હિંદ મહાસાગરમાં પાકિસ્તાની નાપાક ચાલ: બંગાળની ખાડીમાં સબમરીન તહેનાત કરવાની ધમકી
સિટી ન્યુઝ @ નવી દિલ્હી
પાકિસ્તાન પોતાની નૌસેનાની તાકાત વધારવા અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં પ્રભાવ પાડવા માટે એક મોટી વ્યૂહાત્મક યોજના પર કામ કરી રહ્યું છે. પાકિસ્તાને ચીન નિર્મિત નવી 'હંગોર-ક્લાસ' સબમરીન પોતાના કાફલામાં સામેલ કરી છે અને હવે તે બંગાળની ખાડીમાં પોતાની ઉપસ્થિતિ મજબૂત કરવાના દાવા કરી રહ્યું છે. 1971ના યુદ્ધ પછી આ પ્રથમ વખત છે જ્યારે પાકિસ્તાન આ વિસ્તારમાં આટલી મોટી નૌસેના ગતિવિધિ કરવા જઈ રહ્યું છે. એર-ઇન્ડિપેન્ડન્ટ પ્રોપલ્શન (AIP) ટેક્નોલોજીથી સજ્જ આ સબમરીન લાંબો સમય સુધી પાણીની નીચે રહી શકે છે અને તેને શોધવી રડાર પર મુશ્કેલ છે.
પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેના બદલાતા સૈન્ય સંબંધો ભારત માટે ચિંતાનો વિષય છે. 2024માં શેખ હસીના સરકારના પતન બાદ બાંગ્લાદેશ અને પાકિસ્તાન વચ્ચે આર્થિક અને સંરક્ષણ ક્ષેત્રે નિકટતા વધી છે, જેનો લાભ પાકિસ્તાન ઉઠાવવા માંગે છે. ચટગાંવ બંદરે પાકિસ્તાની યુદ્ધ જહાજનું આગમન અને સૈન્ય કરાર અંગેની વાતો સૂચવે છે કે પાકિસ્તાન પોતાની નૌસેના પહોંચ વધારવા માંગે છે. બંગાળની ખાડી ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ છે, કારણ કે અહીં ભારતની પૂર્વીય નૌસેના કમાન આવેલી છે.
જોકે, સંરક્ષણ નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનની આ હરકતથી બંગાળની ખાડીમાં પાવર બેલેન્સમાં કોઈ મોટો ફેરફાર નહીં આવે. ભારતીય નૌસેના પાસે આજે પરમાણુ સંચાલિત સબમરીન અને એરક્રાફ્ટ કેરિયર્સ જેવી આધુનિક ક્ષમતાઓ ઉપલબ્ધ છે. ભારત પોતાના અંદમાન અને નિકોબાર દ્વીપસમૂહની આસપાસ સતત સુરક્ષા વધારી રહ્યું છે. વધુમાં, તારિક રહેમાનના નેતૃત્વમાં ભારત-બાંગ્લાદેશના દ્વિપક્ષીય સંબંધોમાં સુધારો પાકિસ્તાનના આ મનસૂબાઓ પર પાણી ફેરવી શકે છે. ભારત પોતાની સુરક્ષા અને વ્યૂહાત્મક હિતોને લઈને સંપૂર્ણ સજ્જ છે.
સુરક્ષા સમીક્ષા
પાકિસ્તાનની નવી 'હંગોર-ક્લાસ' સબમરીન યોજનામાં કુલ આઠ સબમરીનનો સમાવેશ થાય છે, જે જૂની અગોસ્ટા સબમરીનને બદલશે. AIP ટેક્નોલોજી તેમને દુશ્મનના રડારથી બચવામાં મદદ કરશે. બંગાળની ખાડી એ ભારતની ઊર્જા અને વ્યાપારિક લાઈફલાઈન છે, તેથી અહીં પાકિસ્તાનની ગતિવિધિ ભારત માટે સતર્ક રહેવાની જરૂરિયાત દર્શાવે છે. છતાં, ભારતીય નૌસેનાની ક્ષમતા અને અંદમાન-નિકોબારથી થતી દેખરેખ પાકિસ્તાનના તમામ પડકારોનો સામનો કરવા માટે સક્ષમ છે.