Loading Please Wait !!!
અત્યાર સુધીમાં NEETના 14 વિદ્યાર્થીઓની આત્મહત્યા

 

  • કોયંબતૂરની ઘટના
  • ‘ફરી પરીક્ષા આપતા ડર લાગે છે’ લખી આપઘાત કર્યો
  • 19 વર્ષની અનુકીર્તનાએ આત્મહત્યા કરી
  • મારા પિતાએ મારા પર ઘણા પૈસા ખર્ચ કર્યા હું તેમનો સામનો કેવી રીતે કરીશ

સીટી ન્યૂઝ@તમિલનાડુ

તમિલનાડુના કોઈમ્બતુરમાં NEETની તૈયારી કરી રહેલી ૧૯ વર્ષીય અનુકીર્તનાએ બુધવારે આત્મહત્યા કરી લીધી. આત્મહત્યા કરતા પહેલા તેણે પોતાના સંબંધીને વોટ્સએપ પર લખ્યું કે મને ફરીથી પરીક્ષા આપતા ડર લાગી રહ્યો છે. મારા પિતાએ મારા પર ઘણા પૈસા ખર્ચ કર્યા છે. હું તેમનો સામનો કેવી રીતે કરી શકીશ.

તેણે વધુમાં લખ્યું કે હું મેડિકલ કોલેજમાં પ્રવેશની રાહ જોઈ રહી હતી, પરંતુ પરીક્ષા રદ્દ થઈ ગઈ. અનુકીર્તના કોઈમ્બતુરના પાર્ક ટાઉનની રહેવાસી હતી. તેના પિતા ટ્રેડ યુનિયનના જિલ્લા સચિવ છે. પરિવારમાં તેમની બે દીકરીઓ છે અને અનુકીર્તના મોટી દીકરી હતી. પરિવારજનોએ પોસ્ટમોર્ટમ બાદ અનુકીર્તનાનો મૃતદેહ લેવાનો ઇનકાર કર્યો અને કેન્દ્રીય શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની માંગ કરી. બાદમાં અધિકારીઓ સાથે વાતચીત કર્યા પછી બુધવારે રાત્રે તેમણે મૃતદેહ સ્વીકારી લીધો હતો.

છેલ્લા બે દિવસમાં NEETના વિદ્યાર્થીની આત્મહત્યા કરવાનો આ ત્રીજો કિસ્સો છે. આ પહેલા ૧૬ જૂને દેહરાદૂન ખાતે રિયા થાપા નામની ૨૩ વર્ષીય વિદ્યાર્થીનીએ આત્મહત્યા કરી હતી. ૧૨ મેના રોજ NEET પરીક્ષા યોજાઈ ત્યારથી, દેશભરમાં અત્યાર સુધીમાં અંદાજે ૧૪ વિદ્યાર્થીઓએ જીવ ગુમાવ્યા છે.

  • અમદાવાદની ઘટના
  • NEETની પરીક્ષાની તૈયારી કરતા વિદ્યાર્થીએ ફ્લેટના છઠ્ઠા માળેથી છલાંગ મારી
  • નીચે પડતા મોત: લોકોમાં ભારે રોષ ભભૂક્યો

સીટી ન્યૂઝ@અમદાવાદ

અમદાવાદના ન્યૂ રાણીપ વિસ્તારમાં ગઈકાલે(૧૭ જૂન) મોડી રાત્રે અઢી વાગ્યાની આસપાસ ૧૭ વર્ષના વિદ્યાર્થીએ આત્મહત્યા કરી છે. ફહાન પટેલે ઓરિસ્ટો આનંદમ ફ્લેટના B બ્લોકમાં છઠ્ઠા માળેથી બેડરૂમની બાલ્કનીની જાળી કાપી મોતની છલાંગ લગાવી હતી. વિદ્યાર્થી નીચે પડતા સિક્યુરિટી ગાર્ડને જાણ થઈ અને તેને અન્ય લોકોને જાણ કરી હતી. બનાવમાં વિદ્યાર્થીનું ઘટનાસ્થળે જ મોત થયું છે. હાલ મૃતદેહને પીએમ માટે સિવિલ મોકલવામાં આવ્યો છે.પોલીસ તપાસમાં મૃતક વિદ્યાર્થી NEETની પરીક્ષાની તૈયારી કરતો હોવાનું સામે આવ્યું છે. મૃતકે NEETના વિકલ્પ તરીકે ફાર્મસીનું ફોર્મ પણ ભર્યું હતું. ક્યા કારણથી આત્મહત્યા કરી તે હજુ સુધી સામે આવ્યું નથી. બનાવની જાણ થતા સાબરમતી પોલીસ સ્થળ પર પહોંચી હતી. પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી છે. ૧૪ માળના ફ્લેટ છે જેના છઠ્ઠા માળેથી કૂદીને આપઘાત કર્યો હતો.

વિદ્યાર્થી નીચે પડ્યો ત્યારે તેનો શ્વાસ ચાલતો હતો, પરંતુ એમ્બ્યુલન્સ આવી ત્યાં સુધી મોત થઈ ચૂક્યું હતું. મૃતદેહ પાસેથી વિદ્યાર્થીના ચશ્મા મળી આવ્યા હતા જે હજુ પણ ત્યાં જ છે. ફ્લેટમાં માતા અને બે બાળકો જ રહેતા હતા. મૃતકના પિતા સુરતમાં રહે છે. ACP ડી.વી.રાણાએ જણાવ્યું કે મૃતક બાળક તેની માતા અને ૧૩ વર્ષના ભાઈ સાથે ફ્લેટમાં રહેતો હતો. બાળકના માતા-પિતા ૩ વર્ષથી અલગ રહે છે. બાળકના પિતા સુરતમાં કીમીકલ વકીલ છે. બાળક ભુવંશદેવ નેશનલ સ્કૂલમાં અભ્યાસ કરતો હતો. વર્ષ ૨૦૨૫માં ધોરણ ૧૨ની પરીક્ષામાં ૮૫ ટકા આવ્યા હતા. આ વર્ષે NEETની પરીક્ષા આપી તેમાં સારું પરિણામ આવ્યું હતું. જોકે ફરીથી NEETની પરીક્ષા આપવા પણ મહેનત કરતો હતો. બાળક ખાનગી કોચિંગ ક્લાસમાં જતો હતો, જ્યાં સોશિયલ મીડિયાથી દૂર રહેવા મોબાઈલ ત્યાં જ રાખવામાં આવતો હતો. હાલ એક લેપટોપ મળી આવ્યું છે જે કબજે કરવામાં આવ્યું છે.