RMC આવાસ વિભાગમાં તાનાશાહી; 14 કર્મચારીઓની 15 મહિનામાં 13 ટ્રાન્સફર
- આંતરિક બદલીથી કામગીરી ઠપ્પ
- મેનેજરથી કર્મચારીઓ કંટાળી ગયા
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાનગરપાલિકાની આવાસ યોજનામાં આંતરિક તણાવ હવે ખુલ્લેઆમ સામે આવ્યો છે. વિભાગના કર્મચારીઓએ મેનેજર સૂર્યપ્રતાપસિંહ સામે ગંભીર આક્ષેપો લગાવતા મનપા કમિશનરને લેખિત ફરિયાદ નોંધાવી છે.
મળતી માહિતી મુજબ, આવાસ યોજનાના માત્ર ૧૪ કર્મચારીઓની છેલ્લા ૧૫ મહિનામાં ૧૩ વખત બદલી કરવામાં આવી છે. દર મહિને થતી આ આંતરિક બદલીને કારણે વિભાગની કામગીરી ઠપ્પ થઈ ગઈ હોવાનો કર્મચારીઓનો આરોપ છે.કર્મચારીઓનું કહેવું છે કે વારંવારની બદલીને કારણે કોઈપણ પ્રોજેક્ટ પર સતત કામ શક્ય બનતું નથી. પરિણામે આવાસ યોજનાના કામોમાં વિલંબ અને ગડબડ સર્જાઈ રહી છે. કર્મચારીઓએ વધુમાં આક્ષેપ કર્યો છે કે મેનેજર દ્વારા નાની-નાની બાબતોમાં શો-કોઝ નોટિસ આપવામાં આવે છે અને કોર્ટ કાર્યવાહી કરવાની ધમકી આપવામાં આવે છે, જેના કારણે સ્ટાફમાં ભયનો માહોલ સર્જાયો છે. આક્ષેપ છે કે ૫ થી ૧૦ મિનિટ મોડું થવા પર કર્મચારીઓની અડધા દિવસની રજા કપાઈ જાય છે, જ્યારે બીજી તરફ મેનેજર ખુદ ખાનગી તબીબનું સર્ટિફિકેટ રજૂ કરીને રજા ભોગવે છે. આ દ્વિધા વલણથી કર્મચારીઓમાં ભારે અસંતોષ ફેલાયો છે. આ સમગ્ર મામલે હવે કર્મચારીઓએ મનપા કમિશનરને લેખિત અરજી કરી છે અને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરી છે.