મહાપાલિકામાં ‘પતિ રાજ’મોડ ‘ON’; દખલગીરી શરૂ?
વિકાસકામોની કોર્પોરેટરની બેઠકમાં પતિઓની એન્ટ્રી : લોકશાહીની મજાક ?
-
મહિલા સશક્તિકરણ કે પતિ સશક્તિકરણ? રાજકોટમાં ઊંધો ખેલ !
-
મહિલાઓને પ્રજા મત આપી કોર્પોરેટર બનાવ્યા પણ તેમના પતિઓ ચલાવે રાજ ?
સિટી ન્યૂઝ@રાજકોટ
રાજકોટ મહાપાલિકામાં ફરી એકવાર વહીવટી મર્યાદાના લીરેલીરા ઉડ્યા હોવાની અને 'પતિરાજ' વ્યાપી ગયું હોવાની ચોંકાવનારી વિગત સામે આવી છે. લોકશાહીમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને જ સરકારી બેઠકોમાં ભાગ લેવાનો અધિકાર છે, પરંતુ રાજકોટ મનપામાં નિયમોને નેવે મૂકીને મહિલા કોર્પોરેટરોના પતિદેવો પણ વહીવટી ગતિવિધિઓમાં સીધો હસ્તક્ષેપ કરી રહ્યા હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે વોર્ડ નં ૨ ના વિવિધ વિકાસકાર્યોના આયોજન અને સમીક્ષા માટે મનપાના અધિકારીઓની સાથે એક મહત્વની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સરકારી બેઠકમાં વોર્ડ નંબર ૨ ના મહિલા કોર્પોરેટરોની સાથે તેમના પતિદેવો પણ સત્તાધારી રૂઆબ સાથે હાજર જોવા મળતા મનપાના રાજકારણમાં અને વહીવટી આલમમાં ભારે ખળભળાટ મચી ગયો છે.
મળતી વિગતો મુજબ, વોર્ડ નંબર ૨ ના વિકાસકાર્યો અંગે સ્થાનિક પ્રશ્નોના નિકાલ માટે ગઈકાલે મહાપાલિકાનાં જવાબદાર અધિકારીઓ સાથે એક સત્તાવાર રિવ્યુ બેઠક બોલાવવામાં આવી હતી. આ બેઠકનો મુખ્ય હેતુ વિસ્તારની જનતાની સુખાકારી માટેના કામોની ચર્ચા કરવાનો હતો. નિયમ મુજબ આ બેઠકમાં માત્ર ચૂંટાયેલા કોર્પોરેટરો અને મનપાના સત્તાવાર અધિકારીઓએ જ હાજર રહેવાનું હોય છે. પરંતુ આ ગંભીર અને સત્તાવાર વહીવટી પ્રક્રિયામાં ખુલ્લેઆમ ભંગ થતો જોવા મળ્યો હતો.
વોર્ડ નંબર ૨ ના મહિલા કોર્પોરેટર દક્ષાબેન વાઘેલાના પતિ અને અન્ય મહિલા કોર્પોરેટર મીનાબા જાડેજાના પતિ પણ આ બેઠકમાં હાજર રહ્યા હતા. બંને મહિલા નગરસેવકોનાં પતિ હાજર હોવાના ફોટાઓ સોશિયલ મીડિયામાં સામે આવ્યા છે. પ્રજાએ જે કોઈ મહિલા ઉમેદવારોને પોતાના પ્રતિનિધિ તરીકે મતાધિકાર આપીને ચૂંટ્યા છે, તેમના બદલે તેમના પતિદેવો સરકારી તંત્ર પર રોફ જમાવતા હોય તેવું ચિત્ર અહીં ઉપસી આવ્યું છે.
સરકારી અને વહીવટી પ્રોટોકોલ મુજબ કોઈપણ બિન-ચૂંટાયેલી કે બિન-સત્તાવાર વ્યક્તિ આવી હાઈ-લેવલ કમિટી કે રિવ્યુ મીટિંગનો હિસ્સો બની શકે નહીં. આમ છતાં, અધિકારીઓની હાજરીમાં જ આ બંને કોર્પોરેટર પતિઓ બેઠકમાં સામેલ થયા, જે મનપાના નબળા વહીવટ અને રાજકીય દબાણની સાબિતી આપે છે.
આ ઘટના સામે આવ્યા બાદ મહાનગરપાલિકાના વિપક્ષ અને જનતામાં તીવ્ર આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકો સવાલ ઉઠાવી રહ્યા છે કે જો વહીવટ પતિદેવોએ જ ચલાવવો હોય તો ચૂંટણીમાં મહિલા અનામત બેઠકોનો શો અર્થ છે? સ્થાનિક સ્તરે ચર્ચા છે કે મહિલા સશક્તિકરણના મોટા-મોટા દાવાઓ વચ્ચે રાજકોટ RMC માં વાસ્તવિકતા તદ્દન અલગ છે, જ્યાં મહિલા કોર્પોરેટરો માત્ર નામ પૂરતા જ પદ પર છે અને અસલી સત્તાનો દોર તેમના પતિઓ સંભાળી રહ્યા છે. આ ગંભીર બેઠકમાં હાજર રહેલા મનપાના અધિકારીઓ પણ કયા દબાણ હેઠળ આ બિન-સત્તાવાર વ્યક્તિઓને બેઠકમાં બેસવા દીધા, તે પણ તપાસનો વિષય બન્યો છે. આ વિવાદ આગામી દિવસોમાં મનપાના જનરલ બોર્ડમાં પણ ગાજે તેવી પૂરેપૂરી શક્યતા છે.
આ મામલે દક્ષાબેન વાઘેલાએ દિવ્યભાસ્કર સાથે કરેલી ટેલીફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે, સામાન્ય રીતે જનરલ બોર્ડ અને સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં પતિને સાથે લઈ જવાની મનાઈ હોય છે. આવી બેઠકમાં તેમને સાથે લઈ જવાશ કે નહીં તેનો મને ખ્યાલ નહોતો એટલે અમારા વોર્ડનાં વિકાસને લગતી આ બેઠકમાં હું તેમને સાથે લઈ ગઈ હતી. હું કોઈ બેઠકમાં તેમને સાથે લઈ ગઈ હોય તેવું પ્રથમવાર બન્યું છે.
બીજીતરફ મીનાબા જાડેજાને દિવ્યભાસ્કરે કોલ કરતા આ કોલ જ તેમના પતિ અજયસિંહે જ ફોન ઉપાડ્યો હતો. અને પ્રથમ તો બેઠક દરમિયાન પોતે બહાર ઉભા હોવાનું જણાવ્યું હતું. જોકે દિવ્યભાસ્કરે આ બેઠકના ફોટામાં તેઓ સાથે બેઠા હોવાનું કહેતા જણાવ્યું હતું કે વોર્ડનાં વિકાસ કામો માટેની આ બેઠક હતી. જેમાં હું તેમની સાથે ગયો હતો. નિયમ મુજબ સાથે જઈ શકાય નહીં પરંતુ ત્યાંથી અમારે બંનેને બહાર જવાનું હોવાથી હું સાથે બેઠો હતો.