Loading Please Wait !!!
LPG સિલિન્ડર માટે ક્વિક ડિલિવરી મોડેલ: 4 કલાકથી ઓછા સમયમાં મળશે 10 કિલોનો નવો ગેસ સિલિન્ડર

 

  • ઇરાન કટોકટી અને ક્રૂડતેલના ઊંચા ભાવોથી ઓઈલ કંપનીઓની અંડર-રિકવરી ઘટાડવા નવો વ્યૂહ

  • 10 કિલોના નવા સિલિન્ડર પર સબસિડી નહીં મળે, પરંતુ ઝડપી 4 કલાકમાં હોમ ડિલિવરીની સુવિધા અપાશે

  • પાઇપલાઇન ગેસ (PNG) ને પ્રાધાન્ય આપી પરંપરાગત ઘરેલુ સિલિન્ડર પરનો બોજો ઘટાડવાની તૈયારી

સિટી ન્યુઝ @ નવી દિલ્હી

પશ્ચિમ એશિયામાં ઇરાન કટોકટીના કારણે આંતરરાષ્ટ્રીય સ્તરે ક્રૂડ તેલ અને કુદરતી ગેસના પુરવઠા સામે સર્જાયેલા પડકારો વચ્ચે ભારતે સપ્લાય વ્યવસ્થા જાળવી રાખી છે. જોકે, વૈશ્વિક સ્તરે ઊંચા ભાવોને કારણે ઓઈલ માર્કેટિંગ કંપનીઓ પર અંડર-રિકવરી અને આર્થિક બોજ સતત વધી રહ્યો છે. સામાન્ય ગ્રાહકો પર સીધો મોટો ભાવવધારો લાદવાને બદલે સરકાર હવે ગ્રાહકોની જરૂરિયાત મુજબ નવી વિતરણ વ્યવસ્થા અને પ્રોડક્ટ મોડલ અપનાવવા તરફ આગળ વધી રહી છે.

આ નવી યોજના હેઠળ સરકાર પાઇપ્ડ નેચરલ ગેસ (PNG) ને વધુ પ્રોત્સાહન આપશે. આ સાથે જ 10 કિલો વજનવાળા આધુનિક, હળવા અને વધુ સુરક્ષિત કમ્પોઝિટ ગેસ સિલિન્ડરની સપ્લાય વધારવામાં આવશે. શહેરી વિસ્તારના યુવા વર્ગ અને ‘જેન-ઝી’ ગ્રાહકોને ધ્યાનમાં રાખીને ક્વિક કોમર્સ મોડેલ મુજબ આ સિલિન્ડર માત્ર 3 થી 4 કલાકમાં કે તેનાથી પણ ઓછા સમયમાં પહોંચાડવાની વ્યવસ્થા ગોઠવવામાં આવી રહી છે.

હાલમાં 5 કિલોના સિલિન્ડર ગરીબ અને સ્થળાંતરિત શ્રમિક પરિવારો માટે સરળતાથી ઉપલબ્ધ કરાયા છે. જ્યારે નવો 10 કિલોનો સિલિન્ડર નોન-સબસિડી કેટેગરીમાં રહેશે, જેનાથી સરકાર અને કંપનીઓ પર 14.2 કિલોના સબસિડીયુક્ત પરંપરાગત સિલિન્ડરનું ભારણ ઘટશે. ઝડપી ડિલિવરી માટે પ્રીમિયમ ચૂકવવા તૈયાર ગ્રાહકોને સમયસર ગેસ પહોંચાડવાની આ સુવિધાથી શહેરી વિસ્તારોમાં રાંધણગેસ વિતરણ વ્યવસ્થા વધુ ઝડપી અને સુદ્રઢ બનશે.

10 કિલો સિલિન્ડરની ક્વિક ડિલિવરી શરૂ થશે

ઓઈલ કંપનીઓ પર વધતા આર્થિક બોજ અને ક્રૂડ સંકટ વચ્ચે સરકાર 10 કિલોના હળવા ગેસ સિલિન્ડર માટે માત્ર 3-4 કલાકમાં ક્વિક ડિલિવરી સિસ્ટમ લાવી રહી છે. આ સિલિન્ડર પર સબસિડી નહીં મળે, જેથી પરંપરાગત 14.2 કિલોના સિલિન્ડર પરનું ભારણ ઘટશે. સાથોસાથ PNG નેટવર્કને પણ પ્રાધાન્ય અપાશે.