Loading Please Wait !!!
રાજકોટમાં એક પણ હોર્ડિંગ્સ જોખમી નહીં !

મોટો દાવો : તંત્રની કામગીરીથી શહેરીજનોમાં હાશકારો

  • પવન-વરસાદ સામે મજબૂત હોર્ડિંગ્સ !

  • મહાપાલિકાની ચકાસણીમાં ક્લીનચીટ

  • મહાપાલિકાની વિશેષ ચકાસણીમાં તમામ મુખ્ય હોર્ડિંગ્સ સુરક્ષિત જાહેર

  • સ્ટ્રક્ચર, ફાસ્ટનિંગ, વાયરિંગ અને બેઝ સ્ટ્રેન્ગથની કરાઈ ચકાસણી

  • પવનનો વેગ અને વરસાદના ભારને સહન કરી શકે એમ ડિઝાઇન

  • શહેરીજનોની સુરક્ષા માટે તંત્ર સતત સજાગ

સુરક્ષિત હોર્ડિંગ્સ... સુરક્ષિત રાજકોટ... અમારો સંકલ્પ, તમારી સુરક્ષા

સિટી ન્યૂઝ@રાજકોટ

રાજકોટ શહેરમાં ચોમાસાની સિઝન દરમિયાન હોર્ડિંગ્સને લઈને લોકોમાં રહેતી ભયભાવના આ વર્ષે ઓછી થઈ હોવાનું જણાઈ રહ્યું છે. રાજકોટ મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગ દ્વારા શહેરમાં કરવામાં આવેલી ચકાસણી દરમિયાન એકપણ હોર્ડિંગ જોખમી હાલતમાં નથી હોવાનું સામે આવ્યું છે. મહાપાલિકાના અધિકારી એમ એ ગાંધી ના જણાવ્યા મુજબ, સમગ્ર શહેરમાં વિવિધ વિસ્તારોમાં લગાવવામાં આવેલા હોર્ડિંગ્સની સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી (મજબૂતી)ની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કોઈપણ હોર્ડિંગથી તાત્કાલિક જોખમ ઊભું થાય તેવી સ્થિતિ જોવા મળી નથી. પરિણામે,

આ વર્ષે એકપણ એડવર્ટાઈઝિંગ એજન્સીને નોટિસ આપવામાં આવી નથી.મહાપાલિકાએ એડ એજન્સીઓને સ્પષ્ટ સૂચના આપી છે કે બિલ્ડિંગની મજબૂતી અને ટેક્નિકલ માપદંડોને ધ્યાનમાં રાખીને જ હોર્ડિંગ્સ સ્થાપિત કરવા. સાથે જ, જો વાવાઝોડા કે ભારે પવનના કારણે કોઈ હોર્ડિંગ પડી જાય અને જાનમાલને નુકસાન થાય, તો તેની સંપૂર્ણ જવાબદારી સંબંધિત એડ એજન્સીની રહેશે. મહાપાલિકાની આ કામગીરીથી શહેરના નાગરિકોમાં હાશકારો જોવા મળી રહ્યો છે. દર વર્ષે ચોમાસા દરમિયાન હોર્ડિંગ્સ પડવાની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે આ વર્ષે થયેલી કડક ચકાસણીને લોકો સકારાત્મક પગલું માની રહ્યા છે.