અમેરિકા-ઈરાન વચ્ચે ફરી યુદ્ધ ભડક્યું: લારક ટાપુ પર અમેરિકી હુમલા બાદ ઈરાનનો જોર્ડન એરબેઝ પર મિસાઈલ એટેક
-
લારક ટાપુ પર ઈરાની રિવોલ્યુશનરી ગાર્ડની રોકેટ સિસ્ટમ નષ્ટ કરવા યુએસ સેન્ટ્રલ કમાન્ડની કાર્યવાહી
-
વળતા પ્રહારમાં ઈરાને જોર્ડનમાં આવેલા બે અમેરિકન એરબેઝ પર ડ્રોન અને મિસાઈલોથી ભારે નુકસાન પહોંચાડ્યું
-
વૈશ્વિક ક્રૂડ વેપારના 20% હિસ્સો ધરાવતો હોર્મુઝ જળમાર્ગ બંધ રહેતાં સપ્લાય ચેઈન ખોરવાઈ
સિટી ન્યુઝ @ અમેરિકા
લગભગ એક મહિના સુધી ચાલેલા યુદ્ધવિરામ બાદ અમેરિકા અને ઈરાન વચ્ચેનો સંઘર્ષ ફરી એકવાર ચરમસીમાએ પહોંચ્યો છે. ગઈકાલે અમેરિકી સેનાએ હોર્મુઝ જળમાર્ગમાં આવેલા વ્યૂહાત્મક લારક ટાપુ પર મોટો હુમલો કર્યો હતો. જેના જવાબમાં ઈરાને ગણતરીના કલાકોમાં જોર્ડન સ્થિત અમેરિકી સૈન્ય એરબેઝ પર મિસાઈલ અને આત્મઘાતી ડ્રોનથી ભીષણ વળતો પ્રહાર કરતાં પશ્ચિમ એશિયામાં ફરી પૂર્ણ કક્ષાના યુદ્ધના એંધાણ વર્તાઈ રહ્યા છે.
અમેરિકી સેન્ટ્રલ કમાન્ડના જણાવ્યા મુજબ, ઈરાનનું ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) લારક ટાપુ પર નવી રોકેટ સિસ્ટમ ગોઠવી રહ્યું હતું અને દરિયાઈ માઈન્સ પાથરીને વૈશ્વિક વેપારના જહાજો માટે મોટો ખતરો ઊભો કરી રહ્યું હતું, જેના કારણે આ ઓપરેશન હાથ ધરાયું હતું. આ હુમલામાં ઈરાની સૈનિકો અને નાગરિકો માર્યા ગયા હતા. તેના પ્રતિકારરૂપે ઈરાને જોર્ડનમાં અમેરિકા સંચાલિત બે મુખ્ય એરબેઝ પર ડ્રોન અને મિસાઈલ મારો ચલાવતાં બંને મથકોને ભારે નુકસાન થયું છે. અમેરિકામાં નવેમ્બરમાં યોજાનારી મધ્યસત્ર ચૂંટણી પૂર્વે આ સૈન્ય કાર્યવાહીથી આંતરરાષ્ટ્રીય રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
વિશ્વના કુલ ક્રૂડ તેલ વેપારનો 20 ટકા હિસ્સો ધરાવતો હોર્મુઝ જળમાર્ગ હજુ પણ સંપૂર્ણ રીતે બંધ છે, જેના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ તેલના ભાવમાં તાત્કાલિક ઉછાળો આવ્યો છે. ભારતના વપરાશનું બે્રન્ટ ક્રૂડ પ્રતિ બેરલ $1.5 વધીને 90 ડોલરને પાર કરી ગયું છે. ક્રૂડ તેલ મોંઘું થતાં ભારતીય શેરબજાર પર દબાણ વધ્યું છે અને દેશની ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર આર્થિક બોજ વધશે, જેના પરિણામે આગામી દિવસોમાં ગુજરાત સહિત દેશભરમાં પેટ્રોલિયમ પેદાશો અને CNGના ભાવમાં વધારો થવાની પ્રબળ શક્યતા છે.
અમેરિકા-ઈરાન વચ્ચે યુદ્ધ ફરી ભડક્યું
અમેરિકાએ હોર્મુઝના લારક ટાપુ પર હુમલો કર્યા બાદ ઈરાને જોર્ડનમાં અમેરિકી બે એરબેઝ પર મિસાઈલ-ડ્રોનથી વળતો હુમલો કર્યો છે. હોર્મુઝ જળમાર્ગ બંધ રહેતાં અને યુદ્ધ ફરી ભડકતાં બ્રેન્ટ ક્રૂડ $90ને પાર પહોંચી ગયું છે, જેની સીધી અસરથી ભારતમાં ઈંધણ અને સીએનજી મોંઘા થવાની ભીતિ સર્જાઈ છે.