Loading Please Wait !!!
અમેરિકા-ઈરાન વચ્ચે ઐતિહાસિક શાંતિ કરાર: 14 મુદ્દામાં સમજાય આખું ગણિત

  • હોર્મુઝ સ્ટ્રેટ 60 દિવસ સુધી ટોલ-ફ્રી, ઈરાન પરથી હટશે તમામ આર્થિક પ્રતિબંધો
  • પરમાણુ હથિયાર ન બનાવવાની ઈરાનની ખાતરી, વિશ્વને મળશે સ્થિર ઓઇલ સપ્લાય
  • નૌકાદળની નાકાબંધી હટશે, 60 દિવસમાં આખરી શાંતિ કરાર પૂર્ણ કરવાની કવાયત

સિટી ન્યુઝ @ નવી દિલ્હી 

અમેરિકા અને ઈરાન વચ્ચે લાંબા સમયથી ચાલી આવતા સૈન્ય તણાવ અને યુદ્ધની સ્થિતિનો સત્તાવાર રીતે અંત આવ્યો છે. બંને દેશો વચ્ચે થયેલા 14 મુદ્દાઓના ઐતિહાસિક શાંતિ કરાર (MoU) ને જાહેર કરવામાં આવ્યો છે, જે વૈશ્વિક સ્તરે સુરક્ષા અને આર્થિક સ્થિરતા માટે મહત્વપૂર્ણ માનવામાં આવે છે. આ કરાર હેઠળ બંને દેશોએ તમામ મોરચે સૈન્ય પ્રવૃત્તિઓ બંધ કરવાનો નિર્ણય લીધો છે અને પરસ્પર સાર્વભૌમત્વનું સન્માન કરવાની ખાતરી આપી છે.

કરારના સૌથી મહત્વના પાસાઓમાં હોર્મુઝની ખાડીને ફરીથી શરૂ કરવાનો અને નૌકાદળની નાકાબંધી હટાવવાનો સમાવેશ થાય છે. ઈરાન 30 દિવસની અંદર દરિયાઈ માર્ગની સુરક્ષા સુનિશ્ચિત કરશે, જેના બદલામાં કોમર્શિયલ જહાજો 60 દિવસ સુધી 'ટોલ ફ્રી' પસાર થઈ શકશે. આર્થિક મોરચે, અમેરિકા ઈરાન પરના તમામ આર્થિક પ્રતિબંધો હટાવશે અને પ્રાદેશિક સહયોગીઓ સાથે મળીને 300 અબજ ડૉલરનું આર્થિક પેકેજ તૈયાર કરશે. ઈરાને પણ ભવિષ્યમાં પરમાણુ હથિયાર ન બનાવવાની સત્તાવાર ખાતરી આપી છે.

આ સમગ્ર પ્રક્રિયાની દેખરેખ માટે એક 'એક્ઝિક્યુટિવ મેકેનિઝમ' (નિરીક્ષણ સમિતિ) ની સ્થાપના કરવામાં આવશે, જે કરારના નિયમોનું ચુસ્ત પાલન સુનિશ્ચિત કરશે. આ ઐતિહાસિક સમજૂતીને સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની સત્તાવાર મંજૂરી મેળવીને વૈશ્વિક કાયદેસરતા આપવામાં આવશે. પ્રતિબંધો હટાવવાની પ્રક્રિયાના ભાગરૂપે ઈરાનની વિશ્વભરમાં ફ્રીઝ થયેલી અસ્કયામતો પણ તબક્કાવાર મુક્ત કરવામાં આવશે, જે ઈરાનના પુનર્વસન અને આર્થિક વિકાસ માટે એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે.

કરારના મુખ્ય 14 બિંદુઓનો સારાંશ શાંતિ કરારના મુખ્ય મુદ્દાઓમાં સૈન્ય કાર્યવાહીનો કાયમી અંત, આંતરિક બાબતોમાં અહસ્તક્ષેપ અને 60 દિવસમાં આખરી શાંતિ ડીલ પૂર્ણ કરવાનો લક્ષ્ય છે. અમેરિકા 30 દિવસમાં નાકાબંધી હટાવશે અને ઈરાન હોર્મુઝ સ્ટ્રેટને 60 દિવસ માટે સુરક્ષિત અને ટોલ-ફ્રી બનાવશે. 300 અબજ ડૉલરની આર્થિક સહાય, તમામ આર્થિક પ્રતિબંધોમાંથી મુક્તિ, પરમાણુ હથિયાર ન બનાવવાની ખાતરી અને ફ્રીઝ થયેલી સંપત્તિ મુક્ત કરવાનો નિર્ણય વૈશ્વિક અર્થતંત્ર માટે રાહતરૂપ છે. યુએન સુરક્ષા પરિષદની દેખરેખ હેઠળ આ કરાર અમલી બનશે.