અમેરિકન સાંસદ ઇલ્હાન ઉમરનું ભારત વિરોધી ઝેર, પાયાવિહોણા આરોપોથી ફરી ચર્ચામાં
- લઘુમતીઓ અંગે ભારત પર નરસંહારનો ગંભીર આરોપ, ઇલ્હાન ઉમરના વિવાદાસ્પદ નિવેદનથી વિવાદ
- કોઈપણ પુરાવા વિના પીએમ મોદીના વહીવટ પર ગંભીર આક્ષેપ, સોશિયલ મીડિયા પર આક્રોશ
- આઝાદી બાદ ભારતમાં લઘુમતીઓની વસ્તીમાં વધારો, વિદેશ મંત્રાલય અગાઉ આપી ચૂક્યું છે જડબાતોડ
સિટી ન્યુઝ @ વોશિંગ્ટન
અમેરિકામાં 'ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ' (IAMC) દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં અમેરિકન ડેમોક્રેટિક પાર્ટીના સાંસદ ઇલ્હાન ઉમરે ફરી એકવાર ભારત વિરોધી નિવેદન આપીને વિવાદ ઉભો કર્યો છે. કોઈપણ સત્તાવાર આંકડા કે મજબૂત પુરાવા આપ્યા વિના ઇલ્હાન ઉમરે ભારત પર લઘુમતીઓના નરસંહારનો ગંભીર આરોપ લગાવ્યો છે. તેમણે દાવો કર્યો છે કે ભારત નરસંહારના 'આઠમા તબક્કા'માં પહોંચી ગયું છે. ઇલ્હાન ઉમર અગાઉ પણ કાશ્મીર અને અન્ય મુદ્દે ભારત વિરોધી વલણ અપનાવવા માટે જાણીતા રહ્યા છે.
પોતાના નિવેદનમાં ઇલ્હાન ઉમરે 'જીનોસાઇડ વોચ'ના સ્થાપક ગ્રેગરી એચ. સ્ટેન્ટનની થિયરીનો હવાલો આપીને આઠમા તબક્કાનો ઉલ્લેખ કર્યો હતો, જેનો અર્થ તેઓ 'ઉત્પીડન' સાથે જોડે છે. જોકે, ભારત સરકારે અગાઉ પણ આવા પાયાવિહોણા આરોપોનો આકરો જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના તથ્યો મુજબ, આઝાદી સમયે ભારતમાં લઘુમતીઓની વસ્તી 11% હતી, જે આજે વધીને 20%થી વધુ થઈ ગઈ છે. દુનિયાના અન્ય દેશોની તુલનામાં ભારતમાં લઘુમતીઓના અધિકારો વધુ સુરક્ષિત હોવાનું સ્પષ્ટપણે સાબિત થયું છે.
જે સંસ્થા IAMC ના મંચ પરથી આ નિવેદન આપવામાં આવ્યું, તે અમેરિકામાં એક વિવાદાસ્પદ સંસ્થા તરીકે જોવામાં આવે છે. આ સંસ્થા ભારતને 'વિશેષ ચિંતાનો દેશ' જાહેર કરવાની માંગણી કરતી રહી છે અને અવારનવાર ભારતના ટોચના નેતાઓ પર પ્રતિબંધો લગાવવાની પેરવી પણ કરતી હોય છે. મૂળ સોમાલિયાના ઇલ્હાન ઉમરના આવા નિવેદનો અમેરિકા અને ભારત વચ્ચેના કૂટનીતિક સંબંધોને પ્રભાવિત કરવાનો પ્રયાસ ગણવામાં આવે છે. ટ્રમ્પ સહિતના અમેરિકન નેતાઓ પણ ઇલ્હાન ઉમરના વલણ સામે અગાઉ સવાલો ઉઠાવી ચૂક્યા છે.
ભારતની સ્થિતિ અને વૈશ્વિક દ્રષ્ટિકોણ ભારત સરકારે પાયાવિહોણા આરોપોને ફગાવતા જણાવ્યું છે કે લઘુમતીઓની વધતી વસ્તી જ તેમની સુરક્ષા અને સમૃદ્ધિનું જીવંત ઉદાહરણ છે. ભારત લોકશાહી અને સર્વધર્મ સમભાવમાં માનતો દેશ છે, જ્યાં તમામ સમુદાયોને સમાન અધિકારો પ્રાપ્ત છે. બાહ્ય દેશોના નેતાઓ દ્વારા કરવામાં આવતી ટિપ્પણીઓને ભારત હંમેશા પોતાની આંતરિક બાબતોમાં હસ્તક્ષેપ ગણે છે અને તેને સખત શબ્દોમાં નકારે છે.