુરોંગો (Landmines) અને ટેકનિકલ-સૈન્ય અડચણો દૂર કરશે. ત્યારબાદ, કોમર્શિયલ જહાજો કોઈપણ પ્રકારના ટોલ ટેક્સ વિના 60 દિવસ સુધી સુરક્ષિત રીતે પર્શિયન ખાડી અને ઓમાન સાગર વચ્ચે અવરજવર કરી શકશે. આ સમયગાળા બાદ, ઈરાન અને ઓમાન તથા અન્ય તટવર્તી દેશો સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટના આગળના સંચાલન અંગે નવી મેનેજમેન્ટ સિસ્ટમ તૈયાર કરશે, જેમાં ટોલ ટેક્સ વસૂલવાની પ્રબળ સંભાવના રહેલી છે.
હોર્મુઝ સ્ટ્રેટ એ વિશ્વનો સૌથી વ્યસ્ત અને મહત્વનો દરિયાઈ માર્ગ છે, જ્યાંથી વિશ્વનું 20% ક્રૂડ ઓઇલ સપ્લાય થાય છે. 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા યુદ્ધને કારણે આ માર્ગ બંધ થતા વૈશ્વિક સપ્લાય ચેઇન ખોરવાઈ ગઈ હતી અને તેલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. હવે આ કરાર દ્વારા શાંતિ સ્થાપવાના પ્રયાસો તો થયા છે, પરંતુ પાંચમા મુદ્દાનો સ્પષ્ટ અર્થ એ છે કે, 60 દિવસની શાંતિ બાદ આંતરરાષ્ટ્રીય કાયદાઓ અને સાર્વભૌમ અધિકારોને ધ્યાનમાં રાખીને હોર્મુઝ માર્ગના સંચાલન માટે નવા કડક નિયમો અમલી બની શકે છે, જે વૈશ્વિક તેલના ભાવ અને લોજિસ્ટિક્સ ખર્ચ પર લાંબાગાળાની અસર કરી શકે છે.
કરારના મુખ્ય પાસાઓ
-
30 દિવસની સમયમર્યાદા: દરિયાઈ માર્ગની અડચણો અને બારૂદી સુરંગો હટાવવા માટે ઈરાનને અપાયેલ સમય.
-
60 દિવસનો પીસ પિરિયડ: ટોલ ટેક્સ વગર કોમર્શિયલ જહાજોની સુરક્ષિત અવરજવરની ખાતરી.
-
નવું મેનેજમેન્ટ: 60 દિવસ પછી ઈરાન અને તટવર્તી દેશો સાથે મળીને હોર્મુઝ સ્ટ્રેટના સંચાલન માટે નવી સિસ્ટમ બનાવશે, જેમાં ટોલ ટેક્સનો નિર્ણય લેવાઈ શકે છે.
-
વૈશ્વિક અસર: હોર્મુઝ એ દુનિયાનો 20% ક્રૂડ ઓઇલ સપ્લાય રૂટ હોવાથી, અહીં લેવાતા કોઈપણ નિર્ણયથી વૈશ્વિક ઇંધણના ભાવ પર સીધી અસર પડશે.